મહીસાગર જિલ્લામાં ‘બેટી બચાવો બેટી પઢાવો’ અભિયાનની 10મી વર્ષગાંઠની ઉજવણી અંતર્ગત મહિલા પોલીસ દ્વારા જનજાગૃતિ સ્કૂટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન અને ડીવાયએસપી કમલેશ વસાવાની સૂચના હેઠળ યોજાયેલી આ રેલીને એએસપી વિવેક ભેડાએ એસપી કચેરીથી લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. રેલી લૂણેશ્વર પોલીસ ચોકી, ચારકોશિયા નાકા અને કોટેજ ચાર રસ્તા થઈને એસપી કચેરી પરત ફરી હતી. આ કાર્યક્રમમાં લુણાવાડા મહિલા પોલીસ સ્ટેશનના PI જે.એન. સોલંકી, PSI એસ.એન. ચૌધરી સહિત વિવિધ પોલીસ મથકના મહિલા પોલીસ કર્મચારીઓએ ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે ‘બેટી બચાવો બેટી પઢાવો’ અભિયાનને 22 જાન્યુઆરી 2025ના રોજ 10 વર્ષ પૂર્ણ થયા છે. આ નિમિત્તે ભારત સરકાર દ્વારા 22 જાન્યુઆરીથી 8 માર્ચ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અભિયાન જાતિ આધારિત ગર્ભપરીક્ષણ અટકાવવા અને દીકરીઓની સુરક્ષા તેમજ શિક્ષણને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. આ દરમિયાન શાળાઓ, કિશોરીઓ, મહિલાઓ અને સમુદાયો સાથે વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.