અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના બોરડીકંપા ગામમાં ખેડૂતોએ ટામેટાના તળિયે બેઠેલા ભાવ સામે અનોખો વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોએ પોતાના મહેનતથી ઉગાડેલા ટામેટા પશુઓને ખવડાવીને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. પાંચ વીઘા જમીનમાં ટામેટાની ખેતી કરનાર ખેડૂતોએ મોંઘા બિયારણ અને સારી માવજત પાછળ મોટું રોકાણ કર્યું હતું. શરૂઆતમાં એક મણના 400 જેટલા સારા ભાવ મળતા હતા, પરંતુ છેલ્લા એક સપ્તાહથી ભાવમાં મોટો કડાકો બોલ્યો છે. લગ્નસીઝન દરમિયાન માંગ વધવા છતાં, ટામેટાના ભાવ પ્રતિ કિલો ₹20થી ઘટીને માત્ર 2-3 થઈ ગયા છે. આ સમસ્યા માત્ર બોરડીકંપાના ખેડૂતો પૂરતી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર જિલ્લામાં ટામેટાની ખેતી કરતા તમામ ખેડૂતો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ઉત્પાદન ખર્ચ પણ નીકળી શકે તેમ ન હોવાથી, ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો બાગાયતી પાકો તરફ વળ્યા છે, પરંતુ આવા ભાવ ગગડવાના કારણે તેમને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.