પંચમહાલ જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે મોટી સફળતા મેળવી છે. શહેરા તાલુકા પંચાયતની મંગલિયાણા બેઠક પર ભાજપના ઉમેદવાર દેવેન્દ્ર પગી બિનહરીફ વિજયી જાહેર થયા છે. આ બેઠક માટે કુલ ચાર ઉમેદવારી ફોર્મ ભરાયા હતા, જેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોનો પણ સમાવેશ થતો હતો. ફોર્મ ચકાસણી દરમિયાન મહત્વપૂર્ણ ઘટનાક્રમ સર્જાયો, જ્યારે અન્ય ત્રણ ઉમેદવારોના દરખાસ્ત કરનારાઓએ પોતાની દરખાસ્ત પાછી ખેંચી લીધી. આના કારણે તેમના ઉમેદવારી ફોર્મ અમાન્ય ઠેરવવામાં આવ્યા અને ભાજપના દેવેન્દ્ર પગી એકમાત્ર માન્ય ઉમેદવાર તરીકે બાકી રહ્યા. વિજય બાદ શહેરામાં ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવ્યું, જેમાં તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ, પૂર્વ પ્રમુખ મગનભાઈ પટેલિયા અને ભાજપના અગ્રણી જીજ્ઞેશભાઈ પાઠક સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. સ્થાનિક ગ્રામજનો અને પરિવારજનોએ પણ દેવેન્દ્ર પગીને ફૂલહાર પહેરાવી વિજયની શુભેચ્છાઓ પાઠવી હતી. આ જીત સાથે મંગલિયાણા બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે.