આણંદ જિલ્લામાં આગામી 16 ફેબ્રુઆરીએ યોજાનારી ત્રણ નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી પત્રો પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે. આંકલાવ, ઓડ અને બોરીયાવી નગરપાલિકાની કુલ 66 બેઠકો માટે 175 ઉમેદવારો વચ્ચે રસાકસી જામશે. આંકલાવ નગરપાલિકામાં સૌથી વધુ 78 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે, જેમાં ભાજપના 24, આમ આદમી પાર્ટીના 2 અને 52 અપક્ષ ઉમેદવારો સામેલ છે. બોરીયાવી નગરપાલિકાની 24 સીટો માટે કુલ 59 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ભાજપના 24, કોંગ્રેસના 22, આપના 2 અને 11 અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે. ઓડ નગરપાલિકાની 18 બેઠકો માટે 38 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, જેમાં ભાજપ અને કોંગ્રેસના 18-18 અને 2 અપક્ષ ઉમેદવારો છે. ઉલ્લેખનીય છે કે શરૂઆતમાં ત્રણેય નગરપાલિકાઓમાં મળીને કુલ 209 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમાંથી 16 ફોર્મ રદ થયા અને 16 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી. આ ઉપરાંત, ઉમરેઠ નગરપાલિકાના વોર્ડ નંબર 4ની પેટા ચૂંટણીમાં ભાજપના ધનંજય જોષી અને કોંગ્રેસના રાજેશ તલાટી વચ્ચે સીધી ટક્કર જામશે. તમામ ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે.