પલસાણા તાલુકાના ઈટાળવા ગામની સીમમાં આવેલી વાઈટ લોટસ કંપનીમાં ગંભીર અકસ્માત સર્જાયો છે. સર્વે નંબર 18, બ્લોક નંબર 16માં સ્થિત કંપનીના કોલી પ્રિંટિંગ મશીનમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. આ સમગ્ર ઘટના કંપનીના CCTV કેમેરામાં કેદ થઈ હતી. આગ લાગતાની સાથે જ ફરજ પર હાજર કર્મચારીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. જો કે, કર્મચારીઓએ સૂઝબૂઝ દાખવીને ફાયર સેફ્ટીના સાધનોનો ઉપયોગ કરી આગને કાબૂમાં લેવામાં સફળતા મેળવી હતી. આગની આ ઘટનામાં પ્રિંટિંગ મશીનમાં લાગેલા મહત્વપૂર્ણ ઉપકરણો જેવા કે ન્યુટીક સીલેંડર, એર પાઈપ, હોટ એર પાઈપ, લેડ મોટર, ઈંક મોટર, ટીઆર પાઈપ, હોર્સ પાઈપ, કેમેરા, પ્રિંટીંગ સીલેંડર, રબર રોડ, ઈંક પમ્પ, ડિએસટી ગાઈડ, ડિએસટી કેમેરા અને તમામ કેબલ્સ બળીને ખાક થઈ ગયા હતા. આ મામલે પલસાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે અને ASI ભૂપતસિંહ અંદરસિંહ આગળની તપાસ કરી રહ્યા છે. પ્રાથમિક તપાસમાં યાંત્રિક ખામી કે અન્ય કારણોસર આગ લાગી હોવાનું મનાય છે.