માણસા નગરપાલિકાની આગામી ચૂંટણીમાં અંતિમ ઘડીએ મોટો ટવિસ્ટ આવ્યો છે. ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસના ત્રણ અને આમ આદમી પાર્ટીના બે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. આ સાથે કુલ 65 માન્ય ઉમેદવારોમાંથી હવે 60 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે. કોંગ્રેસમાંથી વોર્ડ નંબર-2ના ગીતાબેન નવનીત પટેલ, વોર્ડ નંબર-5ના સોનલબેન કેશવલાલ મહેશ્વરી અને વોર્ડ નંબર-6ના સુનિલ પટેલે ઉમેદવારી પાછી ખેંચી છે. આમ આદમી પાર્ટીમાંથી વોર્ડ નંબર-3ના કમલેશકુમાર રણછોડભાઈ પટેલ અને વોર્ડ નંબર-7ના વિષ્ણુ પટેલે પણ પોતાનું નામાંકન પાછું ખેંચ્યું છે. ખાસ નોંધનીય બાબત એ છે કે વોર્ડ નંબર-7માંથી ઉમેદવારી પાછી ખેંચનાર વિષ્ણુ પટેલના પત્ની અગાઉની ટર્મમાં ભાજપમાંથી ચૂંટાઈને પ્રમુખ બન્યા હતા. આ વખતે તેમના પતિએ આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ છેલ્લી ઘડીએ તેમણે પોતાનું ફોર્મ પાછું ખેંચી લીધું છે. માણસા નગરપાલિકાની સાત વોર્ડની કુલ 28 બેઠકો માટે હવે 60 ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર જામશે. આ ચૂંટણીના પરિણામો સ્થાનિક રાજકારણમાં મહત્વપૂર્ણ ફેરફારો લાવી શકે છે.