સુરતના નવી પારડી વિસ્તારમાં એક યુવકે પિતાના મૃત્યુના આઘાતમાં આપઘાત કરી લીધો છે. મઝદાગલીમાં આવેલ દરબારની ચાલીમાં રહેતા ગુંડીયા ઘનશ્યામ પાત્રે પોતાના રૂમમાં પંખા સાથે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. બનાવની વિગતો મુજબ, ગુંડીયા છેલ્લા પંદર દિવસથી ઓરિસ્સાથી ગુજરાત આવ્યો હતો અને બંસમ ઇન્ડસ્ટ્રીઝમાં મશીન ઓપરેટર તરીકે કામ કરતો હતો. તેના બનેવી ભીમાભાઈ પાત્રને સાંજે આઠેક વાગ્યે કંપનીના મેનેજર અરસુરામનો ફોન આવ્યો હતો, જેમાં ગુંડીયાએ આપઘાત કર્યાની જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલા ભીમાભાઈએ જોયું કે, રૂમનો દરવાજો બંધ હતો અને બારીમાંથી જોતાં ગુંડીયા પંખાની હુક સાથે ગમછા વડે લટકેલી હાલતમાં જોવા મળ્યો હતો. સ્થાનિક લોકો અને રૂમ માલિક પૃથ્વીરાજસિંહ ચુડાસમાની મદદથી દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને મૃતદેહને કામરેજ સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. ભીમાભાઈના જણાવ્યા મુજબ, ગુંડીયાના પિતાનું દોઢ મહિના પહેલા અવસાન થયું હતું, જેના આઘાતમાં તેણે આ પગલું ભર્યું હોવાનું માનવામાં આવે છે. મૃતકના પરિવારજનોએ કોઈ પર શંકા વ્યક્ત કરી નથી અને કાયદેસરની તપાસની માંગ કરી છે.