રાજ્ય ચૂંટણી આયોગે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ગાંધીનગર ખાતે વિશેષ કંટ્રોલરૂમની વ્યવસ્થા કરી છે. આ ચૂંટણીઓમાં જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકાઓ, કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બોટાદ અને વાંકાનેર નગરપાલિકાઓની મધ્યસત્ર ચૂંટણી પણ યોજાશે. વિવિધ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં ખાલી પડેલી બેઠકો માટે પણ પેટાચૂંટણીઓ યોજાશે, જેમાં મહાનગરપાલિકાની 3 બેઠકો, નગરપાલિકાઓની 21 બેઠકો, જિલ્લા પંચાયતોની 9 બેઠકો અને તાલુકા પંચાયતોની 91 બેઠકોનો સમાવેશ થાય છે. કંટ્રોલરૂમ 15 ફેબ્રુઆરીથી કાર્યરત થશે, જે સવારે 10થી રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લો રહેશે. 16 ફેબ્રુઆરીએ સવારે 7થી રાત્રે 9 વાગ્યા સુધી અને 18 ફેબ્રુઆરીએ સવારે 8થી રાત્રે 9 વાગ્યા સુધી કાર્યરત રહેશે. નાગરિકો કોઈપણ માહિતી કે ફરિયાદ માટે 079-23255951, 079-23255953, 079-23257381, 079-23257383 પર સંપર્ક કરી શકશે. ફેક્સ માટે 079-23252885 નંબર ઉપલબ્ધ રહેશે.