back to top
Homeદુનિયાઇન્ટરનેટ ઓફ થિંગ્સ : માળામાં પરોવાયેલા સ્માર્ટ મણકાં:તમારે સ્માર્ટ ઘર અને સ્માર્ટ...

ઇન્ટરનેટ ઓફ થિંગ્સ : માળામાં પરોવાયેલા સ્માર્ટ મણકાં:તમારે સ્માર્ટ ઘર અને સ્માર્ટ શહેરમાં રહેવા માટેના MoU કરી દેવા છે ને?

માણસનો માળો એટલે એનું ઘર. ઘર શેનાથી બને? ફક્ત માણસોથી નહીં પણ રાચરચીલું અને હોમ એપ્લાયન્સિસથી. માણસો સ્માર્ટ રહે કે નહીં પણ વસ્તુઓ સ્માર્ટ થવી જોઇએ –એવો આપણો લેટેસ્ટ ટ્રેન્ડ છે, આપણી છુપી ઈચ્છા છે. ઘરના પડદા, ઘરનું એસી, ઘરનું ફ્રીઝ, રસોડાની ચિમની, ડિશ વોશર, ઘરમાં સફાઈકામ કરતો વજન કાંટા જેવો ઓટોમેટિક રોબોટ, પંખો કે હિટર કે ગીઝર બધું જ ઇન્ટરનેટ અને સોફ્ટવેરના એક તાંતણે એકસાથે ગૂંથાઈ જાય તો એ સમગ્ર સર્કિટ ઇન્ટરનેટ ઓફ થિંગ્સનું ઉદાહરણ થયું. આ નજીકનું ભવિષ્ય છે. કહેવાય છે કે પ્રકાશની ગતિ કરતા પણ માણસના મનની ગતિ વધારે છે. પણ હવે જે રીતે નવી નવી શોધખોળો ટેક્નોલોજીના ક્ષેત્રે થઇ રહી છે તેના પરથી કહેવું પડે કે ટેક્નોલોજીની ગતિ પ્રકાશ અને માણસના મન કરતાં વધુ ઝડપી છે. આ ટેક્નોલોજી એટલી સ્માર્ટ છે કે તેણે સ્માર્ટ ફોન આપ્યા, સ્માર્ટ કાર આપી, સ્માર્ટ રોબોટ્સ બનાવ્યા અને હવે આ બધું એકબીજા સાથે જોડાઇને, સંપીને એક જ ઘરમાં રહી શકે એવું સ્માર્ટ હોમ પણ આપ્યું. નિર્જીવ વસ્તુઓ વચ્ચેનો ભાઇચારો
અને આ સ્માર્ટ હોમમાં શું શું હોય? ટેમ્પરેચર કન્ટ્રોલ કરવા થર્મોસેટ હોય, ફ્રીઝ હોય, વૉશિંગ મશીન હોય, વેક્યુમ ક્લીનર વગેરે વગેરે હોય અને આ બધાને જોડતી કડી કઇ? તો એ છે આઇઓટી એટલે કે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ…!! આ બધું એકમેક સાથે આ સ્માર્ટ ટેક્નોલોજી આઇઓટીને કારણે જોડાયેલું રહે છે. ટૂંકમાં નિર્જીવ વસ્તુઓ વચ્ચે પણ ભાઇચારો અને એકતાની ભાવના લાવવાની. તો આ બધું કઇ રીતે જોડાયેલું રહે છે અને એને જોડતું આઇઓટી શું છે એ જોઇએ. ઇન્ટરનેટ ઓફ થિંગ્સને સાદી ભાષામાં સમજો
ઇન્ટરનેટ ઓફ થિંગ્સ(આઇઓટી) એ ઇન્ટરરિલેટેડ , ઇન્ટરનેટથી જોડાયેલી સિસ્ટમ છે જે માનવ હસ્તક્ષેપ વગર વાયરલેસ નેટવર્ક પર ડેટા એકત્રિત કરી શકે છે અને એને ટ્રાન્સફર પણ કરી શકે છે. આ થઇ એની ટેકનિકલ અઘરી લગતી વ્યાખ્યા. હવે આને સાદી ભાષામાં ઉદાહરણ સાથે સમજીએ. રેફ્રિજરેટર એક એવું સાધન છે જે બધાના ઘરમાં હોય છે. હવે તમે પ્રવાસે વડોદરાથી મહાબળેશ્વર જાઓ છો અને ત્યાં તમને યાદ આવે છે કે અરે ફ્રિઝનું તાપમાન ઓછું કરવાનું તો રહી જ ગયું કે ફ્રિઝ બંધ કરવાનું તો રહી જ ગયું! હવે તો કંઇ થઇ શકે એમ જ નથી સિવાય કે કારણ વગર ફ્રિઝ ચાલતું રહે અને બિલ વધતું રહે. વેલ અહીં તમારી મદદે આવી શકે છે આઇઓટી એટલે કે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ! યસ, ફિરીઝ બનાવતી કંપનીઝ તમને એવી સગવડ આપી શકે છે કે તમે તમારા ફ્રિઝને તમારા ઘરના ઇન્ટરનેટ સાથે કનેક્ટ કરી દો જે તમારા મોબાઇલ સાથે કનેક્ટેડ છે. જેમાં તમે મહાબળેશ્વર બેઠા બેઠા ફ્રિઝનું તાપમાન સેટ કરી શકો કે ફ્રિઝ ને બંધ કરી શકો કે ફ્રિઝ વીડિયો ડિવાઇસથી જોડાયેલું હોય તો ફ્રિઝમાં મુકેલી વસ્તુ બગડી ગઇ કે નહીં એ તમે મોબાઇલ પર ચેક કરી શકો! IOTના કારણે સંજય દ્રષ્ટિ મળી
બીજું એક ઉદાહરણ જોઇએ. તમે અમેરિકાથી ઇન્ડિયા ગયા છો. તમારે ત્યાં બેઠા બેઠા જાણવું છે કે મારું ઘર સલામત છે ને , ઘરમાં કોઇ હિલચાલ તો નથી થઇ ને? થોડા વર્ષો પહેલાં કોઈને આ કહ્યું હોત કે હું ઇન્ડિયા બેઠા બેઠા મારા અમેરિકાના ઘરમાં શું ચાલે છે એ જોઇ શકું છું તો એ વ્યક્તિ હસવા માંડી હોત પણ હવે આઇઓટીને કારણે આ સંજય દ્રષ્ટિ આપણને મળી છે. દૂર બેઠા બેઠા જ વસ્તુઓ ઓપરેટ કરી શકાય
જી હા, તમારા ઘરમાં લાગેલા વીડિયો કેમેરા કે તમારા ઘરની બહારની ડોરબેલને ઇન્ટરનેટથી તમારા મોબાઇલ સાથે કનેક્ટ કરી દો અને જરા પણ હિલચાલ ઘરમાં થશે કે તમારા મોબાઇલમાં નોટિફિકેશન આવશે અને તમે જોઇ શકશો કે ઘરમાં શું ચાલી રહ્યું છે…!! એટલું જ નહીં એ સ્માર્ટ ડોરબેલનો ઉપયોગ કરીને તમે એક હજાર કિલોમીટર દૂર બેઠા બેઠા તમારા ઘરના દરવાજે ઊભેલા આગંતુક સાથે વાત પણ કરી શકશો. એ જ રીતે ઓફિસ કે ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરાનો એંગલ તમે તમારા મોબાઇલમાંથી ફેરવી શકો અને તેની વીડિયો ફિડ મોબાઇલ કે ટીવી કે કોમ્પ્યુટરમાં એકસાથે મેળવી શકો. આ જ સીસીટીવી કેમેરા અને સ્માર્ટ ડોરબેલને એકબીજા સાથે જોડીને દૂર બેઠા પણ ઓપરેટ કરી શકાય એ કમાલ છે ઇન્ટરનેટ ઓફ થિંગ્સનો. આવી જ રીતે ઘરમાં થર્મોસેટ લગાવી દો અને ઓફિસથી આવતા મોબાઇલ વડે બહુ ગરમી હોય તો ઘરનું એર કન્ડિશનિંગ ચાલુ કરી દો. આ ઈન્ટરનેટ ઓફ થિંગ્સ કામ કઈ રીતે કરે છે એ ટેકનિકલી સમજીએ. આઇઓટી ડિવાઇસમાં સેન્સર્સ અને મિનિ કોમ્પ્યુટર પ્રોસેસર હોય છે જે મશીન લર્નિંગ દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટા પર કામ કરે છે. મશીન લર્નિંગ શું છે એ સમજવા માટે એક આખો અલાયદો લેખ લખવો પડે અને એની વાત નિરાંતે આપણે ભવિષ્ય માં કરીશું પણ સરળ ભાષામાં મશીન લર્નિંગ એ છે જ્યારે કોમ્પ્યુટર આસપાસથી ડેટા ભેગો કરે છે અને પ્રોસેસ કરે છે. કોઈ પણ આઇઓટી સિસ્ટમ ચાર ઘટકોના એકીકરણથી બનેલી હોય છે. 1.સેન્સર્સ:
આ સેન્સર્સ અથવા ડિવાઇસ વાતાવરણમાંથી ડેટા એકત્રિત કરે છે દાખલ તરીકે આગળ કહ્યું એમ તાપમાન વાંચવું. 2.કનેક્ટિવિટી:
આ ભેગો થયેલો ડેટા ક્લાઉડ પર મોકલવામાં આવે છે પણ ક્લાઉડ પર મોકલવા માટે રસ્તો જોઇએ અને તે સેલ્યુલર, સેટેલાઇટ, વાઇફાઇ, બ્લુટૂથ વગેરે વગેરે દ્વારા ક્લાઉડ સાથે કનેક્ટ થઇ શકે છે. 3.ડેટા પ્રોસેસિંગ:
એક વખત ડેટા ક્લાઉડ પર જાય પછી સોફ્ટવેર એના પર પ્રોસેસિંગ કરે. દાખલ તરીકે તાપમાન સ્વીકાર્ય રેન્જમાં છે કે નહીં. 4. યુઝર ઇન્ટરફેસ:
અંતે આ ભેગી કરેલી અને પ્રોસેસ કરેલી માહિતી એટલે કે ડેટાને એન્ડ યુઝર્સ સુધી મોકલવામાં આવે છે. આગળ કહ્યું તેમ વપરાશકર્તાને એમના મોબાઇલમાં ટેક્સ્ટ કે નોટિફિકેશન મળે કે ફ્રિઝનું તાપમાન વધ્યું છે કે ઘરની બહાર કોઇ આવ્યું છે. ઇન્ટરનેટ ઓફ થિંગ્સનું ભવિષ્ય ઉજળું છે
આમ ઈન્ટરનેટ ઓફ થિંગ્સનું ભવિષ્ય ખૂબ ઉજળું છે અને એના વગર આપણને ચાલવાનું નથી કારણકે એ આપણી લાઇફ ખૂબ સરળ બનાવે છે.સ્માર્ટ મોબાઇલ, સ્માર્ટ ફ્રિઝ, સ્માર્ટ ઘડિયાળ, સ્માર્ટ ડોર લોક્સ વગેરે વગેરે જગ્યાએ તો આઇઓટી ટેકનોલોજી વપરાય જ છે. સાથે સ્માર્ટ પાર્કિંગ, કચરો નિકાલ, પાણીની વ્યવસ્થા વગેરે જેવી વ્યવસ્થાને પણ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ એપ્લિકેશન, સરળ બનાવીને આપણા શહેરોને પણ હવે સ્માર્ટ બનાવે છે. તો તમારે સ્માર્ટ ઘર અને સ્માર્ટ શહેરમાં રહેવા માટેના MoU કરી દેવા છે ને?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments