મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે સુરતના ચાર યુવકોની ધરપકડ કરી છે, જે અંતરરાષ્ટ્રીય ડ્રગ્સ તસ્કરીમાં સંડોવાયેલા હોવાની શંકા છે. આ ચારેય યુવાન બેન્કોકથી હાઈડ્રોપોનિક કેનાબીસ (Hydroponic Cannabis) લાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. અધિકારીઓએ 40 કિલોગ્રામ હાઈડ્રોપોનિક કેનાબીસ જપ્ત કર્યા છે, જે 42 પ્લાસ્ટિક પેકેટ્સમાં છુપાવી રાખવામાં આવ્યું હતું. કસ્ટમ વિભાગે ચાર સુરતીઓને ઝડપી પાડ્યા
કસ્ટમ વિભાગ દ્વારા ઝડપાયેલા આરોપીઓની ઓળખ કરવામાં આવી છે. તેઓએ 27 જાન્યુઆરીએ બેન્કોકની યાત્રા કરી હતી અને 30 જાન્યુઆરીએ ભારત પાછા ફર્યા હતા. આરોપીઓના નામ માનવકુમાર દિલીપભાઈ પિપળિયા, રવિભાઈ દિલીપભાઈ પિપળિયા, જિગર નરેશભાઈ પંચાણી અને બૃજેશ સંજયભાઈ મેંડપરા છે. ચારેય સુરતના રહેવાસી છે અને તેમના પર વિદેશી ડ્રગ્સની હેરાફેરી કરવાનો આરોપ છે. કસ્ટમ વિભાગે શંકા કેમ કરી?
અધિકારીઓએ યાત્રાના સમય અને ઉદ્દેશ્યને લઈને શંકા વ્યક્ત કરી હતી. જ્યારે તેમના સામાનની તપાસ કરવામાં આવી, ત્યારે કપડાં અને અંગત વસ્તુઓ વચ્ચે 42 પ્લાસ્ટિક પેકેટ્સ છુપાવેલા હતા. તપાસ દરમિયાન આ પેકેટ્સમાં હાઈડ્રોપોનિક કેનાબીસ ભરેલું હોવાનું બહાર આવ્યું. હાઈડ્રોપોનિક કેનાબીસ બેન્કોકમાં સરળતાથી ઉપલબ્ધ છે, અને આ ચારેય આરોપીઓનો પ્રવાસ સમય પણ શંકાસ્પદ હતો. વધુમાં, તેઓએ કેટલાંક પૂછપરછ દરમિયાન ભેદી જવાબો આપ્યા, જેના કારણે કસ્ટમ વિભાગે તેમના બેગની સઘન તપાસ કરી. અંતે તેમનાથી મોટો ડ્રગ્સ જથ્થો જપ્ત કરાયો. પ્રાથમિક તપાસના આધારે કસ્ટમ અને ડ્રગ્સ કન્ટ્રોલ વિભાગે શંકા વ્યક્ત કરી છે કે, આ ચારેય યુવાન એક મોટા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ સાથે સંકળાયેલા હોઈ શકે છે. હાલ આ સમગ્ર તસ્કરીના માસ્ટરમાઈન્ડને શોધવાની તપાસ ચાલુ છે. તંત્રના મતે, આ કેસ માત્ર ભારત સુધી સીમિત નથી, પરંતુ તે વૈશ્વિક સ્તરે કામ કરતા એક નેટવર્કનો ભાગ હોઈ શકે છે.