રાજકોટ શહેરમાં ખાખીનો ખૌફ ઓસરી રહ્યો તેવું લાગી રહ્યું છે. ગત તા. 31 જાન્યુઆરીની સાંજે બુટલેગરે ગુંદાવાડી પોલીસ મથકમાં ધસી જઈ મહિલા પોલીસકર્મીને ધમકી આપી પીસીઆર ઇન્ચાર્જનો કાઠલો પકડી બેફામ ગાળો ભાંડ્યાની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં પોલીસ પર હુમલાની બીજી ચકચારી ઘટના સામે આવી છે. જામનગર રોડ પર આવેલા સાંઢિયા પુલ નજીક સ્લમ ક્વાર્ટરમાં પ્રદ્યુમનનગર પોલીસના બે કર્મચારીઓ પર ગુજસીટોકના આરોપી દ્વારા હુમલાનો બનાવ સામે આવ્યો છે. અમારા વિસ્તારમાં કેમ આવ્યો કહી પોલીસકર્મીને માર મારી, લાકડાના ધોકા વડે પોલીસકર્મીના વાહનમાં તોડફોડ કરી છુટ્ટા પથ્થરના ઘા ઝીંક્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. આરોપીએ છરી કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
રૂખડિયાપરામાં રહેતા ફરીદાબેન જુસબભાઇ શેખ (ઉ.વ.40) નામની પરિણીતાના જમાઇ સબીરના નાનાભાઈ અનવરને બજરંગવાડી ખાતે માજીદ અને તેના મિત્રો સાથે માથાકૂટ થઇ હતી. જે બાબતનો ખાર રાખીને ગઇકાલે રાત્રિના 11.45 વાગ્યાની આસપાસ માજીદ અને તેના સાગરીતો ધસી ગયાં હતા અને જોરજોરથી રાડો નાખી ફરિયાદીના પુત્ર સાજીદને બહાર બોલાવતા હતા. જેથી પરિણીતાએ બહાર જઈને જોતા માજીદ ભાણુ અને તેના મિત્રો સાવન ઉર્ફે લાલી, સમીર ઉર્ફે ધમો, સાહીલ ભુરો તથા એક અજાણ્યો શખ્સ ઉભા હતા. તમારે સાજીદનું શું કામ છે તેમ પૂછતાં તમને બધાને બોવ હવા છે તેમ કહીને માજીદે પોતાના નેફામાથી છરી કાઢી હતી અને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં તેમની પાસે રહેલી કાચની બોટલો ફરિયાદીના ઘર પર ફેંકી હતી. જેથી ફરિયાદી ઘરમાં અંદર ચાલી ગઈ હતી અને પોલીસનો સંપર્ક કર્યો હતો. ત્રણ પોલીસકર્મી ખાનગી વાહનમાં ઘટનાસ્થળે પહોંચ્યા હતા
પ્રદ્યુમનનગર પોલીસને આ હુમલા અંગેની જાણ થતાં સર્વેલન્સ સ્કવોડના કોન્સ્ટેબલ તૌફીકભાઈ મંધરાએ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં રહેલા એએસઆઈ ડી.વી.ખાંભલા, કોન્સ્ટેબલ મયુરરાજસિંહ છોટુભા જાડેજા અને રિયાઝભાઈ મહમદભાઈ ભીપૌત્રાને ટેલિફોનિક જાણ કરી હતી. કોઈ અનિચ્છનીય બનાવ બને નહિ તે માટે રૂખડીયાપરા મેલડીમાંના મંદિર પાસે જઈ બંદોબસ્ત ગોઠવી યોગ્ય કાર્યવાહી કરવા સૂચના મળતા ત્રણેય પોલીસમેન ઘટનાસ્થળે ખાનગી વાહનમાં દોડી ગયાં હતા. જે સ્થળ પર પહોંચતા પ્રદ્યુમનનગર પોલીસના પીઆઈ પિયુષ ડોબરીયા, પીએસઆઈ બેલીમ અને કોન્સ્ટેબલ તૌફીકભાઈ મંધરા હાજર હતા. હુમલાખોરો ઘટના સ્થળેથી નાસી ગયાં હોય રાત્રિના 2 વાગ્યાં આસપાસ પીઆઈ ડોબરીયાની સૂચનાથી કોન્સ્ટેબલ રિયાઝભાઈ મહમદભાઈ ભીપૌત્રા અને મયુરરાજસિંહ જાડેજા જામનગર રોડ પર સાંઢિયા પુલ નજીક આવેલ સ્લમ ક્વાર્ટર કમિટી ચોક ખાતે પહોંચ્યા હતા. જ્યાં માજીદ રફીક ભાણુ અને તેના 10થી 12 સાગરીતો ઉભેલા હતા. પોલીસ પર છુટ્ટા પથ્થર ફેંકવાનું શરૂ કર્યું હતું
ત્યાં પહોંચી બંને પોલીસમેને પોતાની ઓળખાણ પોલીસકર્મી તરીકે આપતાં તું પોલીસ હોય તો શું થયું, અમે આ વિસ્તારના ડોન છીએ, અમારા વિસ્તારમાં કેમ આવ્યા છો કહી રિયાઝભાઈ ભીપૌત્રા સાથે ઝપાઝપી કરવા લાગેલ હતા અને હાથેથી વાંસાના ભાગે ઢીંકો મારેલ હતો. જેથી મયુરરાજસિંહ છોડાવવા વચ્ચે પડતા માજિદના સાગરીતોએ બંને પોલીસમેનોને ગાળો આપી પથ્થરના છુટા ઘા કરવાનું ચાલુ કરી દીધું હતું. ઉપરાંત લુખ્ખાઓએ લાકડાના ધોકા વડે મોટરસાયકલમાં તોડફોડ કરી હતી. પોલીસ પર ટોળાં સ્વરૂપે હુમલો થતાં બંને પોલીસકર્મીઓએ જીવ બચાવવા વાહન મૂકી દોડીને સ્લમ ક્વાર્ટર વિસ્તારમાંથી બહાર દોડી ગયાં હતા અને ત્યારબાદ મદદ માટે કોન્સ્ટેબલ તૌફીકભાઈ મંધરાને ટેલિફોનિક જાણ કરી હતી. લાકડાના ધોકા વડે પોલીસમેનના વાહનમાં તોડફોડ
બનાવની જાણ થતાં એએસઆઈ ડી.વી. ખાંભલા, તૌફીકભાઈ, પીઆઈ, પીએસઆઈ બેલીમ સહિતના ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જે બાદ પોલીસ ફરીવાર સ્લમ ક્વાર્ટર ખાતે દોડી ગઈ હતી. જ્યાં જોતા પોલીસમેનના બંને વાહનનો મોરો તૂટેલો હતો, પેટ્રોલની ટાંકીમાં ઘોબો જોવા મળ્યો હતો. બનાવને પગલે આખા વિસ્તારમાં પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા હતા. આ મામલામાં પોલીસે હુમલાખોરોને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.