રાજકોટમાં વધુ એક ડિજિટલ અરેસ્ટનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં કારખાનેદાર પાસેથી રૂપિયા 5.35 લાખ પડાવી લીધા હોવાનું સામે આવ્યું છે. સાયબર માફિયાએ ઈડીના નામે વોટ્સએપ કોલ કરી ફોટા વાળું વોરન્ટ પણ મોકલી 7 કલાક ડિજિટલ અરેસ્ટ રાખેલ હતા. કારખાનેદાર સાથે ફ્રોડ થયાનું માલુમ થતા પોતે રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ડિજિટલ અરેસ્ટના નામે તેની સાથે થયેલ છેતરપીંડી અંગે ફરિયાદ નોંધાવી હતી. હાલ રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ ટીમે પાંચ આરોપીની ધરપકડ કરી ફરાર મુખ્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે. પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી
રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી પ્રવિણભાઈ ધીરજભાઈ ઉંધાડ (ઉ.વ.47)એ પોતે ડિજિટલ અરેસ્ટનો ભોગ બન્યાની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે સાયબર ક્રાઇમ પોલીસે બી.એન.એસ કલમ 319(2), 308(2), 336(2)(3), 351(2), 340(2), 204, 127 તથા આઈ.ટી એક્ટ કલમ 66(ડી) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી દરમિયાન પીઆઇ આર.જી.પઢીયાર અને તેમની ટીમને ટેક્નિકલ સોર્સીસના આધારે પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેની પુછપરછ કરતા આરોપીઓએ પોતાના નામ અજય કોસ્ટી, પ્રકાશ કોસ્ટી, વિષ્ણુ નાઇ, અંકિત ચમાર અને કુલદીપ જાટ જણાવ્યું હતું. પાંચેય આરોપીના રિમાન્ડ મેળવવા માટે તજવીજ હાથ ધરી
ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, રાજકોટ સાયબર ક્રાઇમમાં નોંધાયેલ ડિજિટલ એરેસ્ટ ફરિયાદમાં પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી છે. પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે ફરિયાદીની ફ્રોડની રકમ અજય કોસ્ટી નામના વ્યક્તિના બેન્ક ખાતામાં ટ્રાન્સફર થયા હતા. જેની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે અજયના એકાઉન્ટમાં આવતા પૈસાનું મેનેજમેન્ટ વિષ્ણુ નાઇ અને કુલદીપ જાટ કરતા હતા. આ લોકો રૂપિયા ઉપાડી તેને અન્યના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેતા હતા. આ તપાસ દરમિયાન આર્થિક લાભ મેળવવા બેન્ક એકાઉન્ટ ખોલાવવામાં અન્ય બે આરોપીના નામ ખુલવા પામ્યા છે જેમાં એકનું નામ પ્રકાશ કોસ્ટી અને બીજાનું નામ અંકિત ચમાર હોવાનું સામે આવ્યું છે. પોલીસે હાલ આ પાંચેય આરોપીના રિમાન્ડ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી
તેમને વધુમાં જણાવ્યું હતું કે, આરોપીઓ અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ તેની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, અજય કોસ્ટીનું જે IDFC બેંકમાં એકાઉન્ટ છે તે અન્ય બે રાજ્યોમાં નોંધાયેલ સાયબર ફ્રોડના ગુનામાં ઇન્વોલ હોવાનું સામે આવ્યું છે જેમાં તેલંગાણા અને તામિલનાડુમાં ફરિયાદ નોંધાયેલ છે. જયારે આરોપી વિષ્ણુ નાઈનું IDFC બેન્ક એકાઉન્ટ છે તે એકાઉન્ટની પણ તામિલનાડુમાં નોંધાયેલ FIRમાં ઇન્વોલમેન્ટ ખુલવા પામેલ છે જે અંગે ત્યાંની પોલીસનો સંપર્ક કરી આગળ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ફરિયાદીની ડિટેઇલ ઓનલાઇન બિઝનેસ માટેની વિગત પરથી મેળવી હતી
પાંચેય આરોપીઓ પૈકી કુલદીપ અને વિષ્ણુ નામના બે આરોપીઓ દ્વારા ફ્રોડની રકમ અજયના બેન્ક એકાઉન્ટમાં આવ્યા બાદ રૂપિયા આગળ ક્યાં કેવી રીતે ટ્રાન્સફર કરવા અથવા મોકલવા તે માટે કામ કરતા હતા. જયારે ફરિયાદીને વોટ્સએપ કોલ કરી ઇડીની ઓળખ આપી ડિજિટલ એરેસ્ટનો શિકાર બનાવનાર મુખ્ય આરોપી કોણ છે? તે મામલે શોધખોળ હાથ ધરવામાં આવી છે. આરોપીઓ દ્વારા ફરિયાદીની ડિટેઇલ ઓનલાઇન તેમના બિઝનેસ માટેની વિગત પરથી મેળવી હતી અને બાદમાં વોટ્સએપ કોલ મારફત ડિજિટલ એરેસ્ટ માટે પ્લાન બનાવ્યો હતો એવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. અન્ય કેટલા લોકો સાથે સાયબર ફ્રોડ કર્યો તેની તપાસ કરાશે
આજે પાંચેય આરોપીઓને કોર્ટમાં રિમાન્ડ અર્થે મોકલવામાં આવશે જેમાં આરોપીઓ દ્વારા અન્ય કેટલા લોકોને ડિજિટલ એરેસ્ટનો શિકાર બનાવ્યા છે, અન્ય કેટલા લોકો સાથે સાયબર ફ્રોડ કરેલ છે.? તેમની સાથે અન્ય કેટલા શખ્સો સંડોવાયેલ છે, ફ્રોડથી મેળવેલ રૂપિયા રકમ ક્યાં ટ્રાન્સફર કર્યા છે કોને કોને આપ્યા છે સહિતના મુદ્દાની તપાસ કરવામાં આવશે આ ઉપરાંત મુખ્ય આરોપી સુધી પહોંચવા માટે પણ રિમાન્ડ દરમિયાન તપાસ હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે એકાઉન્ટ ખોલાવવા માટે ફ્રોડની રકમ મુજબ 5થી 10 હજાર રૂપિયા કમિશન આરોપીઓને મળતું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. તમારા નામે ગેરકાયદેસર પૈસાના વહીવટ થયા છે
ફરિયાદી પ્રવિણભાઈ ધીરજભાઈ ઉંધાડ (ઉ.વ.47)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઇ તા.29.01.2025 ના રોજ હું મારા કારખાને હતો ત્યારે સવારના 9:54 વાગ્યે મારા ફોનમાં વોટસએપ કોલ આવેલ જેમા સામેના માણસે તેની ઓળખાણ અરરેસ્ટિંગ ઓફિસર નીરજ કુમાર, એસસીસ્ટન્ટ ડિરેક્ટર, ડાયરેક્ટોરેટ ઓફ એન્ફોરસમેન્ટ (ઈડી) મુંબઈ તરીકે ઓળખાણ આપી હતી. આ વ્યક્તિએ ફોનમાં મને જણાવેલ કે, તમારા નામે ઇસ્યુ થયેલ સીમકાર્ડ વાપરનાર વ્યક્તિએ તમારા નામે કેનેરા બેંકમાં ખાતું ખોલાવી ગેરકાયદેસર નાણાકિય વહિવટો કરેલા છે, જેને અમે પકડેલો છે અને હાલમાં તે અમારી કસ્ટડીમાં છે. જેથી તમારા બેંકના ખાતાની ચકાસણી કરવાની છે. ડિજિટલ અરેસ્ટ વોરંટ મોકલી તમને અરેસ્ટ કરવામાં આવ્યા
આ પછી તેમને એક અજાણ્યા વ્યક્તિનો મને ફોટો મોકલ્યો હતો જે મેં જોયો અને હું સામેના વ્યક્તિને ઓળખતો નથી અને મેં આવુ કોઈ મારા નામનું સીમકાર્ડ કઢાવેલ ન હોઈ તેમજ હું કોઇ ઓનલાઈન પૈસાના વ્યવહાર કરતો નથી એવું કહેતા સામેની વ્યક્તિએ મને કાયદાકીય બાબતે બીક બતાવી અને મારા વોટસએપમાં મારા નામનું મારા ફોટા સાથેનું ડિજિટલ અરેસ્ટ વોરંટ મોકલી તમને અરેસ્ટ કરવામાં આવેલ છે તેમ જણાવ્યું હતું. જે વોરંટ મેં જોતા તેમા સહી-સિકકા કરેલ હતા. જેથી, હું ગભરાઈ ગયેલ અને તેમના કહેવા મુજબ હું કરવા લાગેલ હતો. ચાલુ ફોને મારા બેંક એકાઉન્ટમાંથી RTGS કર્યું
વધુમાં પ્રવિણભાઈએ જણાવ્યું કે, આ વ્યક્તિએ RTGSથી મારા ખાતામાં રહેલ બધા પૈસા વેરિફિકેશન કરવા માટે તેમના એકાઉન્ટમાં નાખવા જણાવ્યું હતું. તેમના બેંક એકાઉન્ટ નંબર લખાવેલ જેના એકાઉન્ટધારક કૌશ્તી અજયકુમાર હતા. જે ઓઢવ બ્રાંચ અમદાવાદનું બેંક એકાઉન્ટ હતું. એકાઉન્ટમાં રૂ.5,35,000નુ RTGS કરવા, ફોન ચાલુ રાખવા અને બીજા કોઇને વાત ન કરવા ધમકી આપી હતી. જેથી, હું મારા કારખાનેથી નીકળી મારા ઘરે જઈ ચેકબુક લઇ અને ઘરના કોઈપણ સભ્ય સાથે વાત કર્યા વગર મારા ઘર નજીક આવેલ રાજનગર ચોક SBI બેંકમાં જઈ સામેવાળી વ્યક્તિના કહેવા મુજબ ચાલુ ફોને મારા બેંક એકાઉન્ટમાંથી 5,35,000નું RTGS કરેલ હતું. તમને અમે ડિજિટલ અરેસ્ટમાંથી મુક્ત કરીએ છીએ
આ પછી ફોન ચાલુ રહેવા દેવાનું જણાવી ઘરે જઈને એક રૂમમાં એકલા બેસી રહેવા અને કોઈની પણ સાથે વાત ન કરવા ધમકી આપી હતી. મેં તે મુજબ જ કરેલ તે પછી અડધો કલાક પછી આ વ્યક્તિએ તથા અન્ય એક મહિલા એ મારી સાથે વાત કરી મને જણાવ્યું કે, તમારા બેંન્ક એકાઉન્ટનું વેરીફિકેશન થઈ ગયેલ છે. અમારી કસ્ટડીમાં રહેલ વ્યક્તિ સાથે તમારે કોઈપણ પ્રકારની લેતી-દેતી નથી. જેથી તમને અમે ડિજિટલ અરેસ્ટમાંથી મુક્ત કરીએ છીએ. અડધો કલાકમાં તમારી રકમ તમારા એકાઉન્ટમાં પાછી આવી જશે. ત્યારબાદ 3.45 વાગ્યે મારો મિત્ર સંજય કોરાટ મારા ઘરે આવતા મેં આ બધી વાત કરતા તેમણે મને મારી સાથે છેતરપીંડી થયેલ એવુ જણાવેલ. જેથી મે આ સામેવાળી વ્યક્તિના મોબાઈલમાં ફોન કરેલ પણ ફોન બંધ આવેલ જેથી અમે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં જઈ ઓનલાઈન 1930માં ફરીયાદ કરેલી. જે પછી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.