નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)માં રોકાણના દૃષ્ટિકોણથી મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. પ્રથમ વખત સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) લિસ્ટેડ કંપનીઓમાં વિદેશી રોકાણકારોને પછાડવા માટે તૈયાર છે. છેલ્લા ડિસેમ્બર ક્વાર્ટરમાં બંને રોકાણકારોના હોલ્ડિંગ વચ્ચે માત્ર 0.33% નો તફાવત રહ્યો છે. આવી સ્થિતિમાં સ્થાનિક રોકાણકારો માર્ચ ક્વાર્ટરમાં આગળ આવી શકે છે. વિદેશી રોકાણકારો અને સ્થાનિક રોકાણકારોના હોલ્ડિંગ વચ્ચેનો સૌથી મોટો તફાવત 31 માર્ચ 2015 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં હતો જ્યારે DIIના શેર FIIના શેર કરતાં 10.31% ઓછા હતા. ગત ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન એનએસઇ પર લિસ્ટેડ કંપનીઓમાં DIIનો હિસ્સો 16.90%ના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો હતો. જુલાઈ-સપ્ટેમ્બર 2024 દરમિયાન તે 16.46% હતો. તે જ સમયે FIIનો હિસ્સો 17.55% થી ઘટીને 12 વર્ષની નીચી 17.23% પર આવી ગયો. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન આશરે રૂ.1.86 લાખ કરોડનું રોકાણ કર્યું હતું. DIIનું હોલ્ડિંગ હવે રૂ. 73.46 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે. FIIનું હોલ્ડિંગ રૂ. 74.9 લાખ કરોડ છે. ડોમેસ્ટિક મ્યુચ્યુઅલ ફંડ્સે ડિસેમ્બર ક્વાર્ટરમાં આશરે રૂ. 1.54 લાખ કરોડનું રોકાણ કર્યું હતું. આ સાથે NSE લિસ્ટેડ કંપનીઓમાં તેમનો હિસ્સો 9.93% ની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો. રિટેલ અને એચએનઆઇ રોકાણકારોનો હિસ્સો પણ 7.69% અને 2.09%ના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો હતો. DII ફાઇનાન્શિયલ અને FII IT સેક્ટરમાં રોકાણ વધારી રહ્યાં છે, DIIએ ફાઇ. સર્વિસિસ માટે તેની ફાળવણી 0.8% વધારીને કુલ હિસ્સાના 25.86% કરી છે. જ્યારે એનર્જી ક્ષેત્રે ફાળવણી ઘટાડીને 8.88% કરવામાં આવી હતી. જ્યારે FII એ IT સેક્ટરમાં તેમની ફાળવણીમાં સૌથી વધુ વધારો કર્યો છે. તે ઓક્ટોબર ક્વાર્ટરમાં 8.68% થી વધીને 9.85% થયો છે. FII એ ઓક્ટોબર ક્વાર્ટરમાં એનર્જી ક્ષેત્રે ફાળવણી 7.65% થી ઘટાડીને 6.30% કરી છે. શેરના ખરીદી-વેચાણ માટે નવી પેમેન્ટ સિસ્ટમ આવશે: માર્કેટ રેગ્યુલેટર સેબી શેરની ખરીદી અને વેચાણ માટે યુપીઆઇ દ્વારા સુરક્ષિત અને શ્રેષ્ઠ પેમેન્ટ ચુકવણી સુનિશ્ચિત કરવા માટે નવી સિસ્ટમ લાવવાનું વિચારી રહી છે. તેનો ઉદ્દેશ્ય શેરબજારમાં છેતરપિંડી અટકાવવાનો છે. આ પ્રસ્તાવિત સિસ્ટમ હેઠળ સેબીએ નોંધાયેલા બ્રોકર્સ માટે વિશેષ યુપીઆઇ આઇડી બનાવવાનું સૂચન કર્યું છે. આનાથી રોકાણકારોને ખાતરી કરવામાં સરળતા રહેશે કે તેઓ માત્ર રજિસ્ટર્ડ સંસ્થાઓને જ ચૂકવણી કરી રહ્યા છે. તેના દ્વારા ચૂકવણીની મર્યાદા પ્રતિ દિવસ 5 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે જે હાલમાં 2 લાખ રૂપિયા છે.