પોરબંદરમાં જલારામ ક્રેડિટ સોસાયટીના કૌભાંડ બાદ હવે રામ લખન ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીના સંચાલક ભરતભાઈ ઓડેદરાએ આર્થિક ભીંસને કારણે આપઘાત કરી લેતા શહેરમાં ખળભળાટ મચી ગયો છે. બંગડી બજાર વિસ્તારમાં આવેલી રામ લખન ક્રેડિટ સોસાયટીના સંચાલક ભરતભાઈ ઓડેદરાએ બે દિવસ પહેલા તેમની ઓફિસમાં ઝેરી ઈન્જેક્શન લીધું હતું. તેઓ ઘરે પરત ન ફરતા ચિંતિત પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઓફિસમાં તપાસ કરતા ભરતભાઈ બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. તાત્કાલિક તેમને પોરબંદરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે અન્ય જિલ્લાની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ભરતભાઈ ઓડેદરા ગંભીર આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. આ ઘટના બાદ સોસાયટીમાં રોકાણ કરનારા થાપણદારોના નાણાંની સુરક્ષા અંગે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે અને સોસાયટીના આર્થિક વ્યવહારોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.