બે વખતની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન સિમોના હાલેપે ટેનિસમાંથી નિવૃત્તિ લીધી છે. રોમાનિયામાં ટ્રાન્સીલ્વેનિયા ઓપનના પહેલા રાઉન્ડમાં હાર્યા બાદ હાલેપે મંગળવારે નિવૃત્તિની જાહેરાત કરી. તેનો ઇટાલીની લુસિયા બ્રોન્ઝેટ્ટી સામે 6-1, 6-1થી પરાજય થયો હતો. 26 વર્ષીય હાલેપે તેના ચાહકોને કહ્યું, “મને ખબર નથી કે હું આ જાહેરાત ખુશીથી કરી રહી છું કે દુઃખથી પણ મને લાગે છે કે મને બંનેનો અનુભવ થઈ રહ્યો છે, પણ આ નિર્ણયથી હું શાંત છું. હું હંમેશા વાસ્તવિકવાદી રહી છું. મારું શરીર હવે પહેલા જેવું રહ્યું નથી. ભલે મારું પ્રદર્શન સારું ન હતું. હું તમારી સામે રમીને ટેનિસને અલવિદા કહેવા માગતી હતી.” હાલેપને વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી આપવામાં આવી. સિમોનાને ગયા મહિને યોજાયેલા વર્ષના પ્રથમ ગ્રાન્ડ સ્લેમ, ઓસ્ટ્રેલિયા ઓપનમાં પણ વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી આપવામાં આવી હતી. જોકે, તેને ઘૂંટણ અને ખભામાં દુખાવો થયો અને મેલબોર્નમાં ટુર્નામેન્ટના ક્વોલિફાઇંગ રાઉન્ડમાં તે બહાર થઈ ગઈ. ઇજાઓથી પરેશાન હતી અને ડોપિંગને કારણે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો
હાલેપ તેની કારકિર્દી દરમિયાન ઇજાઓ સામે સંઘર્ષ કરી રહી છે. એટલું જ નહીં, ઓક્ટોબર 2022માં ડોપિંગ માટે તેના પર પ્રતિબંધ પણ લગાવવામાં આવ્યો હતો. તેણે 26 જૂન 2006ના રોજ પ્રોફેશનલ ટેનિસ રમવાનું શરૂ કર્યું. 2017માં વર્લ્ડ નંબર-1 બની, વિમ્બલ્ડન પણ જીત્યો
હાલેપ 2017માં પહેલીવાર વર્લ્ડ રેન્કિંગમાં નંબર વન પર પહોંચી હતી. હાલમાં, તે 870મા ક્રમે છે. તે 2019માં વિમ્બલ્ડન ફાઈનલમાં સેરેના વિલિયમ્સને હરાવીને ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ટાઇટલ જીતી હતી અને 2018માં ફ્રેન્ચ ઓપનમાં, ફાઈનલમાં સ્લોએન સ્ટીફન્સને હરાવીને ચેમ્પિયન બની હતી.