વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાકુંભમાં ઉત્સાહ સાથે ડૂબકી તો મારી લીધી છે તો આ તરફ દિલ્હીમાં પણ મતદારોએ ઉત્સાહ સાથે મતદાન કર્યું છે. ગુરૂવારે ફાઈનલ આંકડા આવશે પણ અત્યારે એવું દેખાય છે કે, 2015માં 67 ટકા મતદાન થયું હતું, તેની આસપાસ કે તેનાથી વધારે ટકાવારી થઈ શકે. 2015માં 67% અને 2020માં 62% વોટિંગ થયું હતું. આ વખતે સાંજે છ વાગ્યે મતદાન પૂરું થયું ત્યારે અંદાજે 64 ટકા વોટિંગ થયું છે. સૌથી વધારે રાહ એક્ઝિટ પોલની જોવાતી હતી. સાંજે એક્ઝિટ પોલ આવ્યા તેમાં દરેકે ભાજપની 26 વર્ષ પછી વાપસી બતાવી છે ને દિલ્હીમાંથી AAP સાફ થઈ જશે તેવું અનુમાન કર્યું છે. હવે દિલ્હીમાં પણ ડબલ એન્જિન સરકાર આવે તેવું એક્ઝિટ પોલ કહી રહ્યા છે. નમસ્કાર, આ વખતે કોંગ્રેસ ખાતું ખોલાવશે?
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ફરી એકવાર ત્રિકોણીય જંગની શક્યતા છે. આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપે ચૂંટણી પ્રચારમાં આકાશ-પાતાળ એક કરી નાખ્યા હતા. સવારથી બપોર સુધી બહુ ધીમું મતદાન થયું એટલે રાજકીય પક્ષોના જીવ તાળવે ચોટી ગયા. મતદારોને બહાર કાઢવા માટે નુસખા કરવા પડ્યા. બપોર પછી રહીરહીને મતદારો નીકળ્યા. તો પણ જોઈએ તેવું મતદાન થયું નથી. આજે આખા દિવસમાં એક વાતની ચર્ચા વધારે રહી કે, મુસ્લિમ મતદારોએ ભારે ઉસ્તાહથી મતદાન કર્યું. દિલ્હીમાં ચાંદની ચોક, મટિયા મહેલ, બલ્લીમારન, ઓખલા, સીમાપુરી, સીલમપુર, બાબરપુર જેવી 11 બેઠકો મુસ્લિમ પ્રભુત્વ ધરાવતી બેઠકો ગણાય છે. અહીં સરેરાશથી વધારે મતદાન થયું છે. આમ જુઓ તો, છેલ્લી બે ચૂંટણીમાં થયું હોય એટલું જ મતદાન થયું છે. મુસ્લિમ મતદારો આમ તો કોંગ્રેસની કમિટેડ બેન્ક ગણાય છે એટલે દિલ્હીમાં કોંગ્રેસનું ખાતું ખુલે તો નવાઈ નહીં પણ દિલ્હીના મુસ્લિમ મતદારો છેલ્લી બે ચૂંટણીથી આમ આદમી પાર્ટી તરફ વળ્યા છે. છેલ્લી બે ચૂંટણીમાં પણ મુસ્લિમ વિસ્તારોમાં જંગી મતદાન થયું હતું. આ વખતે પણ એવું જ થયું છે. પણ લોકસભાની ચૂંટણીના પરિણામો અને બજેટ પછી મતદારોના મન કેટલા બદલાયા છે, તે 8 તારીખે જ ખબર પડશે.
દિલ્હીની કુલ વસતીમાં મુસ્લિમોનો હિસ્સો લગભગ 12.9% છે. ઉત્તર પૂર્વ દિલ્હી ઉપરાંત, તેમના મત પૂર્વ દિલ્હી, ચાંદની ચોક અને નવી દિલ્હીની વિધાનસભા બેઠકોને અસર કરે છે. દિલ્હીમાં જાટ અને ગુર્જર મતદારો મળીને 17થી 20% છે. આ મતદારો દિલ્હીની 50 વિધાનસભા બેઠકો પર પ્રભાવ પાડે છે. દિલ્હીમાં દલિત મતદારો કુલ વસતીના લગભગ 18% છે. જીતવા માટે દરેક પક્ષે આ વોટ બેન્કને રાજી રાખવા બનતા પ્રયાસ કર્યા છે. દિલ્હીમાં મુસ્લિમ પ્રભુત્વ ધરાવતી બેઠકો પર વોટિંગનો ટ્રેન્ડ જુઓ… 2015
સીલમપુર – 71.51%
મુસ્તફાબાદ – 70.65%
ચાંદની ચોક – 65.37%
બાબરપુર – 65.21%
જંગપુરા – 64.14%
મટીયા મહલ – 69.12%
દિલ્હીમાં કુલ મતદાન – 67.13% 2020
સીલમપુર – 71.22%
મુસ્તફાબાદ – 70.55%
ચાંદની ચોક – 61.03%
બાબરપુર – 65.45%
જંગપુરા – 60.52%
મટીયા મહેલ – 70.38%
દિલ્હીમાં કુલ મતદાન – 62.59% દલિત વોટ બેન્ક કોની તરફેણમાં?
દલિત મત સતત અરવિંદ કેજરીવાલ સાથે રહ્યા છે. મૂળ આ કોંગ્રેસની વોટબેંક હતી. આ વોટબેંક પર આધાર રાખીને કોંગ્રેસે 60 વર્ષ સુધી શાસન કર્યું. એ પછી બ્રાહ્મણો ભાજપમાં જોડાયા અને દલિતો AAPમાં ગયા. આ વખતે દલિત મતદાતા રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળની કોંગ્રેસથી પ્રભાવિત થયા હોય તેવું લાગે છે. એટલા માટે કેજરીવાલ નવી દિલ્હી બેઠક પરથી જોખમમાં હોય તેવું પણ લાગી રહ્યું છે. જો આપણે દલિત મત પરિવર્તનની વાત કરીએ તો, 2020ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો મત હિસ્સો 20% વધ્યો હતો, અને તે વધારો ફક્ત SC બેઠકોમાં જ થયો હતો.’ આ વખતે તે સંખ્યા વધુ વધી શકે છે. આ બેઠકો પર ભાજપને ફાયદો થશે. દિલ્હીમાં 12 અનામત બેઠકો છે. દિલ્હીમાં દલિત મતદારો 18% છે, જે તમામ 70 બેઠકો પર અસર કરશે. દિલ્હીમાં કુલ 36 જાતિઓ છે, જે અનુસૂચિત જાતિ હેઠળ આવે છે. આમાં સૌથી મોટી સંખ્યા જાટવની છે. બીજો વાલ્મીકિ સમુદાય છે. તે પછી કેટલીક નાની જાતિઓ છે, જેમાં બૈરવ, રેગર, ખાટીક, પાસવાન, પાસી અને મલ્લાહનો સમાવેશ થાય છે. દિલ્હીમાં 18% સ્વિંગ વોટર્સ કિંગમેકર છે
લોકસભા ચૂંટણીની વાત કરીએ તો, દિલ્હીની 7 બેઠકો પર AAP અને કોંગ્રેસે સાથે મળીને ચૂંટણી લડી હતી. AAP એ 4 અને કોંગ્રેસે 3 લોકસભા બેઠકો પર ચૂંટણી લડી હતી, પરંતુ ભાજપે બધી 7 બેઠકો જીતી લીધી હતી. ભાજપને 54.7% મત મળ્યા, જ્યારે ઇન્ડિયા બ્લોકને કુલ 43.3% મત મળ્યા. બધી બેઠકો પર જીત અને હારનું માર્જિન સરેરાશ 1.35 લાખ હતું. ભાજપ 52 વિધાનસભા બેઠકો પર આગળ હતું. દિલ્હીની ચૂંટણી લોકસભા ચૂંટણીના લગભગ 9 મહિના પછી યોજાઈ રહી છે, પરંતુ આટલા ઓછા સમયમાં મતદાનના વલણોમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. છેલ્લી બે લોકસભા (2014 અને 2019) અને બે વિધાનસભા ચૂંટણી (2015 અને 2020) ના ડેટા અનુસાર, દિલ્હીમાં લગભગ 18% સ્વિંગ મતદારો સત્તા નક્કી કરી રહ્યા છે. સ્વિંગ વોટર અથવા ફ્લોટિંગ વોટર એ એવો મતદાર છે જે કોઈપણ પક્ષ સાથે સંકળાયેલો નથી. તે દરેક ચૂંટણીમાં પોતાના ફાયદા અને ગેરફાયદાના આધારે અલગ અલગ પક્ષોને મત આપે છે. 2014 માં પણ ભાજપે બધી 7 લોકસભા બેઠકો જીતી હતી. આ સમયગાળા દરમિયાન ભાજપ 70 માંથી 60 વિધાનસભા બેઠકો પર આગળ હતો. જ્યારે 2015ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ માત્ર 3 બેઠકો જીતી શકી હતી અને AAPએ 67 બેઠકો પર કબજો કર્યો હતો. 2019માં પણ ભાજપે તમામ સાત લોકસભા બેઠકો જીતી હતી અને 65 વિધાનસભા બેઠકો પર આગળ હતી. જ્યારે 2020ની વિધાનસભા ચૂંટણીમાં AAP એ 62 બેઠકો જીતી હતી અને BJP એ 8 બેઠકો જીતી હતી. દિલ્હીમાં વોટિંગ દરમિયાન ત્રણ જગ્યાએ બબાલ
ભાજપે એવો આરોપ લગાવ્યો કે નોર્થ ઈસ્ટ ડિસ્ટ્રીક્ટના સિલમપુર બૂથમાં બુરખાની આડમાં આપવાળા બોગસ વોટિંગ કરાવે છે. સિલમપુર બૂથ પર ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે જામી પડી. બુરખા પહેરેલી મહિલાઓની એક કિલોમીટર લાંબી લાઈન હતી. એ જોઈને રાજકીય પક્ષોના કાન સરવા થઈ ગયા.
ચિરાગ દિલ્હીમાં પણ બેરિકેડીંગમાં ફસાયેલા આમ આદમી પાર્ટીના મંત્રી સૌરભ ભારદ્વાજે પોલીસ સાથે તૂંતૂં મૈંમૈં કરી હતી.
મનીષ સિસોદિયાના વિસ્તાર જંગપુરામાં સિસોદિયાએ જ આરોપ લગાવ્યા છે કે ભાજપ નોટ આપીને વોટ માગે છે. તે પોતાના વિસ્તારમાં પહોંચ્યા હતા અને કેમેરામાં આંગળી ચિંધીને એક ઘર બતાવતા હતા કે આમાંથી પૈસાનું વિતરણ થાય છે. દિલ્હીમાં આ વખતે ટ્રેન્ડ શું લાગે છે?
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં AAP સરકાર બનાવી શકે છે તેવું વોટિંગ પેટર્ન પરથી લાગે છે પણ તેને 2015 અને 2020ની ચૂંટણીની જેમ સ્પષ્ટ બહુમતી મળે તેવું લાગતું નથી. આ વખતે દિલ્હી સરકાર સામે સત્તા વિરોધી લહેર જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટીમાં અંદરખાને પણ નારાજગી છે. આના કારણે પાર્ટીને નુકસાન થઈ શકે છે. સામે ભાજપ પહેલાં કરતાં વધુ મજબૂત બન્યો છે. બે વર્ષ પહેલાં પાર્ટીએ તેની રણનીતિ બદલી અને સાંપ્રદાયિક મુદ્દાઓને બદલે સંગઠન પર ધ્યાન કેન્દ્રિત કર્યું. સમાજના દરેક વર્ગ સુધી પહોંચ્યો છે. દિલ્હીમાં 10 વર્ષથી AAPની સરકાર છે. આ વખતે સત્તા વિરોધી લહેરની અસર દેખાય છે. કેજરીવાલની પ્રામાણિક છબીને પણ નુકસાન થયું છે. દિલ્હીમાં AAP અને ભાજપ વચ્ચે સીધી લડાઈ છે. AAPને થયેલા નુકસાનનો સીધો ફાયદો ભાજપને થશે. તેમનો મત હિસ્સો 40%થી વધુ હોઈ શકે છે. બેઠકો પણ વધી શકે છે. AAP 40-42 સીટે અટકી જાય તેવું અનુમાન થઈ રહ્યું છે. AAPની મફત યોજનાઓની તુલનામાં, ભાજપે મફત યોજનાઓનું વચન આપ્યું છે. પાર્ટીએ જનતામાં એવી માન્યતા ઊભી કરવાનો પ્રયાસ કર્યો છે કે દિલ્હી સરકાર નબળી છે. આપ સરકાર પંજાબમાં પણ મહિલાઓને 1000 રૂપિયા માનદ વેતન આપી શકી નથી. આની મતદારો પર અસર થાય તો વોટ સ્વિંગ થઈ શકે છે. આમ જુઓ તો કોંગ્રેસ ક્યાંય પિક્ચરમાં નથી છતાં આમ આદમી પાર્ટીના મતો ઘટાડશે. કોંગ્રેસ માટે દિલ્હીમાં એક-બે બેઠકો જીતવી પણ મુશ્કેલ છે પણ તેનો વોટ શેર 7% વધી શકે છે. 2020માં કોંગ્રેસનો વોટ શેર 4.3% હતો. દિલ્હીના લોકોને ‘રેવડી’ નથી જોઈતી
દિલ્હીમાં સૌથી મોટો મુદ્દો મફત વસ્તુઓનો છે. પહેલાં AAPની આ વાત પર મજબૂત પકડ હતી, પણ હવે બધા પક્ષો પણ આવું જ કરી રહ્યા છે. મફત વીજળી, પાણી, રસ્તા અને મફત બસ મુસાફરી એ ચૂંટણીના મુદ્દા બની ગયા હતા. બધા પક્ષો મફતના નામે મત માગવા નીકળ્યા છતાં વોટિંગ છેલ્લી બે ટર્મ કરતાં ઓછું થયું. દિલ્હીમાં AAP સરકાર પહેલાથી જ મહિલાઓ માટે મફત બસ મુસાફરી જેવી યોજનાઓ ચલાવી રહી છે પણ લોકોના ખિસ્સા પર મોંઘવારીનો બોજ વધતો જાય છે. જરૂરિયાતમંદોને રાશન, શાકભાજીમાં રાહત મળી નથી એટલે લોઅર મીડલ ક્લાસ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીથી થોડો નારાજ છે અને તેનો ફાયદો કોંગ્રેસ અથવા ભાજપને થઈ શકે છે. અને છેલ્લે,
એક બાજુ મોદી કુંભમાં ગંગાસ્નાન કરી રહ્યા હતા તો બીજી બાજુ કેજરીવાલ તેમના માતા-પિતાને વ્હીલચેરને ચલાવીને મતદાન માટે લઇ જઇ રહ્યા હતા. આને કહેવાય સિમ્બોલિક પોલિટિક્સ સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ… (રિસર્ચ – યશપાલ બક્ષી)