વિશ્વભરના ઈસ્માઈલી ખાજાના આધ્યાત્મિક નેતા પ્રિન્સ કરીમ આગા ખાનનું 88 વર્ષની વયે નિધન થયું છે. સત્તાવાર નિવેદન અનુસાર, તેમણે મંગળવારે પોર્ટુગલના લિસ્બનમાં અંતિમ શ્વાસ લીધા છે. આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્ક (AKDN) તેમના નિધન પર ભારે શોક વ્યક્ત કર્યો છે, અને કહ્યું- આ ખોટ માત્ર તેમના પરિવાર માટે જ નહીં પરંતુ વૈશ્વિક ઈસ્માઈલી સમુદાય માટે પણ અત્યંત દુઃખદ છે. નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તેમના ઉત્તરાધિકારીની યોગ્ય સમયે જાહેરાત કરવામાં આવશે. સુરતના ખોજા સમાજના અગ્રણી રશ્મીન પટેલે જણાવ્યું કે આજે સવારે જ અમારા ધર્મગુરુના દુઃખદ નિધનના સમાચાર મળ્યા છે જેને કારણે અમારો પરિવાર જ નહીં પરંતુ વિશ્વના કરોડો લોકો દુઃખી થયા છે. ધર્મગુરુ દ્વારા સમાજ ઉત્થાન માટેના અનેક કામ કરવામાં આવ્યા હતા ખાસ કરીને ગરીબ લોકો માટે તેઓ હંમેશાં સેવાકીય પ્રવૃત્તિ માટે તત્પર રહેતા હતા અને તેમની સાથે જોડાયેલા કોમ્યુનિટીના કરોડો વ્યક્તિઓને પણ સતત માર્ગદર્શન આપતા રહેતા હતા. આજે વિશ્વના ફલક ઉપર તેમણે કરેલા કાર્યો અજોડ છે. આજે તમામ લોકો શોકાતૂર થયા છે. હજી પણ અમને વિશ્વાસ થતો નથી કે અમારા ધર્મગુરુ અમારી વચ્ચે રહ્યા નથી. પ્રિન્સ કરીમ આગા ખાન માત્ર 20 વર્ષની વયે ઈસ્માઈલી ખાજાના આધ્યાત્મિક નેતા બન્યા હતા. તેમના દાદા, આગા ખાન ત્રીજાએ ઉત્તરાધિકારની પરંપરાગત વ્યવસ્થા બદલતા તેમને તેમના પદના ઉત્તરાધિકારી તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. 11 જુલાઈ, 1957ના રોજ, તેઓ ઈસ્માઈલી સમુદાયના 49મા ઈમામ બન્યા હતા. વૈશ્વિક પરોપકારી અને સામાજિક કાર્યમાં અગ્રેસર આગા ખાને માત્ર ઈસ્માઈલી સમુદાયનું જ નેતૃત્વ કર્યું ન હતું, પરંતુ વિકાસશીલ દેશોમાં આરોગ્ય, શિક્ષણ અને આવાસને સુધારવામાં પણ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમણે આગા ખાન ફાઉન્ડેશન અને આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્ક દ્વારા અનેક હોસ્પિટલો, શાળાઓ અને વિકાસ પ્રોજેક્ટ્સ શરૂ કર્યા, જેનો ઉદ્દેશ્ય વૈશ્વિક સ્તરે સમાજને સશક્ત બનાવવાનો હતો. ખોજા સમાજ અને પશ્ચિમી દુનિયા વચ્ચે સેતુ પ્રિન્સ આગા ખાન ઇસ્લામિક મૂલ્યો અને સંસ્કૃતિના રક્ષક તરીકે જાણીતા હતા. તેઓ ખોજા સમાજ અને પશ્ચિમી દેશો વચ્ચે મજબૂત કડી બની રહ્યા હતા અને રાજકારણથી દૂર રહેવા છતાં બંને વચ્ચે સંવાદને પ્રોત્સાહન આપવાનું કામ કર્યું. અમર્યાદિત નાણાકીય સામ્રાજ્ય અને ઇસ્માઇલી સમુદાયનો ટેકો પ્રિન્સ આગા ખાનની અંગત સંપત્તિ અબજો ડોલરમાં હોવાનો અંદાજ છે. ઈસ્માઈલી સમુદાયના અનુયાયીઓ તેમની આવકના અમુક ટકા દાન કરે છે, જેનો વિકાસનાં કામોમાં ઉપયોગ થાય છે. તેમના મતે, સંપત્તિ ભેગી કરવી ખરાબ માનવામાં આવતી નથી, પરંતુ સમાજ સુધારણા માટે તેનો ઉપયોગ કરવો એ ઇસ્લામિક નૈતિકતાનો એક ભાગ છે. અંગત જીવન અને વારસો
પ્રિન્સ કરીમ આગા ખાનનો જન્મ 13 ડિસેમ્બર, 1936ના રોજ જીનીવા, સ્વિટ્ઝરલેન્ડમાં થયો હતો. તેઓ સુલતાન મુહમ્મદ શાહ (આગા ખાન III)ના પૌત્ર અને અલી ખાનના પુત્ર હતા. તેમને ત્રણ પુત્ર અને એક પુત્રી છે. ઈસ્માઈલી સમુદાય માટે એક યુગનો અંત ઈસ્માઈલી ખોજા માટે પ્રિન્સ આગા ખાનનું મૃત્યુ એક યુગના અંત સમાન છે. છેલ્લાં 35 વર્ષમાં સમુદાયે કોઈ આધ્યાત્મિક નેતા ગુમાવ્યા નથી. તેમના નિધનથી ઈસ્માઈલી સમુદાયને અપૂરતી ખોટ પડી છે, પરંતુ તેમનો વારસો ભાવિ પેઢીઓને પ્રેરણા આપતો રહેશે.