આગામી સમયમાં જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી યોજવાની છે, ત્યારે જૂનાગઢ શહેરની અનેક સોસાયટીના લોકો પ્રાથમિક સુવિધાના અભાવે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. ઝાંઝરડા રોડ પર વોર્ડ નંબર 7 ની જીવનધારા સોસાયટીના રહીશો એકઠા થઈ જૂનાગઢ મહાનગરપાલિકાના સત્તાધીશોનો વિરોધ નોંધાવ્યો હતો અને વોર્ડ નંબર 7 ના કોર્પોરેટરો માત્ર ચૂંટણી આવતા મત માગવા આવે છે તેવા આક્ષેપો કર્યા હતા. રોડ રસ્તા ગટર પાણી જેવી પ્રાથમિક સુવિધા ના અભાવે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. બીજી તરફ જીવનધારા સોસાયટીમાં રોડ એટલી હદે ખરાબ બન્યા છે કે દર્દીને ઇમર્જન્સી સમયે હોસ્પિટલ લઈ જવામાં તેમજ બાળકોને સ્કૂલે લેવા મુકવા અને સ્થાનિક લોકોને અવરજવર કરવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. તો બીજી તરફ સ્થાનિકો કહી રહ્યા છે કે આ વિસ્તારના કોર્પોરેટર છેલ્લા પાંચ વર્ષમાં ક્યારેય પણ આ વિસ્તારમાં આવ્યા જ નથી જેના કારણે લોકો આ વર્ષે ચૂંટણીનો બહિષ્કાર કરી અને અસુવિધાનો જવાબ આપશે. ‘આ વખતે ચૂંટણીમાં મતદાન કરવું જ નથી’
વોર્ડ નંબર 7ના જીવનધારામાં રહેતા ભાનુબેને જણાવ્યું હતું કે, મારા પતિ હાલ પથારીમાં ઘરે સારવાર હેઠળ છે, જેને હોસ્પિટલ લઈ જવામાં પણ ખૂબ જ મુશ્કેલી પડી રહી છે કારણ કે આ રોડ પરથી એમ્બ્યુલન્સ ચાલી શકતી નથી. આ વખતે ચૂંટણીમાં મતદાન કરવું જ નથી. બધી બહેનોને કહી દીધું છે કે આ વખતે કોઈપણ ચૂંટણી સમયે મતદાન કરવા જશો નહીં. કદાચ મને પાંચ લાખ રૂપિયા આપશે તો પણ હું મતદાન કરવા જવાની નથી. કારણ કે કોર્પોરેટરો ચૂંટાયા પછી આ વિસ્તારમાં દેખાતા જ નથી. આ વોર્ડના કોર્પોરેટર હિમાંશુભાઈ કે ડો. સીમાબેન પીપળીયા કે અન્ય બે કોર્પોરેટરો ક્યારેય પણ આ વિસ્તારની મુલાકાત લીધી નથી કે લોકોના પ્રશ્નોને સાંભળવા આવ્યા નથી. ‘પાણીનો કોઇ નિકાલ જ નથી, સીધુ ઘરમાં ઘૂસે છે’
નિંજલબેન વાઢેરે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં લોકો રોડ રસ્તા પાણી અને ગટરને લઈ ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે. અહીં જ્યારે પાણી આપવામાં આવે છે ત્યારે ખરાબ રોડ રસ્તાના કારણે પાણી રોડ પર ફરી વળે છે અને કાદવ કિચડનું સામ્રાજ્ય સર્જાય છે. ત્યારે લોકોને અવરજવર કરવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે. આ વિસ્તારમાં પાણીનો કોઈ નિકાલ નથી જેના કારણે રસ્તા પર પાણી ભરાય છે. ઘણી જગ્યા પર રોડ બનાવવામાં આવે છે પરંતુ ત્યાં પણ યોગ્ય પદ્ધતિથી રોડ બનાવવામાં આવ્યા નથી જેના કારણે ખાડાઓ ભરાય જાય છે અને ઘરોમાં ઘુસી જાય છે. આ વખતે આ વિસ્તારના સ્થાનિકો મક્કમ છે કે ચૂંટણી સમયે મતદાન કરવા જવાના નથી. ‘છેલ્લા સાત વર્ષથી અહીં રોડ નથી બનાવ્યો’
સ્થાનિક હિરલબેન ભટ્ટે જણાવ્યું હતું કે, અહીં રોડ રસ્તા અને ગટરની સમસ્યા છેલ્લા સાત વર્ષથી છે. છેલ્લા સાત વર્ષથી અહીં રોડ ક્યારેય પણ બનાવવામાં આવ્યા જ નથી પરંતુ છેલ્લા બે વર્ષથી અહીંની સ્થિતિ ખૂબ જ કપરી બની છે. આ વિસ્તાર કરતાં ગામડાનો વિસ્તાર સારો હોય છે. કારણ કે ગામડામાં ઘર ઘર સુધી રોડ પર બ્લોગ પાથરી દેવામાં આવ્યા છે. અમે ક્યારેય પણ ગામડામાં રહ્યા નથી પરંતુ આ સોસાયટીમાં રહેતા એવું લાગી રહ્યું છે કે અમે ગામડામાં જ રહીએ છીએ. અમે આશા રાખીએ છીએ કે આ વિસ્તારને જો પાકા રસ્તા ન મળે તો કોઈ વાંધો નહીં પરંતુ અહીં રોલર ફેરવી કપચી પાથરી ચાલવા જેવો રસ્તો બનાવી આપે તો પણ સારું છે. આ રસ્તા પરથી અસંખ્ય લોકો પસાર થાય છે. આ રોડ પરથી જોષીપરા શાંતેશ્વર અનેક વિસ્તારોમાં જવાનો મુખ્ય માર્ગ છે. જ્યાં અનેકવાર અકસ્માતોના બનાવો પણ બન્યા છે. ‘બાળકો પણ જીવના જોખમે વાહનોમાં સવારી કરે છે’
હિરલબેન ભટ્ટે વધુમાં જણાવ્યું હતું કે, આ રોડ પરથી જ્યારે સ્કૂલ વાહનો પસાર થાય છે ત્યારે બાળકો પણ જીવના જોખમે વાહનોમાં સવારી કરે છે. આ વિસ્તારના સ્થાનિક લોકો જે હાલાકી ભોગવી રહ્યા છે જેને કારણે લોકોએ નક્કી કર્યું છે કે આ વખતની ચૂંટણીમાં મતદાન કરવા જવું જ નથી. ચૂંટણી સમયે બંધ મકાનમાં પણ ઉમેદવારો મતદાન કરવા માટેની કાપલીઓ નાખી અને ચાલ્યા જાય છે. ત્યારે દેશના નાગરિક તરીકે મતદારો મતદાન કરવા જાય છે. લોકો માત્ર મોદીજીને મતદાન આપવા માટે જાય છે પરંતુ આ વખતે એવું વિચાર્યું છે કે આ રોડ રસ્તા રીપેર કરવા મોદીજી નહીં આવે જેના કારણે ચૂંટણીનો બહિષ્કાર જ કરવાનો છે. ‘છેલ્લા પાંચ વર્ષમાં કોર્પોરેટર નથી આવ્યા’
લતાબેન સચાણીયાએ જણાવ્યું હતું કે, આ વિસ્તારના લોકો ખરાબ રોડ રસ્તા ના કારણે ખૂબ જ મુશ્કેલી નો સામનો કરી રહ્યા છે લોકોને આ રોડ પરથી પસાર થવામાં પણ વાર મુશ્કેલી સહન કરવી પડે છે. આ રોડ પરથી પસાર થતા અકસ્માતનો ખૂબ જ ભય લાગે છે સ્કૂલે જતા બાળકો વૃદ્ધો કામ ધંધે જતા લોકો જીવના જોખમે આ રસ્તા પરથી પસાર થાય છે. આ વિસ્તારના કોર્પોરેટર કોણ છે તે જ સ્થાનિકોને ખ્યાલ નથી કારણ કે અહીં કોર્પોરેટર છેલ્લા પાંચ વર્ષમાં ક્યારે આવ્યા જ નથી. આ વિસ્તારના સ્થાનિકોને સુવિધા મળી નથી જેના કારણે આ વર્ષે ચૂંટણીનો બહિષ્કાર કરશો. ‘ચૂંટણી સમયે કોર્પોરેટર દીકરા થઇ જાય પછી બાપ..’
વોર્ડ નંબર 7ની જીવનધારા સોસાયટીના રહીશ હિમાંશુ વાઢેરે જણાવ્યું હતું કે, હું અહીં છેલ્લા પાંચ વર્ષથી રહું છું પરંતુ અહીં રોડ છે તેવું મેં હૈયામાં જોયેલ નથી. કારણ કે પાંચ વર્ષ પહેલા જ્યારે હું અહીં રહેવા આવ્યો ત્યારથી આની આજ પરિસ્થિતિ છે. દિવસે ને દિવસે આ વિસ્તારની પરિસ્થિતિ ખરાબ થતી ગઈ છે, પરંતુ હજુ સુધી સુધારો આવ્યો નથી. આ વિસ્તારમાં જ્યારે ખાડા પડે છે ત્યારે રેતી ,કાકરી કે કપચીના ડમ્પર નાખી તેને થોડો સમય માટે રીપેર કરવામાં આપે છે પરંતુ કાયમી માટે રોડ બનાવવામાં આવતો નથી. જાણે કે આ વિસ્તારમાં રહેતા લોકો ટેક્સ ન ભરતા હોય તેવું મહાનગરપાલિકાને લાગે છે. જ્યાં સુધી જેટલો ન ભરે અને તમતમ ન થાય ત્યાં સુધી અહીંના કોર્પોરેટરને ખબર પડે તેમ નથી. કોર્પોરેટર અહીં આવતા જ નથી જાણે તેનો જન્મ અહીં છે કે નથી તે જ ખ્યાલ નથી. ચૂંટણી સમયે અહીં આવે છે અને ત્યારબાદ કોર્પોરેટર અહીં દેખાતા જ નથી. ચૂંટણી સમયે આ લોકો દીકરા થઈ જાય છે અને ત્યારબાદ બાપ થઈ અને બેસે છે. ‘અમારી સોસાયટી જાણે નકશામાં જ નથી’
વોર્ડ નંબર 7ના રહીશ સાગર વસવેલીયાએ જણાવ્યું હતું કે, હું છેલ્લા દસ વર્ષથી આ જીવનધારા સોસાયટીમાં રહું છું. જૂનાગઢનો પોશ એરિયો ઝાંઝરડા રોડ કહેવાય છે પરંતુ નકશામાં આ વિસ્તારમાં જાણે જીવનધારા સોસાયટી છે કે નહીં તે જ ખબર નથી. જોતીગ્રામ યોજનાઓમાં ગામડાઓના રોડ આ વિસ્તારના રોડ કરતાં ઘણા સારા છે, પરંતુ આ વિસ્તારના રોડ બત્તર છે. અહીં આ રોડ પર કાલે જ એક વૃદ્ધ ખરાબ રોડના કારણે ઈજાગ્રસ્ત થયા હતા જેને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. તે પહેલા એક બહેન દોઢ વર્ષની પોતાની બાળકી લઈને જતા હતા તે પણ આ ખરાબ રોડમાં પડી ગયા હતા જેને પણ ઈજા પહોંચી હતી ત્યારે આ લોકોની જવાબદારી કોણ લે છે? કોર્પોરેટરો તો કહી દે છે કે તમે મત આપો કે ન આપવો અમને કોઈ ફરક પડતો નથી અમે તો જીતી જઈશું અમને ખબર છે અમારે કેમ જીતવું. ‘1500 કરોડની વાતો થાય પણ અહીં 15 રુપિયા નથી વાપર્યા’
સાગર વસવેલીયાએ વધુમાં જણાવ્યું હતું કે, જૂનાગઢના વિકાસ માટે 1500 કરોડ રૂપિયાની વાતો કરવામાં આવે છે પરંતુ અહીં 15 રૂપિયા પણ વાપર્યા હોય તેવું લાગતું નથી. પાંચ વર્ષ પહેલા શહેરમાં બોર્ડ લગાવવામાં આવ્યા હતા કે જૂનાગઢને ફાટક મુક્ત કરશું, રસ્તાઓ સારા બનાવશું અને સ્ટ્રીટ લાઈટો આપશું, પાણી આપશું ? પણ ક્યારે કઈ સાલમાં આપશો ? અને આ સુવિધાઓ અમને કામ આવશે કે અમારા છોકરાઓને કામ આવશે કે પછી એમના છોકરાઓને કામ આવશે ? ‘કરોડોનો વિકાસ જુનાગઢની સોસાયટીઓમાં કેમ દેખાતો નથી?’
આક્રોશ સાથે સાગર વસવેલીયા જણાવે છે કે, આ પરિસ્થિતિ જોતા આવનારી ચૂંટણીમાં આ વિસ્તારના લોકો સંપૂર્ણપણે ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. હાઉસ ટેક્સ અને વેરો સમયસર ભરવામાં આવ્યો છે અને જો ન ભરવામાં આવે તો દર ત્રણ દિવસે મહાનગર પાલિકા દ્વારા વેરો ફરવાના મોબાઈલમાં મેસેજ મોકલવામાં આવ્યો છે. તો શું આ સુવિધા માટે પણ અમારે મેસેજો મોકલવા પડશે કે કોર્પોરેટરોને ટપાલ લખવી પડશે ? સરકાર દ્વારા જુનાગઢના વિકાસ માટે પૂરતી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પરંતુ આટલા કરોડોનો વિકાસ જુનાગઢની સોસાયટીઓમાં કેમ દેખાતો નથી?