જામનગર જિલ્લાની ધ્રોલ નગરપાલિકાની આગામી ચૂંટણી પહેલા ભાજપમાં આંતરિક વિવાદ સપાટી પર આવ્યો છે. રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલના લાંબા સમયના સમર્થક અને ભાજપના કાર્યકર ભીમજી મકવાણાએ મંત્રી સામે ગંભીર આરોપો મૂક્યા છે. ભીમજી મકવાણાએ સોશિયલ મીડિયા પર વાઈરલ કરેલા પત્રમાં આક્ષેપ કર્યો છે કે, અગાઉની તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કૃષિમંત્રીએ બહુજન સમાજ પાર્ટી (બસપા)નું મેન્ડેટ ખરીદીને મોટા વાગુદડમાં ભાજપના ઉમેદવાર સામે બસપાનો ઉમેદવાર ઊભો રાખ્યો હતો. તેમણે આરોપ મૂક્યો કે હાડાટોડા ગામથી આયાતી ઉમેદવાર ઉતારવામાં આવ્યો હતો અને બે-ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. બીજી તરફ, કૃષિમંત્રી રાઘવજી પટેલના અંગત સૂત્રોએ જણાવ્યું કે, ભીમજી મકવાણાએ પોતાની પુત્રવધૂ માટે વોર્ડ નંબર 5ની ટિકિટ માગી હતી, જ્યારે તેઓ વોર્ડ નંબર 7માં રહે છે. પાર્ટીના નિયમ મુજબ, ઉમેદવારને તેમના રહેઠાણ વાળા વોર્ડમાંથી જ ટિકિટ આપવામાં આવે છે. આ કારણે તેમને ટિકિટ ન મળતા તેમણે આ પત્ર વાઈરલ કર્યો છે. આ વિવાદ ધ્રોલ ઉપરાંત કાલાવડ અને જામજોધપુર નગરપાલિકાની આગામી ચૂંટણી પહેલા સામે આવ્યો છે, જે ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે છે.