back to top
Homeગુજરાતઅમરેલીની 4 ન.પા.નો ચૂંટણીજંગ, પાયલ ગોટી વિવાદની કેટલી અસર?:'ભાજપ નેતાઓને હાઇકમાન્ડ ચાબુક...

અમરેલીની 4 ન.પા.નો ચૂંટણીજંગ, પાયલ ગોટી વિવાદની કેટલી અસર?:’ભાજપ નેતાઓને હાઇકમાન્ડ ચાબુક ફટકારે તો સીધા થઈ શકે, જૂથવાદથી BJPની છબિ ખરડાઈ’, MP-MLAનું પાણી મપાશે

રાજ્યમાં 66 નગરપાલિકાની સામાન્ય અને 2 નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી મળી કુલ 68 નગરપાલિકાની અને એક મહાનગરપાલિકાની ચૂંટણી છે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે ભાજપે ધારાસભ્યો, મંત્રીઓને મેદાનમાં ઉતારતા 4 નગરપાલિકા બિનહરીફ થઇ ગઇ છે. જ્યારે જૂનાગઢ મનપામાં 9 બેઠક બિનહરીફ થતા એકતરફી માહોલ થઇ ગયો છે. જો કે અમરેલી જિલ્લાની 4 નગરપાલિકા રાજુલા, જાફરાબાદ, ચલાલા અને લાઠીમાં માહોલ બરાબરનો જામ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ ચારેય પાલિકામાં છેલ્લે ભાજપનું શાસન રહ્યું છે. ચારમાંથી ભાજપે ચલાલાની જવાબદારી ધારાસભ્ય જે.વી.કાકડિયા જ્યારે લાઠીની જવાબદારી સાંસદ ભરત સૂતરિયાને સોંપી છે. આ પણ વાંચો: 66 નગરપાલિકા ચૂંટણીનું મેગા કવરેજ દિવ્ય ભાસ્કર પર, મેગા સર્વેમાં ભાગ લો અને તમારા પ્રશ્નો જણાવો પાયલ ગોટી લેટરકાંડને લઈ છેલ્લા ઘણાં સમયથી અમરેલી ચર્ચામાં છે. જેના સમગ્ર રાજ્યમાં પડઘા પડ્યા છે. તેમજ જૂથવાદથી ભાજપની છબિને પણ નુકસાન થયું છે. જ્યારે રાજુલામાં તો પ્રજાજનો શહેર કોંગ્રેસની વાડીનું પાણી પીને જીવી રહ્યા છે. આ પણ વાંચો: લાઠી, ચલાલા, રાજુલા અને જાફરાબાદ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ પાયલ ગોટી લેટરકાંડ અને ભાજપની આંતરિક જૂથબંધીની રાજુલા, ચલાલા, જાફરાબાદ અને લાઠી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી પર કેટલી અસર થશે અને આ ચૂંટણીનો અમરેલીમાં કેવો માહોલ છે તે જાણવા દિવ્ય ભાસ્કર ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું હતું. ‘ભાજપના નેતાઓને હાઇકમાન્ડ ચાબુક ફટકારે તો સીધા થઈ શકે’
સૌ પ્રથમ અમે અમરેલીના વરિષ્ઠ પત્રકાર વિજય સિંહ ચૌહાણ સાથે વાત કરી. તેઓએ કહ્યું કે, લેટરકાંડ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી થોડો અલગ વિષય છે. કારણ કે, આ ચૂંટણીમાં લોકો લોકલ ચહેરાઓને ધ્યાને રાખીને મતદાન કરતા હોય છે. પાયલ ગોટી વિવાદની વાત કરીએ તો તેમાં કોંગ્રેસ અને ભાજપ તો સામસામે આવેલા જ છે. પરંતુ સાથે ભાજપના બે જૂથ પણ આ મામલે સામસામે છે. પરંતુ કેટલું ડેમેજ કંટ્રોલ થઈ શકે છે તે મહત્વનું છે. ડેમેજ કંટ્રોલ બાબતમાં ભાજપ કોંગ્રેસ કરતા અલગ છે. ભાજપમાં જો હાઇકમાન્ડમાંથી ચાબુક ફટકારવામાં આવે તો જૂથબંધીમાં વહેંચાયેલા આ તમામ નેતા સીધા થઈ શકે તેમ છે. લાઠી પાલિકામાં જીત અપાવવા સાંસદ સૂતરિયા હોમપીચ પર
આગળ તેઓ એક પછી લાઠી નગરપાલિકાની પરિસ્થિતિ વર્ણવતા કહે છે કે, લાઠીમાં ગત ટર્મમાં ભાજપનું શાસન હતું. આ નગરપાલિકામાં કુલ 6 વોર્ડ અને 24 બેઠકની ચૂંટણી છે. ભાજપે આ નગરપાલિકાની જવાબદારી અમરેલીના સાંસદ ભરત સુતરીયાને સોંપી છે. ભરત સુતરીયાની તે હોમપીચ છે અને તેઓ અગાઉ સંગઠનમાં સારી કામગીરી કરી ચૂક્યા છે. બીજી તરફ કોંગ્રેસમાંથી વિરજી ઠુંમ્મર સહિતના કોઈ મોટા નેતા લાઠીમાં સક્રિય નથી. તેથી લાઠીમાં ભાજપની સરળતાથી જીત થઈ શકે તેવા સંકેત છે. હીરા સોલંકીના ગઢમાંથી કાંગરો નહીં ખરે
આ જ રીતે જાફરાબાદ ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીનો ગઢ છે. ત્રણ ટર્મથી અહીં ભાજપ બિન હરીફ જીતે છે. આ વખતે પણ ભાજપ અહીં સરળતાથી જીત મેળવી લેશે તેવું લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ વખતે અહીં કોંગ્રેસે 25 ઉમેદવાર ઉભા રાખ્યા છે. પરંતુ ફોર્મ ચકાસણી દરમિયાન જ 28 સીટમાંથી ભાજપની 16 બેઠક બિન હરીફ થઈ ગઈ છે.(વાંચો સંપૂર્ણ અહેવાલ) ચલાલામાં કોંગ્રેસ અને આપ ગઠબંધન કરી શકે છે
વરિષ્ઠ પત્રકાર વિજયસિંહ ચૌહાણ આગળ કહે છે, ચલાલા નગરપાલિકાની વાત કરીએ તો તે પણ અગાઉ ભાજપ પાસે જ હતી. પહેલાં કોંગ્રેસના અને હાલ ધારીના ભાજપના ધારાસભ્ય જે.વી.કાકડિયાનું આ હોમટાઉન છે. બીજી તરફ આમ આદમી પાર્ટીમાંથી કાંતિભાઈ સતાસિયા અને ઉપેન્દ્રભાઈ વાળા મહેનત કરી રહ્યા છે. ત્યાંના સ્થાનિક નેતા વિશાલ માલવિયા પણ ખૂબ સક્રિય છે. મારા સૂત્રોએ જણાવ્યા અનુસાર ચલાલામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જાહેરમાં કે છૂપી રીતે ગઠબંધન કરશે તે નક્કી છે. એટલે આ નગરપાલિકા જે દર વખતે સરળતાથી ભાજપના પક્ષે જતી હતી જેના બદલે આ વખતે અહીં કાંટાની ટક્કર જોવા મળવાની છે. કોંગ્રેસનો ગઢ રાજુલા અંબરીશ ડેર કબજે કરી શકશે?
‘રાજુલા બીજી બધી નગરપાલિકાથી થોડી અલગ છે. રાજુલા લોકસભા અને વિધાનસભામાં ભાજપનો ગઢ હોય છે. પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તે હંમેશાથી કોંગ્રેસનો ગઢ રહી છે. રાજુલામાં પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરની એક આગવી ઓળખ છે. ગત વખતે ચૂંટણી સમયે તેઓ કોંગ્રેસમાં હતા અને કોંગ્રેસને 28માંથી 27 બેઠક મળી હતી. પરંતુ આ વખતે અંબરીશ ડેર ભાજપમાં છે. બીજી તરફ કોંગ્રેસમાં કોઈ મોટા આગેવાન નથી. જો કે, અંબરીશ ડેર આ ચૂંટણીમાં કેટલા સક્રિય રહે તે પણ જોવાનું રહેશે. એટલે આ નગરપાલિકા પર કોંગ્રેસને થોડો એડવાન્ટેજ ગણી શકાય.’ આ ઉપરાંત નગરપાલિકાની પેટા ચૂંટણી અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં કોઈ પ્રચાર જોવા નહીં મળે. આ ચૂંટણી શાંત માહોલમાં થશે અને અત્યારની પરિસ્થિતિ પ્રમાણે અહીં ભાજપને એડવાન્ટેજ છે. ‘પાયલ ગોટી પ્રકરણથી ભાજપને વધુમાં વધુ 20% ફેર પડી શકે છે’
આ પછી અમે અમરેલીના વરિષ્ઠ પત્રકાર પ્રવીણભાઈ બારૈયા સાથે ખાસ વાતચીત કરી. તેઓ કહે છે કે કોંગ્રેસને આ વિવાદથી હાથમાં ગતકડું આવી ગયું છે. સામાન્ય દિવસોમાં પરેશ ધાનાણી સહિતના કોઈ પણ નેતા ક્યારેય દેખાતા નથી. રાજુલા નગરપાલિકાને લઈને તેઓ કહે છે કે અંબરીશ ડેરના ભાજપમાં આવ્યા બાદ તેમાં કપરા ચઢાણ છે. પાયલ ગોટીના વિવાદ અંગે પ્રવિણભાઈ કહે છે કે, મીડિયાએ જેટલો આ મુદ્દાને હાઈલાઈટ કર્યો છે તેટલી અસર સ્થાનિકોમાં નથી. આ ઘટના બાદ પણ સ્થાનિકોમાં કૌશિક વેકરિયા(અમરેલીના ધારાસભ્ય) પ્રત્યેના માનમાં વધુ ફેર પડ્યો નથી. આ પ્રકરણ બાદ આ ચૂંટણીમાં ભાજપને વધુમાં વધુ 20% અસર થઈ શકે છે. પાયલ ગોટી વિવાદ અને આ ચૂંટણીમાં કોંગ્રેસની તૈયારી અંગે જાણવા અમે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત સાથે વાતચીત કરી. પ્રતાપ દૂધાતે સૌ પ્રથમ પાયલ ગોટી વિવાદને લઈ ચર્ચા જગાવી હતી. ‘ભાજપની તાનાશાહી અને પોલીસની મિલીભગત સામે આવી’
પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત કહે છે કે, છેલ્લાં એક મહિનામાં પાયલ ગોટીનો વિવાદ સૌથી વધુ ચર્ચાનો કેન્દ્ર બન્યો છે. આ વિવાદથી ભાજપની તાનાશાહી અને પોલીસની મિલિ ભગત સામે આવી છે. આ મુદ્દો રાજ્યના દરેક ઘર સુધી પહોંચ્યો છે. જો કે, અમે આ વિવાદને લઈને અમારી લડાઈને રાજકીય રંગ નથી આપતા. પરંતુ જ્યાં સુધી પાયલ ગોટીને સમગ્ર પ્રકરણમાં યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે. શું કોંગ્રેસ આ ચૂંટણીમાં લોકો સમક્ષ પાયલ ગોટી સાથે થયેલા અન્યાયની વાત લઈ જશે? આ પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે કે, પોલીસની નબળી કામગીરીને અમે લોકો સામે ચોક્કસ મુકીશું. આવા અનેક પ્રકરણોમા અગાઉ પણ SITની નિમણૂંક થઈ ચૂકી છે, પરંતુ ત્યાર પછી શું થયું તેની આપણને કોઈને ખબર નથી. ‘ભાજપ લોકોના પૈસાને પોતાના બાપાની મિલકત સમજે છે’
પ્રતાપ દુધાત જણાવે છે કે અમે ચૂંટણીમાં પાયલ ગોટીના વિવાદ સાથે ભાજપના ભ્રષ્ટાચારને પણ મુદ્દો બનાવીશું. જેમ કે રાજુલામાં છેલ્લાં પાંચ વર્ષમાં 10 નગરપાલિકા પ્રમુખ બદલાયા છે. સાવરકુંડલામાં જ્યાં પેટાચૂંટણી છે ત્યાં પંચાયતનું GEBનું 45 લાખનું લાઈટ બિલ બાકી છે. કોંગ્રેસના સમયમાં તે સમયસર ભરી દેવાતું હતું. પ્રજા ભાજપના શાસનથી ત્રાહિમામ છે. ભાજપ લોકોના પૈસાને પોતાના બાપાની મિલકત સમજે છે, તેથી ભાજપના ભ્રષ્ટાચારને પણ અમે લોકો સામે ખુલ્લો પાડીશું. ઝીરો પર છીએ ત્યાં 100 પર પહોંચવાનો પ્રયાસ છે: કોંગ્રેસ
તેઓ કહે છે કે આ વખતે અમે નવા ચહેરાઓ મેદાનમાં ઉતાર્યા છે. યુવાનોને પહેલી તક આપી છે. અમે જ્યાં ઝીરો પર છીએ ત્યાં 100 પર પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. બીજી તરફ દંબગ નેતાઓનું સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વધારે ઉપજતું નથી હોતું કારણ કે આ ચૂંટણી સ્થાનિક પ્રશ્નો પર લડાતી હોય છે. જ્ઞાતિઓના સમીકરણ પર પણ એક મોટો આધાર હોય છે. જો કે ચલાલામાં આમ આદમી પાર્ટી સાથેના આંતરિક ગઠબંધનને લઈને પ્રતાપ દૂધાતે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો. અમરેલીની ચારેય નગરપાલિકામાંથી સૌથી રસપ્રદ ચૂંટણી રાજુલા નગરપાલિકાની થવાની છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓની કેવી તૈયારી છે તે જાણવા અમે રાજૂલા પહોંચ્યા. રાજુલા માર્કેટિંગ યાર્ડમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો એકઠા થયા અને એકબીજા પર આરોપોની રમઝટ બોલાવી. આ રમઝટમાં સામે આવેલા મુખ્ય મુદ્દાઓ પર નજર કરીએ તો, ‘ગત ટર્મના રાજુલા પાલિકાના બધા પ્રમુખ ભાજપમાં’
કોંગ્રેસના લોકો જણાવે છે કે ગત વખતની જેમ આ વખતે પણ રાજુલામાં ભવ્ય જીત મળશે. છેલ્લાં પાંચ વર્ષમાં અનેક પ્રમુખ બદલાયા પરંતુ તે બધા પ્રમુખ હાલ ભાજપમાં છે અને પાટીલ સાહેબે જ પોતાના હાથે તેમને ભાજપમાં જોડ્યા છે. રાજુલા ભાજપમાં હાલ મોટા પ્રમાણમાં જૂથવાદ ચાલી રહ્યો છે. કોંગ્રેસના એક સિનિયર કાર્યકર્તા જણાવે છે કે ભાજપ છેલ્લાં બે વર્ષથી નગરપાલિકાનો વહીવટ કરે છે. પરંતુ ગામનો કચરો ભેગો કરવા માટે તેઓ નગરપાલિકાને એક સારી કચરાની ગાડી પણ અપાવી શક્યા નથી. અમે રાજુલાવાસીઓની માફી માગીએ છીએ: કોંગ્રેસ
બીજી તરફ પાયલ ગોટી મુદ્દે કોંગ્રેસના નેતા કહે છે કે આ મુદ્દાનો અમને કેટલો ફાયદો થાય છે તે બીજા નંબરની વાત છે. પરંતુ કોંગ્રેસે આ મુ્દ્દો રાજકીય લાભ લેવા માટે નથી ઉઠાવ્યો. કોંગ્રેસે ભાસ્કર સમક્ષ પોતાની ભૂલ સ્વીકારતા કહ્યું કે છેલ્લાં પાંચ વર્ષમાં 10થી વધુ પ્રમુખ બદલાયા તેમાં કોંગ્રેસની નિષ્ફળતા છે અને તે બદલ અમે રાજુલાવાસીઓની માફી માંગીએ છીએ. શહેર કોંગ્રેસપ્રમુખની વાડીનું પાણી પીવે છે રાજુલાવાસીઓ
કોંગ્રેસના નેતા કહે છે કે હાલ રાજુલામાં જે પીવાનું પાણી આવે છે તે રાજુલા શહેર કોંગ્રેસ પ્રમુખની વાડીએથી છોડવામાં આવે છે. હાલમાં રાજુલા શહેર કોંગ્રેસ પ્રમુખનું પાણી પી રહ્યું છે. અને આગામી સમયમાં જો કોંગ્રેસ નગરપાલિકા જીતશે તો રસ્તા,ગટર,સફાઈ અને પીવાના પાણીના મુદ્દાને કેન્દ્રમાં રાખવામાં આવશે. એક નાગરિકે કહ્યું કે, હાલની તારીખમાં આખા રોડ પર પાણી ચાલ્યું જાય છે, વિકાસ ક્યાં છે? વિકાસ ક્યાં ગયો? કરો વિકાસ. ભાજપે કહ્યું- તમામ 28 સીટ જીતીશું, કોંગ્રેસનો કટાક્ષ 8 આવશે
સામે પક્ષે ભારતીય જનતા પાર્ટીના લોકોએ પણ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. અંબરીશ ડેરને ભાજપમાં અવગણાતા હોવાના આક્ષેપને લઈ ભાજપના નેતા કહે છે કે, ભાજપ કેડર બેઝ્ડ પાર્ટી છે. અહીં નેતાના પર્ફોર્મન્સને આધારે તેને પ્રાધાન્ય આપવામાં આવતું હોય છે. અંબરીશ ડેરને પણ તે મુજબ પ્રાધાન્ય અપાય છે. જો કે, અંબરીશ ડેર નગરપાલિકાની ચૂંટણીમાં સક્રિય પ્રચાર પણ કરશે તેવી ભાજપે આશા પણ વ્યક્ત કરી. ભાજપના લોકોએ જણાવ્યું કે રાજુલાની જનતા ગઈ વખતની જેમ આ વખતે ભૂલ નહીં કરે અને ભાજપને જીત અપાવશે. અમે કેટલી સીટ જીતવાનો અંદાજ છે તેવું પૂછતા ભાજપે 28માંથી 28 સીટ જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસે આ વાત પર વ્યંગ કરતા કહ્યું હતું કે ભાજપને 28 નહીં માત્ર 8 સીટ આવશે. આ કામો કરે છે નગરપાલિકા
નગપૃરપાલિકાએ મુખ્યત્વે પાણીપુરવઠો, ગટરવ્યવસ્થાની જાળવણી, રસ્તાની જાળવણી અને નિર્માણ, સ્ટ્રીટ લાઇટ્સ અને બાગબગીચાની જાળવણી અને નિભાવ, આરોગ્ય સુવિધા, સાફસફાઈ, બાંધકામ નિયમન, ટાઉન પ્લાનિંગના કામ કરવાના હોય છે. અમે અમરેલી, સાવરકુંડલા અને રાજુલા સહિતના વિસ્તારોમાં પ્રવાસ કર્યો. નેતાઓ, કાર્યકર્તાઓથી લઈ વરિષ્ઠ પત્રકારો સાથે મુલાકાત કરી. આ સમગ્ર પ્રવાસને અંતે જાણવા મળ્યું કે પાયલ ગોટીનો વિવાદ રાજ્યભરમાં જેટલો ચર્ચાનો વિષય બન્યો છે તેટલો સ્થાનિક લેવલે રાજકીય રીતે અસરકારક નથી લાગી રહ્યો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ મુદ્દાને લઈ ભાજપને મોટું નુકસાન થાય તેવું નથી લાગી રહ્યું. અમરેલી જિલ્લાની ચાર નગરપાલિકામાંથી લાઠી અને જાફરાબાદ પાલિકા ભાજપ માટે સરળ હોય તેમ લાગી રહ્યું છે. જ્યારે ચલાલા અને રાજુલામાં કાંટાની ટક્કર થવાની છે તે નક્કી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments