સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીને કારણે વરસાદી ગટરના ખુલ્લા ઢાંકણામાંથી નીચે પડેલા બે વર્ષના એક માસૂમ બાળકે જીવ ગુમાવવો પડયો છે. 5 ફેબ્રુઆરીએ સાંજના 5 વાગ્યે વરસાદી ગટરમાં પડેલા બાળકનો 24 કલાક બાદ દોઢ કિલોમીટર દુર પમ્પિંગ સ્ટેશનમાં મૃતદેહ મળ્યો હતો. મૃતદેહ સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવાતા પરિવારે કસુરવાર અધિકારીઓ સામે ફરિયાદ ન નોંધાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવા ઇન્કાર કર્યો હતો. પરિવાર અને સમાજની આજીજી બાદ આક્રોશ સાથે ધરણા પર બેસતા આખરે અમરોલી પોલીસે પાલિકાના ગટર વિભાગના જવાબદાર અધિકારી-કર્મચારી વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો છે. ઘટનાના 40 કલાકથી વધુ સમય થયો હોવા છતાં કોર્પોરેશન અને પોલીસ તંત્ર ઘટનામાં જવાબદાર કોણ? તે નક્કી કરી શક્યું નથી. અત્યાર સુધીમાં મ્યુ. કમિશનર દ્વારા ચાર અધિકારીને માત્ર શો કોઝ નોટિસ અપાઈ છે.