તાજેતરમાં જ સુરતમાં બે વર્ષના માસૂમનું ખુલ્લી ડ્રેનેજમાં પડી જવાથી મોત નીપજ્યું હતું. આ બાળકની શોધખોળ માટે 24 કલાક જેટલો સમય લાગ્યો અને આ તંત્રના પાપે આજે એક પરિવારે પોતાના વહાલસોયાને ગુમાવ્યો છે. ત્યારે દિવ્ય ભાસ્કરની ટીમ દ્વારા ગુજરાતમાં વિવિધ શહેરોમાં રિયાલિટી ચેક હાથ ધરવામાં આવ્યું હતું. જ્યાં વડોદરામાં ઠેર-ઠેર ખુલ્લી ડ્રેનેજ, ડ્રેનેજ પર ફિટ કરેલી લોખંડની ઝાળી કટાયેલી સ્થિતિમાં જોવા મળી. તો સુરતમાં બનેલી ઘટના બાદ પણ અન્ય ગટરોમાં ઢાંકણા લગાવવાની કોઈ કામગીરી કરવામાં આવી રહી નથી. અમદાવાદમાં પણ ખુલ્લી ડ્રેનેજ, રસ્તા પર પાલિકા દ્વારા ખોદેલા ખાડા અને અકસ્માત રોકવા કોઈપણ જાતના બેરિકેડિંગ નહીં જ તંત્રની બેદરકારી દર્શાવી રહી છે. અમદાવાદ
ખુલ્લી ડ્રેનેજ લાઈનો અને બેરિકેડિંગ વગર કામગીરી
સુરતમાં અંધેરનગરી ગંડુ રાજા જેવી પરિસ્થિતિ છે તેવી જ પરિસ્થિતિ અમદાવાદમાં પણ જોવા મળી રહી છે. અમદાવાદમાં પણ ખુલ્લી ડ્રેનેજ લાઈનો અને બેરિકેડિંગ વગર કરવામાં આવતી કામગીરીના કારણે લોકો ખાડામાં પડે છે અને તેમના જીવને જોખમ ઊભું થાય છે. નિકોલ વિસ્તારમાં ડ્રેનેજ લાઈનની કામગીરી ચાલી રહી છે. એમાં કોઈપણ બેરીકેટિંગ કર્યા વગર ડ્રેનેજ લાઈન ખોદી નાખવામાં આવી છે. જેના ખાડામાં બેથી ત્રણ વ્યક્તિઓ પડ્યા હતા અને તેઓને ઇજા થઈ હતી. માંડ માંડ તેઓના જીવ બચ્યા છે. એક બળદ પણ ખાડામાં પડી જતા તેને ક્રેન વડે બહાર કાઢવો પડ્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશનના ડ્રેનેજ અને રોડ વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા છે. ઉબડખાબડ રસ્તો અને ખુલ્લી ગટરમાં પડી જવાનો ભય
નિકોલ ગામ પાસે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા ડ્રેનેજ લાઈનની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં નિકોલ ગામથી લઈને 200 મીટરનો રોડ ખોદી નાખવામાં આવ્યો છે. તૂટેલી ફૂટપાથની બાજુમાં જ ખાડો ખોદવામાં આવ્યો છે જે આખો ગંદા પાણીથી ભરેલો છે. અવરજવરનો કોઈ રસ્તો ન હોવાથી તૂટેલી ફૂટપાથ ઉપરથી સ્કૂલે જતા નાના બાળકો, મહિલાઓ અને વૃદ્ધો પસાર થાય છે. કામગીરી દરમિયાન ક્યાંય પણ બેરીકેટિંગ કરવામાં આવેલું નથી. ખાડાની બાજુમાંથી જ ફૂટપાથ ઉપરથી નાના બાળકો પસાર થાય છે, લોકો સાયકલો લઈને ત્યાંથી ચાલે છે. ઉબડખાબડ રસ્તો અને ખુલ્લી ગટરમાં કોઈપણ વ્યક્તિ પડી જાય તેવી સ્થિતિ જોવા મળી હતી. પાંચ દિવસ પહેલા એક વ્યક્તિ ખાડામાં પડ્યો હતો
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ નિકોલ ગામમાં જવા માટેનો આ એક જ રસ્તો છે. પાંચ દિવસ પહેલા એક વ્યક્તિ રાત્રિના સમયે ત્યાંથી પસાર થતો હતો. તે દરમિયાન ડ્રેનેજ લાઈનના ખોદેલા ખાડામાં પડ્યો હતો. જેના કારણે તેને માથાના ભાગે અને ખભાના ભાગે ઈજા થઈ હતી. તાત્કાલિક યુવકને સ્થાનિક લોકોએ બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. બે દિવસ પહેલા પણ એક યુવક ચાલતો જતો હતો ત્યારે રાત્રે તેને અંધારામાં ખાડો ના દેખાતા તેમાં પડ્યો હતો. નિકોલ ગામના દરવાજાની પાસે જ ખોદેલા ઊંડા ખાડામાં એક બળદ પણ પડ્યો હતો અને સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા. તાત્કાલિક કોન્ટ્રાક્ટરને જાણ કરી હતી જેથી તેણે ક્રેન મંગાવી અને ક્રેન વડે તેને બહાર કાઢવો પડ્યો હતો. નાગરિકોને અવરજવરમાં ખૂબ જ તકલીફ
નિકોલ વિસ્તારના સ્થાનિક રહેવાસી વિષ્ણુભાઈ પંચાલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા એક મહિનાથી આ કામગીરી ચાલી રહી છે. જેના કારણે નાગરિકોને અવરજવરમાં ખૂબ જ તકલીફ પડી રહી છે. સ્કૂલે જતા બાળકો મહિલાઓ વૃદ્ધો અને લોકો અહીંયાથી પસાર થાય છે, ગમે ત્યારે અંદર પડી જવાનો ભય રહે છે. ખોદવાની કામગીરી દરમિયાન કોઈપણ બેરિકેડ કે સિક્યુરિટી રાખવામાં આવી નથી જેના કારણે કોઈપણ વ્યક્તિ અંદર પડે તેવી ઘટના બને છે. નરોડા વિસ્તારમાં પણ પાલિકાની કામગીરી સામે રોષ
નરોડા વિસ્તારમાં પણ દિવ્ય ભાસ્કરે જ્યારે રિયાલિટી ચેક કર્યું હતું. ત્યારે નરોડા શેલબી હોસ્પિટલ ચાર રસ્તાથી હંસપુરા તરફ જવાના રોડ ઉપર રોડ પહોળો કરવાની કામગીરી કરવામાં આવી છે તેમાં રોડ ખોદી નાખવામાં આવ્યો છે. નરોડા શેલ્બી ચાર રસ્તા પાસે આવેલા લક્ષ્મી વિલા 2 ફ્લેટની બહારના ભાગે રોડ ખોદી નાખવામાં આવેલો છે જેના કારણે તેના સ્થાનિક લોકોને પણ અવરજવરમાં ખૂબ જ તકલીફ પડી રહી છે. લાઈટો રાત્રે બંધ હોય છે અને ત્યાંથી કેટલાય લોકો વાહન લઈને અને ચાલીને નીકળે છે ત્યારે પડી જવાનો ભય રહે છે. 100 મીટરથી વધારે રોડ ખોદી નાખવામાં આવ્યો છે. બેરિકેડિંગ પણ યોગ્ય કરવામાં આવ્યું નથી અને બંને વચ્ચે ખૂબ જ અંતર રાખવામાં આવ્યું છે. રાત્રે સંપૂર્ણ અંધારુ થઈ જતાં પડી જવાની બીક રહે છે
નરોડા વિસ્તારમાં રહેતા નિલેશભાઈ પટેલ નામના સ્થાનિકે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મહિનાથી રોડ ખોદી નાખ્યો છે. જેના કારણે અવર-જવરમાં ખૂબ જ તકલીફ પડી રહી છે. ખોદેલા ખાડામાં કેટલાય લોકો પડે છે. સિનિયર સિટીઝનોને પણ અવર-જવરમાં ખૂબ જ તકલીફ પડે છે. રાત્રે સંપૂર્ણપણે અંધારું હોય છે. જે બાજુ ખાડા ખોદયા છે ત્યાં તો લાઈટો બંધ જ છે તો સામેના ભાગે પણ ચાર પાંચ દિવસથી લાઈટ બંધ હોવાથી ખૂબ જ અંધારા જેવી પરિસ્થિતિ હોવાથી કેટલાય લોકો પડે છે. જે વાહનચાલકો ટર્નિંગ લે છે ત્યારે પડતાં હોય છે. ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલ સાથે વાતચીત
છેલ્લા 18 વર્ષથી અને સૌથી સિનિયર ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલની દસક્રોઈ વિધાનસભામાં નિકોલ વોર્ડનો સમાવેશ થાય છે. નિકોલ વોર્ડમાં સિનિયર ધારાસભ્ય અને વર્ષોથી ભાજપમાં હોવા છતાં પણ તેમના જ વિસ્તારમાં અનેક સમસ્યાઓ જોવા મળી છે. દિવ્ય ભાસ્કરે ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેઓ કાર્યક્રમમાં વ્યસ્ત હતા. જ્યારે નિકોલ વોર્ડના ભાજપના કોર્પોરેટર અને મટીરીયલ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન બળદેવભાઈ પટેલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું, કે નિકોલ ગામમાં ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા ડ્રેનેજ લાઈનની કામગીરી કરવામાં આવી રહી છે. લોકોને અવર-જવરમાં તકલીફ પડી રહી છે જેમાં ઝડપથી કામગીરી પૂર્ણ કરવા માટે અધિકારીઓને સૂચના આપી છે. જોકે કામગીરી દરમિયાન ક્યાં યોગ્ય બેરીકેટિંગ નથી કરવામાં આવ્યા તેને લઈને મેં આ બાબતે ધ્યાન દોરી અને અધિકારીને સૂચના આપી દીધી છે. ‘ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે’
પૂર્વ ઝોનના ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગના એડિશનલ સીટી ઇજનેર પટેલ હર્ષાબેને દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, નિકોલ ગામ પાસે મેઇન રાઈઝીંગ લાઈન નાખવાની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા નાની યુટીલીટી તૂટી ગઈ હતી, જેને રિપેરિંગ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. પૂર્વ ઝોન દ્વારા અત્યારે હાલ કામગીરી કરવામાં આવી રહી છે અને ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. મેઈન રાઈઝીંગ લાઈન નાખતી વખતે કોન્ટ્રાક્ટર દ્વારા યુટીલીટીની લાઈનો તોડી નાખવામાં આવી હતી જેના કારણે હાલ યુટીલીટીની કામગીરી ચાલુ છે. સુરત
કેદારની મોતના બીજા દિવસે પણ ખુલ્લી ગટરો
સુરતમાં તાજેતરમાં એક માસૂમ બાળકે ગટર વિભાગની બેદરકારીનો ભોગ લીધો, પરંતુ મહાનગરપાલિકા હજુ સુધી કોઈ સબક લેતી નથી. વરિયાવમાં બે વર્ષીય કેદાર વેગડાનું મોત પણ પાલિકા માટે એક ચેતવણીરૂપ સાબિત થયું નથી. આજે પણ શહેરના અનેક વિસ્તારોમાં ખુલ્લી ગટરો, તૂટેલા ઢાંકણ અને ખોદકામના ખાડાઓ અજંપાજનક હાલતમાં છે, જે મોટું જોખમ ઊભું કરી રહ્યાં છે. કેદાર સાથે થયેલી ઘટના બાદ પણ સુરત તંત્ર સુધરતું નથી, રિંગ રોડ વિસ્તારમાં ખુલ્લી ગટર અને તેની ઉપર પ્લાસ્ટિકનું નાનું બેરિકેટ મૂકી તંત્રએ જાણે જવાબદારી પરથી હાથ ઊંચકી લીધા છે. શહેરમાં ખુલ્લી ગટરોનું જોખમ
સુરતના સૌથી વ્યસ્ત માર્ગો પૈકી એક, રિંગ રોડ પર ગટરનું ઢાંકણ તૂટેલું છે. વાહનચાલકો માટે ખતરનાક પરિસ્થિતિ છે. આ વિસ્તારમાં 100 કાપડ માર્કેટ આવેલી છે. રોજે લાખો લોકો હજારો વાહનો સાથે અવર જવર કરે છે. એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ પાસે મેઈન રોડની વચ્ચે જ 15 ફૂટથી વધુ ઊંડાણવાળી ગટર ખુલ્લી હાલતમાં છે. સચિન અને ડિંડોલી વિસ્તારમાં છેલ્લા ચાર મહિનામાં ખુલ્લા ગટરો અને અનિયમિત ખોદકામના કારણે અકસ્માતો થઈ ચૂક્યા છે. ખુલ્લા ગટરો: એક મોત પછી પણ તંત્ર ઊંઘમાં
કેદાર વેગડાનું દુઃખદ અવસાન 6 ફેબ્રુઆરીએ થયું, જ્યારે તે ખુલ્લા ગટરમાં પડીને 24 કલાક સુધી ફસાઈ રહ્યો. ગટરના કાદવ અને ગંદા પાણીમાં તેનો શવ કિલોમીટરો દૂર પમ્પિંગ સ્ટેશનમાંથી મળ્યો. આ ઘટનાને 24 કલાક પણ નથી થયા ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં હજુ પણ ખુલ્લી ગટરો જોખમ ઊભું કરી રહ્યાં છે. દરરોજ 15-20 ફરિયાદો છતાં કોઈ કાર્યવાહી કેમ નહીં?
સુરત મહાનગરપાલિકા (SMC)ને દરરોજ ખોલી રહેલા ગટરો અને તૂટેલા ઢાંકણોને લઈને 15-20 ફરિયાદો મળે છે. શહેરવાસીઓ વારંવાર ધ્યાને લાવે છે કે, આ સમસ્યાઓ અકસ્માત અને જીવલેણ ઘટનાને આમંત્રણ આપે છે. છતાં, તંત્ર દ્વારા આ ફરિયાદો માત્ર કાગળોમાં જ નોંધાઈ રહી છે. તેના નિરાકરણ માટે કોઈ તાત્કાલિક પગલાં લેવામાં આવતા નથી. વડોદરા
પાલિકાના ચેરમેનના વિસ્તારમાં જ ખુલ્લી ડ્રેનેજ
વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેનના પૂર્વ વિસ્તારમાં જ પોલમપોલ સામે આવી છે. સુરતની ઘટના બાદ વડોદરામાં આવી કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે તંત્રની આંખો ઉઘાડે તે માટે દિવ્ય ભાસ્કરે રિયાલિટી ચેક કર્યું હતું. ત્યારે વડોદરાના સરદાર એસ્ટેટથી લઈ વૃંદાવન સુધી વીઆઈપી રોડ, વારસિયા રોડ સહિતના વિસ્તારમાં આ સ્થિતિ જોવા મળી છે. સવાલ થાય છે કે તંત્ર આવી ઘટનાની રાહ જોઈ રહી છે? શું અહીંથી કોઈ અધિકારી કે પદાધિકારી પસાર નહીં થતો હોય? કોન્ટ્રાક્ટરોની ખોદકામ બાદ તે કામગીરી પૂર્ણ કરવાની જવાબદારી સમયમર્યાદામાં શા માટે નક્કી કરવામાં આવતી નથી? ઠેકઠેકાણે ખાડા ખોદી બેરિકેડિંગ પણ ન જોવા મળ્યું
ડ્રેનેજના ઢાંકણ સાથે શહેરના વિવિધ માર્ગો પર ખાનગી કંપનીઓ અને કોર્પોરેશન દ્વારા પાણીના પ્રેશર, ડ્રેનેજ કામગીરી સાથે અન્ય કામગીરી માટે ખોદેલા ખાડા સમયસર સમારકામ બાદ શા માટે પૂરવામાં આવતા નથી?, કેટલીક જગ્યાએ તો બેરિકેડિંગ પણ જોવા નથી મળ્યું. ત્યારે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ અને સત્તાધીશોની આંખો ક્યારે ઊઘડે તે સૌથી મોટો સવાલ છે. અહીંયાં ન માત્ર ડ્રેનેજ પરંતુ ઠેકઠેકાણે આંતરિક રસ્તાની સ્થિતિ પણ ખૂબ ખરાબ છે. 1500 જેટલાં મકાનો છે છતાં કોઈપણ જાતની સુરક્ષા નથી
એક રાહદારી દક્ષેશ દરજી સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, આ જુઓ કેટલો મોટો ખાડો ડ્રેનેજના ખુલ્લા ઢાંકણાના કારણે દેખાઇ રહ્યો છે. બે વર્ષનું બાળક સુરતમાં મૃત્યુ પામ્યું તે માત્ર પ્રશાસનની ભૂલના કારણે થયું છે એ સ્થિતિ વડોદરામાં પણ છે. અમે અહીંયાંથી જઈએ છીયે, આવીએ છીએ ત્યારે અમારી જાનને પણ ખતરો છે. પ્રશાસન ના તો બેરિકેડ મૂકે છે ના તો ઢાંકણ મૂકે છે. ડભોઈ દશાલાડ ભવનથી એકતાનગર તરફનો આખો રોડ ખોદી નાખ્યો છે. અહીંયાં 1500 જેટલાં મકાનો છે છતાં કોઈપણ જાતની સુરક્ષા નથી. ‘અહીં ત્રણ બાય ત્રણનો ખાડો છે’
અન્ય એક રાહદારી આર.સી.પટેલ અહીંયાંથી પસાર થતા હતા. તેઓએ જણાવ્યું હતું કે, અમે ગામડેથી મારા દીકરાને ત્યાં આવીએ છીએ. આ ઢાંકણ ખુલ્લું છે. અહીંયાં ત્રણ બાય ત્રણનો ખાડો છે. હજુ ચોમાસું ગયે બે મહિના પણ થયા નથી. ડ્રેનેજ ખુલ્લી હશે એ સંબંધિત અધિકારીને જાણ કરાશે
વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ડો.શીતલ મિસ્ત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, આ અંગેની સૂચનાઓ અમે આપી છે. જ્યાં પણ ડ્રેનેજ ખુલ્લી હશે તે સંબંધિત અધિકારીને જાણ કરી છે. નાગરિકો કમ્પ્લેન તો કરે છે, પણ નિવેડો આવતો નથી
આ અંગે વડોદરાના નાગરિકો પાલિકામાં હેલ્પલાઈન અને ઓનલાઈન કમ્પ્લેન કરે છે. તે કમ્પ્લેન પર નજર કરી તો અંદાજિત એક મહિનામાં વડોદરામાં નાગરિકોએ જ્યાં અસુવિધાઓ થાય તેવી 9 હજારથી વધુ કમ્પ્લેન કરી છે. જેમાં ડ્રેનેજ, રોડ રસ્તા, સ્ટ્રીટલાઈટ, ડિવાઈડર, પાણી સહિત તમામ અંગે નાગરિકો પોતાની વાત કરતા હોય છે, પરંતુ પગાર લેતા અધિકારીઓ આ કમ્પ્લેન જોઈ સોલ્યુશન લાવે છે કે કેમ તેના પર અનેક સવાલો થઈ રહ્યા છે? કારણ કે આ અંગે નાગરિકો કમ્પ્લેન તો કરે છે પરંતુ તેનો કોઈ નિવેડો આવતો નથી. જે ભાસ્કર રિયાલિટી ચેકમાં સામે આવ્યું છે. રાજકોટ
જાણો પાલિકામાં છેલ્લા છ મહિનામાં કેટલી ફરિયાદો મળી
રાજકોટ મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સમીર ધડુક એ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા 6 મહિનામાં ડ્રેનેજની ચોકપ અને ઓવરફ્લોની કુલ 1.17 લાખ ફરિયાદ મળી જેમાંથી 1.16 લાખ ફરિયાદનો નિકાલ કરી દેવામાં આવ્યો છે. જ્યારે હજુ 964 ફરિયાદ સોલ્વ કરવાની બાકી છે. આ જ રીતે ડ્રેનેજ મેન્ટેનન્સની કુલ 8543 ફરિયાદો મળી હતી, જે પૈકી 8396 ફરિયાદનો નિકાલ કરી દેવામાં આવ્યો છે, જ્યારે 147 ફરિયાદ નિકાલ માટે કામગીરી ચાલુ છે. આ પૈકી છેલ્લા છ મહિનાની અંદર ડ્રેનેજ મેનહોલ એટલે કે ગટરના ઢાંકણા અંગે મનપાને કુલ 2673 જેટલી ફરિયાદો મળી હતી. જેમાંથી 2638 ફરિયાદનો નિકાલ કરી દેવામાં આવ્યા છે અને બાકીની 35 ફરિયાદ કામગીરી ચાલુમાં છે.