BAPS હિન્દુ મંદિર-અબુ ધાબીના પ્રથમ પાટોત્સવની ભવ્ય ઉજવણી તારીખ 2 ફેબ્રુઆરી, 2025ના દિવસે કરવામાં આવી. જેમાં વૈશ્વિક શાંતિ માટે પ્રાર્થના, મહાપૂજા અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વૈશ્વિક સંવાદિતા તેમજ એકતાના પ્રતિક સમાન બી.એ.પી.એસ હિન્દુ મંદિરના પ્રથમ પાટોત્સવના પાવન પ્રસંગે સમગ્ર UAE દેશમાંથી આશરે 10,000થી વધુ ભક્તો, સ્વયંસેવકો અને શુભેચ્છકો ભેગા થયા હતા. સવારે 4:00 વાગ્યે સેંકડો ભક્તો અને સ્વયંસેવકો મહાપૂજાની તૈયારી માટે મંદિરમાં આવી પહોંચ્યા હતા, મહાપૂજા એ શાંતિ અને સમૃદ્ધિના આશયથી કરવામાં આવતી પવિત્ર ધાર્મિક વિધિ છે. આ પ્રસંગે એક કાર્યકર -જીગીષા જોશીએ કહ્યું કે, ‘હું ખૂબ જ ભાગ્યશાળી છું કે આ પ્રસંગે મને આ સુંદર મંદિરમાં આપણા સમુદાયની સેવા કરવાની તેમજ ભજન-ભક્તિ કરવાની તક મળી છે અને આ સેવા દ્વારા મને ભગવાનનું ઋણ ચૂકવવાની તક મળી છે.’ બરાબર સવારે 6:00 વાગ્યે પાટોત્સવ વિધિ તેમજ મહાપૂજાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં 1,100થી વધુ ભાવિક ભક્તોએ ભાગ લીધો હતો તેમજ વૈશ્વિક શાંતિ-સંવાદિતાની ભાવના સાથે પ્રાર્થનાઓ કરવામાં આવી હતી. આ મહાપૂજા ખરેખર એક અનોખો અનુભવ હતો કારણ કે, તેમાં ટેકનોલોજી અને આધ્યાત્મિકતાનું મિશ્રણ કરવામાં આવ્યું હતું. જેમાં મંદિર પર ખાસ પ્રોજેકશન કરવામાં આવ્યું હતું અને તેના દ્વારા જુદી જુદી ધાર્મિક વિધિઓનું ચિત્રણ કરવામાં આવ્યું હતું. પાટોત્સવ પ્રસંગે સોનામાં સુગંધ ભળે તેમજ, મહારાષ્ટ્રની નાસિક ઢોલ ટીમે એક અદ્ભુત કળા પ્રદર્શન કરાયું હતું. તેમના ઉર્જાવાન ઢોલવાદનથી ભગવાન સ્વામિનારાયણની શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું અને તે શોભાયાત્રા મંદિરના મધ્યખંડ સુધી પહોચે તે પહેલા તમામ ભક્તોના હૃદય ઉત્સાહ અને આનંદથી છલકાઈ ઉઠ્યા હતા. ત્યાર બાદ 9:00થી 11.30 દરમ્યાન મંદિરના મુખ્ય સભામંડપમાં વસંતપંચમીની ઉત્સવ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં BAPSના સંસ્થાપક એવા શાસ્ત્રીજી મહારાજની વંદના કરવામાં આવી. તેઓએ પોતાનું સમગ્ર જીવન સામાજિક સંવાદિતા અને આધ્યાત્મિક જાગૃતિના સંદેશને વિશ્વફલક પર લઈ જવા માટે સમર્પિત કર્યું હતું, તેમજ શાસ્ત્રીજી મહારાજની જન્મજયંતિ નિમિતે તેમના ગુણો તેમજ અષ્ટ્કનું ગાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સૌએ પ્રેમ અને સંવાદિતાની ભૂમિને પ્રોત્સાહન આપવાના વિઝન માટે હિઝ હાઇનેસ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનનું સન્માન પણ કર્યું હતું દિવસભર, પાટોત્સવની ઉજવણીના ભાગરૂપે સંગીત અને પરંપરાગત નૃત્ય પ્રદર્શનો રજૂ થયા હતા. જેના દ્વારા ભારતીય શાસ્ત્રીય નૃત્યના ગહન આધ્યાત્મિક સારને જીવંત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં 19 વિવિધ પ્રદર્શનો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં પ્રભાવશાળી 224 કલાકારોએ અનેકવિધ જૂથોમાં તેમની કળા પ્રસ્તુત કરી હતી. પરંપરાગત મરાઠી, ઓડિસી, બંગાળી અને ભરતનાટ્યમ નૃત્યોની સાથે મધુરષ્ટકમ, મોહિનીયટ્ટમ, કુચીપુડીની રજૂઆતોથી દર્શકો મંત્રમુગ્ધ થયા હતા. સૂર્યાસ્ત સમયે સાંસ્કૃતિક વૈભવની સાંજ સમો સ્વામિનારાયણ ઘાટ એક જીવંત મંચમાં પરિવર્તિત થયો હતો. આ પ્રસંગની પવિત્રતામાં વધારો કરતા, સાંજે 6:00 વાગ્યે, સાંજે 7:00 વાગ્યે અને રાત્રે 8:00 વાગ્યે આરતીઓ (ભક્તિ પ્રાર્થના) કરવામાં આવી હતી, જે મંદિરને ભક્તિ અને કૃતજ્ઞતાના વાતાવરણથી ભરી દે છે. આ પ્રથમ પાટોત્સવ માત્ર BAPS હિન્દુ મંદિર અબુ ધાબીની સીમાચિહ્નરૂપ વર્ષગાંઠની ઉજવણી જ નહીં, પરંતુ આ પ્રદેશમાં શાંતિ, શ્રદ્ધા અને સાંસ્કૃતિક એકતાના દીવાદાંડી તરીકેની તેની ભૂમિકાને પણ પુનઃપુષ્ટિ આપી. મંદિર આધ્યાત્મિક જ્ઞાન, સમાજ સેવા અને સાંસ્કૃતિક આદાન-પ્રદાનના કેન્દ્ર તરીકે સેવા આપવાનું ચાલુ રાખે છે, જે વિવિધ પૃષ્ઠભૂમિના લોકોને સંવાદિતાની ભાવનામાં એકસાથે લાવે છે. BAPS હિન્દુ મંદિર અબુ ધાબીના વડા બ્રહ્મવિહારી સ્વામીએ હિઝ હાઇનેસ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનને તેમની ઉદારતા અને અટલ સમર્થન માટે તેમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો અને સમાપન વિશેષ આશીર્વાદ આપતા જણાવ્યું કે , “BAPS હિન્દુ મંદિર – તેના પ્રથમ વર્ષમાં પ્રેમ, આશા અને એકતાથી ભરપૂર ઇચ્છાશક્તિનું સાક્ષી બન્યું છે. તેણે તેના સ્થાપત્ય તેમજ ભવ્યતા માટે પુરસ્કારો જીત્યા છે પરંતુ તેની સૌથી પ્રભાવશાળી સિદ્ધિ એ છે કે તે તમામ પૃષ્ઠભૂમિના લોકોને એકસાથે લાવીને એક સુમેળભર્યા સમાજનું નિર્માણ કરવાની પ્રેરણા આપી રહ્યું છે.