મ્યુચ્યુઅલ ફંડ્સના ગતિશીલ વિશ્વમાં ક્વોન્ટિટેટિવ ફંડ્સ (કે ક્વોન્ટ) ફંડ્સ ગેમ ચેન્જર તરીકે ઊભરી રહ્યા છે. રોકાણની સાથે આધુનિક ટેક્નોલોજીનું મિશ્રણ કરતા આ ફંડ્સ રોકાણકારોને બતાવી રહ્યા છે કે નાણાં કેવી રીતે મેનેજ કરવા જ્યાં નિર્ણયો માત્ર માનવીય જજમેન્ટના બદલે અલ્ગોરિધમ, ડેટા અને મશીન લર્નિંગના આધારે લેવાય છે. વિશ્વભરમાં ક્વોન્ટિટેટિવ ફંડ્સનો ઉદય અભૂતપૂર્વ રહ્યો છે જેને અવગણી શકાય તેમ નથી. વિકસિત બજારોમાં ક્વોન્ટ ફંડ્સને ઝડપથી અપનાવવાનું પ્રમાણ ટેક્નોલોજીકલ સુધારા, રોકાણકારો દ્વારા પારદર્શકતાની વધતી માંગ તથા સતત રિસ્ક-એડજસ્ટેડ વળતર માટેની જરૂરિયાતથી વધ્યું હોવાનું એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ્સના ફંડ મેનેજર કાર્તિક કુમારે જણાવ્યું હતું. ક્વોન્ટ ફંડ્સે અનેક દેશોમાં નોંધપાત્ર અસર કરી છે ત્યારે ભારતે હવે ઝડપથી તેમને અપનાવવાનું શરૂ કર્યું છે જે વધુ સારી ટેક્નોલોજી અને ટેક-સેવી રોકાણકારોની વધતી સંખ્યા જેવા પરિબળોને આભારી છે. ભારતીય પરિપ્રેક્ષ્યમાં ક્વોન્ટ ફંડ્સ: ભારતીય રોકાણ ક્ષેત્ર ક્વોન્ટ ફંડ્સના વિકાસ માટે અનોખી તકો પૂરી પાડે છે જે દેશ સાથે સંબંધિત અનેક પરિબળો દ્વારા સંચાલિત છે. આમાંનું એક પરિબળ છે વધતું રોકાણકાર સોફિસ્ટિકેશન. ભારતીય રોકાણકારો, ખાસ કરીને મિલેનિયલ્સ, વધુને વધુ નાણાંકીય રીતે સાક્ષર બની રહ્યા છે અને સોફિસ્ટિકેટેડ રોકાણના વિકલ્પોને ખુલ્લા મને આવકારી રહ્યા છે. ગ્લોબલ માર્કેટ્સની એક્સેસ સાથે ફિનટેક પ્લેટફોર્મ્સના ઉદયે ક્વોન્ટ ફંડ્સ જેવી આધુનિક રોકાણ વ્યૂહરચનાઓને વધુ સુલભ બનાવી છે. મોર્નિંગસ્ટારના 2023ના સર્વે મુજબ 55 ટકા ભારતીય રોકાણકારો ટેક્નોલોજી દ્વારા સંચાલિત રોકાણ સોલ્યુશન્સ શોધવા માટે આતુર હતા જે ડેટા આધારિત સિસ્ટમેટિક સ્ટ્રેટેજી તરફ વધી રહેલા ઝુકાવને દર્શાવે છે. રોકાણકારો માટે ક્વોન્ટ ફંડ્સમાં રોકાણનો અર્થ શું છે?
ભારતીય રોકાણકારો માટે ક્વોન્ટ ફંડ્સનો ઉદય તેઓ પોર્ટફોલિયો મેનેજમેન્ટ કેવી રીતે કરે છે તેમાં રોમાંચક વિકાસ દર્શાવે છે. ક્વોન્ટ ફંડ એક્ટિવ અને પેસિવ ઇન્વેસ્ટિંગના શ્રેષ્ઠ પાસાંને જોડે છે. એક તરફ તે ગતિશીલ રોકાણના નિર્ણયો લેવા માટે વ્યવસ્થિત અલ્ગોરિધમ્સ પર આધાર રાખીને એક્ટિવલી મેનેજ્ડ ફંડ્સની ફ્લેક્સિબિલિટી પ્રદાન કરે છે. બીજી તરફ તેમનો નિયમ-આધારિત સ્વભાવ પેસિવ ઇન્વેસ્ટિંગની સુસંગતતા પ્રદાન કરે છે. ભારતમાં રોકાણના નવા યુગની શરૂઆત
ભારતમાં ક્વોન્ટ ફંડ્સની સંભાવનાઓ વિશાળ છે ત્યારે તેમનો વ્યાપક સ્વીકાર રોકાણકારોના શિક્ષણમાં અંતરને દૂર કરવા, સ્થાનિક બજારની સ્થિતિ સાથે વ્યૂહરચનાઓને અનુકૂલિત કરવા અને ટેક્નોલોજીકલ પ્રગતિને અનુરૂપ રેગ્યુલેટરી ફ્રેમવર્ક વિકસિત થાય તેની ખાતરી કરવા પર આધારિત છે. ભારતમાં રોકાણકારો માટે ક્વોન્ટ ફંડ્સને સ્વીકારવું એ ભવિષ્યમાં એક પગલું રજૂ કરે છે.