સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોનની અંદર હંમેશા ભ્રષ્ટાચારના મુદ્દા સામે આવતા રહ્યા છે. ગેરકાયદેસર બાંધકામ અને ટેમ્પરરી સ્ટ્રક્ચરને લઈને કતારગામ ઝોન હંમેશા વિવાદમાં આવતો રહ્યો છે. ફરી એક વખત પાલિકાની ટીમ દ્વારા કતારગામ ઝોનમાં ટેમ્પરરી સ્ટ્રક્ચર ઉભા કરવામાં આવ્યા છે. તેમની સામે લાંચિયા અધિકારીઓ કોઈ પગલાં લેતા ન હોવાની રાવ ઊભી થઈ રહી છે. મોટા ગેરકાયદેસર ટેમ્પરરી સ્ટ્રક્ચરો સામે પગલાં લેવાયા નથી
કતારગામ ઝોનની અંદર મહાનગરપાલિકા દ્વારા ધારાસભ્ય દ્વારા સંકલન બેઠકમાં ઉઠાવેલા પ્રશ્નોને લઈને કામગીરી બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, પરંતુ કોર્પોરેટર દ્વારા જ કામગીરી ઉપર પ્રશ્નો ઊભા કરવામાં આવી રહ્યા છે. ભાજપના જ કોર્પોરેટરે આક્ષેપ કર્યા છે કે, મોટા ટેમ્પરરી સ્ટ્રકચરોને દૂર કરવામાં આવી રહ્યા નથી માત્ર નાના માણસોને હેરાન કરવામાં આવી રહ્યા છે. કામગીરી ન્યાય પૂર્ણ થવી જોઈએ. માત્ર દેખાવ પૂરતી કામગીરી કરવી ન જોઈએ. ‘અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે’- ભાજપ કોર્પોરેટર
ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે મોટા આક્ષેપ કરતા કહ્યું છે કે, આજે લાઈટ એન્ડ ફાયરની બેઠક હતી. જેમાં કમિશનરની સામે જ કેટલાક મુદ્દાઓને લઈને રજૂઆત કરી છે. છેલ્લા બે વર્ષથી હું સતત કતારગામની અંદર ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિઓની અંદર રજૂઆત કરતો રહ્યો છું. ખાસ કરીને બાંધકામ અને ટેમ્પરરી સ્ટ્રકચરોને લઈને રજૂઆતો કરી છે, પરંતુ યોગ્ય કામગીરી કરવામાં આવી નથી. મારું કહેવું એવું છે કે, માત્ર કતારગામ ઝોનમાં નહીં, પરંતુ આખા શહેરની અંદર આ કામગીરી તેજ કરવી જોઈએ.અધિકારીઓ દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તેમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે ભ્રષ્ટાચારી નીતિ આપનાવવામાં આવી રહી છે. અધિકારીઓ નાના વેપારીઓને હેરાન કરવાની માનસિકતા રાખે છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મોટા સ્ટ્રક્ચરો જે ગેરકાયદેસર છે તેને દૂર કરવામાં આવ્યા નથી. ખેતરોની અંદર NA થયા વગરની જમીનો ઉપર મોટા રેસ્ટોરન્ટ અને શેડ ચલાવીને હોટલ શરૂ કરી દેવામાં આવી છે. એ તમામ ગેરકાયદેસર હોવા છતાં પણ તેમની સામે કોઈ પગલાં લેવાતા નથી. નાના નાના વેપારીઓને હેરાન કરવાની માનસિકતા અધિકારીઓ રાખે છે, પરંતુ આવા મોટા ગેરકાયદેસર શેડને દૂર કરવા માટે કેમ કામગીરી કરતા નથી. અધિકારીઓ સતત ભ્રષ્ટાચારમાં લિફ્ટ છે અને મોટા ટેમ્પરરી સ્ટ્રક્ચર કરનારાઓને છાવરી રહ્યા છે. રાજકોટમાં થયેલી દુર્ઘટના બાદ સિલ મારવાની કામગીરી ખૂબ મોટો ઉપાડે કરી દેવામાં આવી હતી. તેમાં પણ અધિકારીઓ દ્વારા ન્યાય પૂર્ણ કામગીરી કરવામાં આવી નથી.