ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ‘રોશન સોઢી’ની ભૂમિકા ભજવનાર એક્ટર ગુરચરણ સિંહ ટૂંક સમયમાં ઇન્ડસ્ટ્રીમાં પાછા ફરશે. તેણે એક ઇન્ટરવ્યૂ દરમિયાન આ અંગે સંકેત પણ આપ્યો હતો. થોડા સમય પહેલા તેની તબિયત ખૂબ જ ખરાબ હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતા ગુરચરણ સિંહે કહ્યું કે, મારા દર્શકો મને યાદ કરે છે અને ખૂબ પ્રેમ કરે છે. પણ અસિત ભાઈ (શોના ડિરેક્ટર) અને મારો એક જ મત છે કે બલ્લુ ચાર વર્ષથી શોમાં કામ કરી રહ્યો છે અને તેની જગ્યાએ બીજા કોઈને લેવાનું યોગ્ય નથી લાગતું. હું કોઈની આજીવિકા છીનવવા માગતો નથી. ગુરુચરણની વાત માનીએ તો, તેણે ડિરેક્ટર અસિત મોદીના પ્રોડક્શન હાઉસમાં કામ માગ્યુ હતું. એક્ટરે કહ્યું-અસિત ભાઈ કલાકારો પાસે જઈને તેમની સમસ્યાઓ વિશે વાત કરે છે. એક કલાકાર હોવાથી, તે સમસ્યાઓ સંભાળી શકે છે. તે જાણે છે કે કોઈપણ પરિસ્થિતિને કેવી રીતે હેન્ડલ કરવી જેથી કોઈ શો છોડીને ન જાય. આ ઉપરાંત, ગુરુચરણે કહ્યું, એક સમાચાર અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે હું ‘તારક મહેતા’ના સેટ પર ખૂબ જ અનપ્રોફેશનલ હતો. આ વાંચીને મને ખૂબ ગુસ્સો આવ્યો, કારણ કે મેં મારા 13-14 વર્ષ આ શોમાં આપ્યા અને પૂરા દિલથી કામ કર્યું. જ્યારે તમારી કમર તૂટી ગઈ હોય અને તમે હોસ્પિટલમાં હોવ, ત્યારે પણ તમે કામ કરતા હોવ છો. આવા સમયે તમારા વિશે આવી વાતો લખવામાં આવે તો તે ખૂબ જ પરેશાન કરે છે. ગુમ થયા બાદ 25 દિવસે ઘરે પરત ફર્યો હતો
નોંધનીય છે કે ગયા વર્ષે મે મહિનામાં ગુરુચરણ સિંહ અચાનક ગુમ થઈ ગયો હતો. ઘણા દિવસો સુધી તેનો કોઈ પત્તો ન લાગતાં તેના પિતાએ પોલીસ સ્ટેશનમાં પુત્રના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પણ તેમને શોધવાના પૂરા પ્રયાસો કર્યા હતા. આ પછી તે પોતે લગભગ 25 દિવસ પછી ઘરે પાછો ફર્યો હતો. ગાયબ કેમ થયા?
22 એપ્રિલે ગુરુચરણ દિલ્હીથી મુંબઈ ફ્લાઇટમાં આવવાનો હતો, જોકે તે મુંબઈ આવવાને બદલે ક્યાંક ગાયબ થઈ ગયો. આ અંગે જ્યારે સવાલ કરવામાં આવ્યો તો એક્ટરે સૌ પહેલા પેરેન્ટ્સ, મીડિયા તથા ચાહકોની માફી માગતાં કહ્યું હતું, ‘મારા આ વર્તનને કારણે માત્ર મારા પેરેન્ટ્સ જ નહીં, ચાહકોને પણ ઘણી જ તકલીફ ને દુઃખ પહોંચ્યું. મને અંદાજ નહોતો કે આટલું બધું થઈ જશે. મમ્મી-પપ્પા વિશે એવું હતું કે મારા બીજા બે ભાઈઓ તથા બહેન છે તો તેઓ સંભાળી લેશે.’