back to top
Homeગુજરાતપ્રી-પ્રાઇમરી સ્કૂલ રજિસ્ટ્રેશનની મુદત વધશે:15 ફેબ્રુઆરી બાદ મુદતમાં 6 મહિનાનો વધારો કરવાની...

પ્રી-પ્રાઇમરી સ્કૂલ રજિસ્ટ્રેશનની મુદત વધશે:15 ફેબ્રુઆરી બાદ મુદતમાં 6 મહિનાનો વધારો કરવાની શિક્ષણ વિભાગની તૈયારી, પોલિસીમાં હાલ બદલાવ થાય તેવી શક્યતા નહીંવત

ગુજરાતમાં પ્રી-પ્રાઈમરી સ્કૂલમાં રજિસ્ટ્રેશન કરાવવાની અંતિમ તારીખ 15 ફેબ્રુઆરી છે. તેમ છતા રાજ્યમાં ફક્ત 10 ટકા પ્રી-સ્કૂલોએ જ રજિસ્ટ્રેશન કરાવ્યું હોવાનું સામે આવ્યું છે. દિવ્ય ભાસ્કરને મળેલી એક્સક્લુઝિવ માહિતી મુજબ, રાજ્ય સરકાર રજિસ્ટ્રેશનની મુદતમાં 6 મહિનામાં વધારો કરશે. 15 ફેબ્રુઆરી આસપાસ શિક્ષણ વિભાગ તેની જાહેરાત કરશે. જો કે, સરકારે જે પોલિસી નક્કી કરી છે તેમાં હાલની તકે કોઈ ફેરફાર કરાય તેવી શક્યતાઓ નહીંવત છે. ગુજરાતમાં નવી શિક્ષણ નીતિનો સ્વીકાર કરાયા બાદ રાજ્યમાં ચાલતી પ્રી-સ્કૂલોનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. પરંતુ, સરકાર દ્વારા પ્રી-સ્કૂલના રજિસ્ટ્રેશન માટે જે શરતો મૂકવામાં આવી છે તેમાંથી કેટલીક શરતોનું પાલન કરવું સંચાલકો માટે શક્ય ન હોય વિરોધનો સૂર ઉઠી રહ્યો છે. ગુજરાત ઈન્ડિપેન્ડેન્ટ પ્રી સ્કૂલ એસોસિયેશનના પ્રમુખે કહ્યું હતું કે, મુદત ભલે વધારવામાં આવે, અમારી માગણી પણ સ્વીકારવામાં આવે. રાજ્યમાં 90 ટકા પ્રી-પ્રાઇમરી સ્કૂલોનું રજિસ્ટ્રેશન બાકી
રાજ્યમાં નાના રૂમથી લઈને મોટા બિલ્ડિંગ સુધી અલગ અલગ જગ્યાએ પ્રી-પ્રાઇમરી સ્કૂલો ચાલી રહી છે. પ્રી-પ્રાઇમરી સ્કૂલો કોઈપણ વિભાગ હેઠળ આવતી નથી અને અસંગઠિત રીતે ચાલી રહી હતી. નવી શિક્ષણનીતિ મુજબ પ્રી-પ્રાઇમરી સ્કૂલોને પણ શિક્ષણ વિભાગ હેઠળ લાવવામાં આવી રહી છે. જે માટે ગત વર્ષે શિક્ષણ વિભાગે પ્રી-પ્રાઇમરી સ્કૂલનું રજિસ્ટ્રેશન કરાવવાનું ફરજિયાત કર્યું હતું.રજિસ્ટ્રેશન ઉપરાંત પ્રી-પ્રાઇમરી સ્કૂલો માટેની પોલિસી બનાવવામાં આવી હતી. પ્રી-પ્રાઇમરી સ્કૂલોની નવી પોલિસીને લઈને સંચાલકો અસહમત હતા. સંચાલકોએ આ અંગે વિરોધ પણ કર્યો હતો. સરકારને અનેક રજૂઆત પણ કરી હતી પરંતુ સરકાર દ્વારા પ્રી-પ્રાઇમરી સ્કૂલોની પોલિસીમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી જેને લઇને 90 ટકાથી વધુ પ્રી-પ્રાઇમરી સ્કૂલોએ હજુ સુધી રજિસ્ટ્રેશન કરાવ્યું નથી. જોકે હવે મુદતમાં માત્ર 10 દિવસ બાકી હોવા છતાં હજારો સ્કૂલોનું રજિસ્ટ્રેશન બાકી છે. રજિસ્ટ્રેશનની મુદતમાં 6 મહિનાનો વધારો કરવામાં આવશે
15 ફેબ્રુઆરીએ મુદત પૂર્ણ થતી હોવાથી શિક્ષણ વિભાગ દ્વારા પ્રી-સ્કૂલની રજિસ્ટ્રેશનની મુદતમાં વધારો કરવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા 6 મહિનાની મુદત વધારવામાં આવશે. જોકે હાલ પ્રી-સ્કૂલની પોલિસીમાં સરકાર દ્વારા કોઈ બદલાવ કરવામાં આવે તેવી શક્યતા ઓછી છે. અત્યારે માત્ર 6 મહિનાની મુદત વધારવામાં આવશે.આ અંગે આગામી દિવસમાં શિક્ષણ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવશે. મહિલા શિક્ષિકાઓને તાલીમ અને કોમન સિલેબસ બનાવવાની તૈયારી
અત્યારે પ્રી-પ્રાઇમરી સ્કૂલો અસંગઠિત રીતે ચાલી રહી છે. જેના પર કોઈ પણ નિયંત્રણ નથી જેથી શિક્ષણ વિભાગ દ્વારા તમામ સ્કૂલોનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. શિક્ષણ વિભાગ દ્વારા તમામ સ્કૂલોમાં રજિસ્ટ્રેશન થયા બાદ પ્રી-પ્રાઇમરી સ્કૂલોમાં જોડાયેલી મહિલા શિક્ષકોને ટ્રેનિંગ પણ આપવામાં આવશે.તમામ પ્રી પ્રાઇમરી સ્કૂલો માટેનો સિલેબસ બનાવવાની પણ તૈયારીઓ ચાલી રહી છે. 15 વર્ષનો ફરજિયાત રજિસ્ટર્ડ ભાડા કરાર
નવી પોલિસીમાં બિલ્ડિંગ યુઝ પરમિશન માગી છે, જે એજ્યુકેશન BU હોવું ફરજિયાત છે. પ્રી-પ્રાઇમરી સ્કૂલ જે જગ્યાએ હોય ત્યાંનો 15 વર્ષનો ફરજિયાત રજિસ્ટર્ડ ભાડા કરાર હોવો જોઈએ. પ્રી-પ્રાઇમરી સ્કૂલો પણ કોઈ ટ્રસ્ટ કે નોન પ્રોફિટ કંપની તરીકે રજિસ્ટ્રેશન કરાવવાની રહેશે. પ્રી-પ્રાઇમરી સ્કૂલોએ દર વર્ષ એક વર્ગદીઠ 5 હજાર રજિસ્ટ્રેશન ફી ભરવાની રહેશે. પ્રી-પ્રાઇમરી સ્કૂલમાં સિનિયર અને જુનિયર સિવાય બાલવાટિકા ચલાવવી હોય તો પ્રાઇમરી સ્કૂલની માન્યતા પણ મેળવવી પડશે. પ્રી-પ્રાઇમરીની માન્યતા ના હોય તો માત્ર જુનિયર અને સિનિયરના વર્ગ જ ચલાવી શકાશે. મુદ્દત ભલે આપે, અમારી માગ સ્વીકારવામાં આવે- સાગર નાયક
ગુજરાત ઇન્ડીપેન્ડેન્ટ પ્રી સ્કૂલ એસોસિએશનના પ્રમુખ સાગર નાયકે જણાવ્યું હતું કે પ્રી સ્કૂલના રજિસ્ટ્રેશનની મુદત પૂર્ણ થવાની છે.અમારી 3 મુખ્ય માગ છે જેના પર હજુ સુધી કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી.અમને માત્ર મૌખિક બાંહેધરી આપવામાં આવી છે.અમારે સ્કૂલ કંઈ રીતે ચલાવવી તે પ્રશ્ન છે.6 મહિનાની મુદત પણ આપવામાં આવશે પરંતુ અમારી માગ સ્વીકારવામાં આવે તે જરૂરી છે. જાન્યુઆરીમાં પ્રી-સ્કૂલના સંચાલકો અને શિક્ષણ વિભાગના અધિકારીઓ વચ્ચે બેઠક મળી હતી
પ્રી-સ્કૂલ સંચાલકોની અનેક રજૂઆતો બાદ પણ સરકાર દ્વારા કોઈ ફેરફાર ન કરાતાં સંચાલકોએ જાન્યુઆરી મહિનામાં ગાંધીનગરમાં સચિવાલય પહોંચી રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જોકે પ્રી-સ્કૂલ સંચાલકો અને શિક્ષણ વિભાગના અધિકારીઓ વચ્ચે મળેલી બેઠક બાદ સંચાલકોએ કોઈ કારણોસર આંદોલન પર બ્રેક મારી હતી. પરંતુ, 15 ફેબ્રુઆરી નજીક આવ્યા બાદ પણ સરકારે કોઈ ઠરાવ ન કરતા સંચાલકોએ નિયમો વગર જ શાળા ચલાવવાની ચીમકી ઉચ્ચારી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments