દસાડાના સુરેલ ગામના ખેડૂતોએ સિંચાઈ માટે પૂરતા પાણીની માંગ સાથે પાટડી પ્રાંત કચેરી ખાતે આવેદન આપ્યું છે. છેલ્લા 10-15 દિવસથી સુરેલ બ્રાન્ચ કેનાલમાં પાણીનો પ્રવાહ અટકી જતાં ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, અગાઉ કેનાલમાં નિયમિત પાણી મળતું હતું. હાલમાં જીરુ અને ઇસબગુલના પાકને છેલ્લા પાણીની જરૂર છે, પરંતુ કેનાલમાં પાણી ન આવતા પાક નિષ્ફળ જવાની ભીતિ સર્જાઈ છે. આ સમસ્યાના નિરાકરણ માટે સુરેલના ખેડૂતો પ્રાંત કચેરી ખાતે દોડી આવ્યા હતા. આવેદન સમયે કોંગ્રેસ પ્રદેશ ડેલિગેટ વિક્રમ રબારી અને તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા જયંતી રાઠોડ પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાંત અધિકારીએ ખેડૂતોની રજૂઆત સાંભળી તાત્કાલિક અસરથી પાણી પૂરું પાડવાની ખાતરી આપી છે.