ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલને લઈ મહત્વના સમાચાર આવ્યા છે. યુસીસી લાગુ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આજે મહત્વની જાહેરાત કરવામાં આવશે. યુસીસીના અમલ માટે પહેલ કરનાર ઉત્તરાખંડ બાદ ગુજરાત બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા પૂર્વ ન્યાયધીશની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવશે. જે લોકોના સૂચન પર કામ કરશે. આજે મુખ્યમંત્રી પ્રેસકોન્ફરન્સ યોજી કમિટી અંગે જાહેરાત કરશે. યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) છે શું? દેશમાં બે પ્રકારના કાનૂન છે- ક્રિમિનલ કાયદા અને સિવિલ કાયદા. ક્રિમિનલ કાયદામાં ચોરી, લૂંટ, મારામારી જેવા બનાવો સામે સુનાવણી થાય છે. દરેક ધર્મ, સમુદાયના લોકોને ક્રિમિનલ કાયદા લાગુ પડે છે, જ્યારે સિવિલ કાયદામાં લગ્ન અને સંપત્તિ સાથે જોડાયેલા કેસો ચાલે છે, છૂટાછેડા, ભરણ-પોષણ વગેરે. ભારતમાં અલગ અલગ ધર્મોમાં લગ્ન, રીતરિવાજ અલગ અલગ છે. આ જ કારણ છે કે આ પ્રકારના કાયદાને પર્સનલ લૉ પણ કહેવાય છે. પર્સનલ લૉ એટલા માટે કે મુસ્લિમોમાં શાદી અને સંપત્તિના ભાગલા મુસ્લિમ લૉ મુજબ થાય છે. હિન્દુઓમાં હિન્દુ એક્ટ મુજબ કેસ ચાલે છે. ઈસાઈ અને શીખ માટે પણ અલગ પર્સનલ લૉ છે. યુનિફોર્મ સિવિલ કોડ મારફત પર્સનલ લૉ ખતમ થઈ જશે અને કોઈપણ ધર્મ હોય, કોઈપણ સમુદાય હોય, એ તમામ માટે એકસમાન કાયદા રહેશે, જેને યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) કહેવાય છે. દેશનાં ભાજપશાસિત રાજ્યો યુસીસી બિલ લાવી શકે છે આઝાદી પછી ઉત્તરાખંડ યુસીસી બિલ લાવનારું દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે, જોકે ગોવામાં પણ પોર્ટુગીઝ શાસનના સમયથી યુસીસી અમલમાં છે. ગોવાને બંધારણમાં વિશેષ રાજ્યનો દરજ્જો હતો. આસામ સહિત દેશનાં ઘણાં ભાજપશાસિત રાજ્યોએ ઉત્તરાખંડ યુસીસીને મોડલ તરીકે અપનાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ બિલમાં 400થી વધુ જોગવાઈઓ છે. લગ્નથી લઈને લિવ-ઇન-રિલેશનશિપ સુધીના કડક નિયમો બનાવવામાં આવ્યા છે, જોકે આ બિલમાં કરવામાં આવેલી વિશેષ જોગવાઈઓને લઈને વિવાદ થઈ શકે છે. મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડનું માનવું છે કે આ કાયદો મુસ્લિમો પર અત્યાચાર સમાન છે. જો આનો અમલ થશે તો મુસલમાનોના ઘણા અધિકારો જતા રહેશે. ઉદાહરણ તરીકે, કાયદેસરના છૂટાછેડા વગર એકથી વધુ લગ્નનો કોઈ અધિકાર રહેશે નહીં. શરિયત મુજબ મિલકતની વહેંચણી થશે નહીં. ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતા લાગુ થવાથી શું બદલાયું? ઉત્તરાખંડમાં યુનિફોર્સ સિવિલ કોડ લાગુ કરવાથી લગ્ન રજિસ્ટ્રેશન, મિલ્કત, સંપત્તિના અધિકારી, બહુપત્નીત્વ પ્રતિબંધ જેવા મુદ્દે ફેરફારો થયો છે. ત્યારે ગુજરાતમાં યુસીસી લાગુ થયા બાદ આ પૈકીના કેટલાક ફેરફાર થવાની શક્યતા છે. 6 મહિનાની અંદર લગ્નનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે યુસીસી લાગુ થતાં જ બધાં લગ્નોની નોંધણી ફરજિયાત બની જશે. લોકોને તેમના લગ્ન ઓનલાઈન રજિસ્ટર કરાવવામાં મદદ કરવા માટે સુવિધાઓ બનાવવામાં આવી છે, જેથી તેમને સરકારી કચેરીઓમાં જવું ન પડે. આ માટેનો કટ ઓફ 27 માર્ચ 2010 રાખવામાં આવ્યો છે. આનો અર્થ એ થયો કે આ દિવસથી થનારાં બધાં લગ્નોની નોંધણી કરાવવી પડશે. લગ્નની નોંધણી 6 મહિનાની અંદર કરાવવી ફરજિયાત રહેશે. લિવ-ઇન રિલેશનશિપનું રજિસ્ટ્રેશન ફરજિયાત યુનિફોર્મ સિવિલ કોડમાં લિવ-ઇન રિલેશનશિપમાં રહેવા માટે માતા-પિતાની પરવાનગી ફરજિયાત રહેશે. આ સંબંધમાં રહેતાં યુગલોએ રજિસ્ટ્રાર સમક્ષ તેમના સંબંધો જાહેર કરવા પડશે. જ્યારે પણ તેઓ સંબંધનો અંત લાવવા માગતા હોય તો આ માહિતી રજિસ્ટ્રારને પણ આપવી પડશે. લિવ-ઇન રિલેશનશિપથી જન્મેલા બાળકને કાયદેસર ગણવામાં આવશે. જો લિવ-ઇન રિલેશનશિપ તૂટી જાય તો સ્ત્રી ભરણપોષણની માગ કરી શકશે. કોઈને જાણ કર્યા વિના એક મહિનાથી વધુ સમય માટે લિવ-ઇન રિલેશનશિપમાં રહેવા બદલ 10,000 રૂપિયાનો દંડ થઈ શકે છે. રજિસ્ટ્રેશન કરાવનાર કપલની માહિતી તેમનાં માતા-પિતા અથવા સંબંધીઓને અપાશે, આ માહિતી સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. પુત્ર અને પુત્રીને મિલકતમાં સમાન અધિકાર મિલકતના અધિકારમાં બાળકોમાં કોઈપણ પ્રકારનો ભેદભાવ રહેશે નહીં, એટલે કે સમાજ માન્ય સંબંધોના આધારે જન્મેલાં બાળકો અથવા લિવ-ઇન સંબંધો દ્વારા જન્મેલાં બાળકો વગેરેને સંપત્તિ વહેંચણીમાં સમાન અધિકારો હશે. આ કાયદા હેઠળ બધા ધર્મો અને સમુદાયોમાં દીકરીઓને સમાન મિલકત અધિકારો આપવામાં આવ્યા છે. માતા-પિતાને પણ સંપત્તિનો અધિકાર કોઈપણ વ્યક્તિના મૃત્યુ પછી તેની મિલકત અંગે પરિવારના સભ્યો વચ્ચે કોઈ વિવાદ ન થાય એ માટે તેની પત્ની, બાળકો અને માતા-પિતાનો મૃતકની મિલકત પર સમાન અધિકાર આપવામાં આવ્યો છે. હલાલા – બહુપત્નીત્વ પર પ્રતિબંધ ઉત્તરાખંડમાં લાગુ કરાયેલા યુસીસીમાં ઇસ્લામમાં પ્રચલિત હલાલાની પ્રથા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હલાલા ઇસ્લામમાં એક પ્રથા છે, જેમાં જો કોઈ મહિલાને તેના પતિ દ્વારા તલાક આપવામાં આવે છે અને તે પછી તે સ્ત્રી ફરીથી તે જ પતિ સાથે લગ્ન કરવા માગે છે તો મહિલાએ પહેલા તો બીજી વ્યક્તિ સાથે લગ્ન કરવા પડશે અને પછી તલાક લેવા પડશે. આ પછી જ સ્ત્રી તેના ભૂતપૂર્વ પતિ સાથે ફરીથી લગ્ન કરી શકે છે. આ પ્રથાને હલાલા કહેવામાં આવે છે. આ ઉપરાંત મુસ્લિમોમાં એક પુરુષ ત્રણ કે ચાર પત્ની રાખી શકે છે. હવે આ બહુપત્નીત્વ પ્રથા પર પ્રતિબંધ આવી ગયો. 18 વર્ષની ઉંમર પહેલાં લગ્ન નહીં કરાવી શકાય બધા ધર્મોના લોકો પોતાના રિવાજો મુજબ લગ્ન કરી શકે છે, પરંતુ બધા ધર્મોમાં છોકરાઓ માટે લગ્નની લઘુતમ ઉંમર 21 વર્ષ અને છોકરીઓ માટે 18 વર્ષ કરવામાં આવી છે. હવે મુસ્લિમ છોકરીઓના પણ 18 વર્ષની ઉંમર પહેલાં લગ્ન કરાવી નહીં શકાય. સમગ્ર મિલકતના વસિયતની છૂટ કોમન સિવિલ કોડ (UCC) લાગુ થયા પછી કોઈપણ વ્યક્તિ પોતાની સંપૂર્ણ મિલકત વસિયતમાં આપી શકે છે. સમાન નાગરિક સંહિતા લાગુ થયા પહેલાં મુસ્લિમ, ખ્રિસ્તી અને પારસી સમુદાયો માટે વસિયતનામાના અલગ અલગ નિયમો હતા. હવે આ નિયમો બધા માટે સમાન રહેશે. લગ્નની જેમ છૂટાછેડાનું પણ રજિસ્ટ્રેશન જન્મ અને મૃત્યુની નોંધણીની જેમ લગ્ન અને છૂટાછેડાની નોંધણી પણ કરાવવી પડશે. આ રજિસ્ટ્રેશન વેબ પોર્ટલ દ્વારા પણ કરી શકાશે. બીજા ધર્મના બાળકને દત્તક લઈ શકાશે નહીં યુસીસી હેઠળ બધા ધર્મોના લોકોને બાળકોને દત્તક લેવાનો અધિકાર હશે, જોકે બીજા ધર્મના બાળકને દત્તક લઈ શકાશે નહીં. અનુસૂચિત જનજાતિઓ યુસીસીના કાયદાની બહાર બંધારણના અનુચ્છેદ 342માં ઉલ્લેખિત અનુસૂચિત જનજાતિઓને UCCમાંથી બાકાત રાખવામાં આવી છે, જેથી તે જાતિઓ અને તેમના રિવાજોનું રક્ષણ થઈ શકે. આ સિવાય ટ્રાન્સજેન્ડરોની પરંપરાઓમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. સરકારે વેબસાઇટ લોન્ચ કરી દીધી ઉત્તરાખંડ સરકારે લગ્ન અને લિવ-ઇન રિલેશનશિપની નોંધણી માટે એક વેબસાઇટ બનાવી છે. એનું સરનામું ucc.uk.gov.in છે. અહીં 500 રૂપિયા ફી ચૂકવીને લિવ-ઇન રજિસ્ટ્રેશન કરી શકાય છે. નોંધણી કરાવવા માટે ઉત્તરાખંડના લોકોએ આ વેબસાઇટ પર એક ખાતું ખોલાવવું પડશે. પછી આ વેબસાઇટ પરથી જરૂરી ડોક્યુમેન્ટની વિશે માહિતી મળશે. એ દસ્તાવેજો સબ્મિટ કર્યા પછી 15 દિવસની અંદર લિવ-ઇન રિલેશનશિપનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ વેબસાઇટ પર લગ્ન, છૂટાછેડા અને વસિયતનામાની નોંધણી સંબંધિત માહિતી આપવામાં આવી છે.