દેશના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જિતેન્દ્ર સિંહે પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યૂમાં જાહેરાત કરી દીધી કે, ચંદ્રયાન-4 લોન્ચ કરવાની તૈયારી ઓલમોસ્ટ પૂરી થઈ ગઈ છે અને 2027માં તેને લોન્ચ કરવામાં આવશે. ચંદ્ર પરની રેતીના નમૂના પૃથ્વી પર લાવવામાં આવશે.
આ તો થયા સમાચાર. પણ આમાં બે વાત રસપ્રદ છે. પહેલી વાત એ જાણવા જેવી છે કે, ચંદ્ર પર માણસ નહીં જાય છતાં રેતીના નમૂના ભારતની ધરતી પર આવશે. બીજી રસપ્રદ વાત એ છે કે, ચંદ્રની રેતીના નમૂના અભ્યાસ માટે અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL)માં લાવવામાં આવશે. સવાલ એ છે કે, ચંદ્ર પર માણસ ગયા વગર રેતીના નમૂના કેવી રીતે લાવવામાં આવશે? આ જાણવા અમે PRLના ડાયરેક્ટર ડો. અનિલ ભારદ્વાજ સાથે વાતચીત કરી. તેમણે આખી પ્રોસેસ સમજાવી કે, બે યાન ચંદ્ર પર જશે અને કેવી રીતે ચંદ્ર પરના નમૂના પૃથ્વી પર લાવશે. શિવશક્તિ પોઈન્ટ આસપાસ જ ચંદ્રયાન-4 ઉતરશે : ડો. અનિલ ભારદ્વાજ
ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL)ના ડાયરેક્ટર ડો. અનિલ ભારદ્વાજે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું કે, 70ના દાયકામાં ચંદ્ર પર માનવ ઉતર્યો હતો અને ત્યારે ચંદ્રની માટીના સેમ્પલ લીધા હતા. તેમાંથી નાસાએ કેટલાક સેમ્પલ ભારતને આપ્યા હતા જે અમદાવાદની PRLમાં આવ્યા હતા. તે સેમ્પલનો સ્ટડી અમે કર્યો છે. એવી રીતે રશિયન મિશન લુના ગયું હતું. તે પણ ચંદ્રની માટીના સેમ્પલ લઈને આવ્યું હતું અને એ સેમ્પલ પણ PRLને આપવામાં આવ્યું હતું. PRL એ જમાનામાં પણ વિશ્વ માટે મહત્વની લેબોરેટરી હતી.
અત્યારે આપણું ચંદ્રયાન-4 મિશન છે તેનો ઉદ્દેશ એ છે કે આપણે ચંદ્ર પર જઈને સેના સેમ્પલ્સ લઈને આવીએ. અમારો એ પ્રયાસ છે કે, ચંદ્રયાન-4 પણ શિવશક્તિ પોઈન્ટ કે તેની આસપાસ જ ઉતરે અને ત્યાંથી માટી લઈ આવે. આ કોમ્પલેક્સ મિશન છે. કારણ કે આમાં લગભગ પાંચ સબસિસ્ટમ્સ યુઝ થવાની છે. કારણ કે ત્યાં આપણે માત્ર લેન્ડ નથી કરવાનું. લેન્ડ કરીને નમૂના લેવાના છે. તેને સારી રીતે સ્ટોર કરવાનાં છે, તેને સારી રીતે સીલ કરવાના છે. યાન પહેલાં ઉપર ઊડશે. પછી મૂનની ઓરબિટમાં આવશે. ઓરબિટમાં જે બીજું યાન ફરી રહ્યું હશે તેમાં તે સેમ્પલ મૂકશે. પછી તેનું કામ પૂરું થઈ ગયું એટલે તે મૂન પર ફરી લેન્ડ થઈને બેસી જશે પણ જેમાં સેમ્પલ છે તે યાન પૃથ્વી પર પાછું આવશે. પૃથ્વીના વાતાવરણમાં આવશે અને પછી પૃથ્વી પર લેન્ડ કરશે. આ એક રીતે કોમ્પ્લીકેટેડ મિશન છે એટલે તેમાં ઘણાબધા પાર્ટ્સ અને મોડ્યુલ લાગેલાં છે. બે ડિફરન્ટ લોન્ચ વ્હીકલથી બે ડિફરન્ટ મોડ્યુલ મોકલવામાં આવશે. તેના બે ડિફરન્ટ લોન્ચ હશે. દરેક જગ્યાએ ડોકિંગ પ્રોસેસ થશે. મશીન જ એકબીજાની મદદ કરીને કામ કરશે. ચંદ્રની ધરતી પર દસ 10 સેન્ટીમીટરે તાપમાન ફરે છે
ચંદ્ર પર 10 સેન્ટીમીટરમાં જ લગભગ 50 ડિગ્રીનો ફેર આવી રહ્યો છે. ચંદ્રમાની સપાટી નોનકન્ડક્ટિંગ છે. 10 સે.મી.માં ય તાપમાન ફરી જાય છે. ચંદ્રયાન-3 ગયું ત્યારે તેમાં પ્રજ્ઞાન રોવરમાં આઠ સેન્ટીમીટરની દૂરી પર એક હીટર લાગેલું હતું. તે ઓન કરીને PRL એ જાણ્યું કે, તાપમાનમાં વેરિએશન બહુ છે. પહેલા દસ સેન્ટીમીટરનું માપન ભારતના ચંદ્રયાન-3એ પહેલીવાર કર્યું. અગાઉના યાને 1થી 3 મીટર ડ્રીલથી ખોદીને માપ્યું હતું. સધર્ન પોલર રિજિયનમાં યાન જ પહેલીવાર ગયું એટલે આ વિસ્તારનું જ તાપમાન પહેલીવાર જ સામે આવ્યું.
ચાંદની માટી, સોઈલ માટે સ્પેસ સાયન્સમાં રેગોલિથ શબ્દ છે. તેનું તાપમાન કેટલું ફરેફાર થાય છે તે જાણવાનો ઉદ્દેશ એ છે કે ભવિષ્યમાં ચંદ્ર પર માનવ વસવાટની વાત છે તો મકાન બનાવવા હોય તો કેવાં બનાવવા. એવા બનાવવા પડે તેમાં મકાનની હીટ બહાર ન જાય અને બહારની ઠંડી ઘરમાં ન પ્રવેશે. ચંદ્ર પરના નમૂનાઓ પરથી જાણવા મળ્યું કે અહીં મેગ્નેશિયમ વધારે છે. મેગ્નેશિયમ મૂનની અંદર ધીમે ધીમે બેસે છે. શિવશક્તિ પોઈન્ટ છે ત્યાં એક ક્રેટર (ખાડો) છે તેને સાયન્ટિસ્ટ સાઉથ પોલ હથિયન બેઝીન તરીકે ઓળખે છે. આ ક્રેટર આખી સોલાર સિસ્ટમમાં સૌથી મોટો ક્રેટર છે. આ ક્રેટર જ્યારે બન્યો હશે ત્યારે ત્યાંનું મટીરિયલ આસપાસના વિસ્તારમાં ફેલાયું હશે. PRLનું અનુમાન છે કે, જે મટીરિયલ ક્રેટર બન્યા પછી ફેલાયું તે મેગ્નેશિયમ આપણને જોવા મળે છે. આના પર રિસર્ચ પેપર લખાયું તેને ઈન્ટરનેશનલ સર્વોત્તમ જર્નલ નેચર દ્વારા એક્સેપ્ટ કરવામાં આવ્યું હતું. અમદાવાદની PRLમાં સચવાયેલા છે ચંદ્રના કાંકરા અને રેતી
1969થી 1972 વચ્ચે ચંદ્ર પર એપોલો યાન ગયું હતું. એપોલો મિશનમાં માણસો ચંદ્ર પર ગયા હતા. એપોલો મિશન છ વાર થયું હતું. દરેક વખતે બબ્બે માણસો ગયા હતા અને રેગોલિથ નામની ચીકણી, સહેજ કરકરી એવી માટી ખાસ પ્રકારના પાવડાથી ભેગી કરી હતી. ચંદ્રની સપાટી પરના અલગ અલગ છ સ્થળેથી 2200 જેટલા નમૂના એટલે કે 382 કિલો સામગ્રી અલગ અલગ તબક્કે લાવ્યા હતા. 1970થી 1976ની વચ્ચે સોવિયેત યુનિયનનું રોબોટિક મિશન લુના પણ ચંદ્ર માટે હતું. આ મિશન દરમિયાન પણ 320 ગ્રામ જેટલા નમૂના પૃથ્વી પર લાવવામાં આવ્યા હતા. તેમાં નાના પથ્થર, માટી, રેતી પણ હતા. એપોલો મિશન દરમિયાન જે નાના કાંકરા, રેતી લાવવામાં આવ્યા હતા એ પણ અમદાવાદની PRL લેબમાં ખાસ પ્રોસેસથી સચવાયેલા છે. ચંદ્ર પર કાળાં ધાબાં દેખાય છે તે શું છે?
મૂન માટે મનાય છે કે, લાખો વર્ષો પહેલાં એક મોટો ગ્રહ પૃથ્વી સાથે અથડાયો તેમાંથી એક ભાગ છુટો પડ્યો તે ચંદ્ર છે. પણ મૂન એ પૃથ્વીનો રેપ્લિકા છે એવું નથી. ચંદ્ર જ્યારે બન્યો હશે ત્યારે ઓશન મેગ્મા જેવો રહ્યો હશે. ચંદ્ર પર બે પ્રકારના એરિયા છે. એક હાઈલેન્ડ છે બીજો મારેઝ છે. હાઈલેન્ડ છે તે ચંદ્રની સપાટીથી ઉપર છે. એટલે નાના પહાડ માની લઈએ. ચંદ્રમાં આપણને કાળા ધાબાં દેખાય છે તે એરિયા મારેઝ છે. ત્યાંનું ઓબ્ઝર્વેશન થયું છે તેના દ્વારા ખબર પડી કે, એ વર્ષોથી એમનેમ છે. ચંદ્રયાન-1 પહેલું મિશન હતું તેણે ત્યાં પાણીની ખોજ કરી. બીજું એ છે કે ચંદ્ર પર વાતાવરણ નથી. ગ્રેવિટી નથી. તેના કારણે ચંદ્ર પર અલગ પ્રકારની પ્રોસેસ થયા કરે છે. 2027માં ચંદ્રયાન-4 મિશન દરમિયાન જે નમૂના આપણને મળશે તેમાં પણ પહેલાંના નમૂના કરતાં અલગ તત્વો મળી શકે. સાયન્સની દુનિયામાં શું ફરક આવશે?
ડૉ.અનિલ ભારદ્વાજે મૂન મિશન બાબતે ત્રણ સંભાવના દર્શાવી છે.
1) ચંદ્ર અત્યારે આકર્ષણનું કેન્દ્ર છે. દરેક દેશ ચંદ્ર પર જવા માગે છે. છેલ્લા એક વર્ષમાં લગભગ 5-6 મૂન મિશન થયા છે. એમાંથી કેટલાક તો પ્રાઇવેટ પ્લેયર છે. ચંદ્ર કેવી રીતે બન્યો, ત્યાં શું છે? ત્યાં વ્યક્તિ રહી શકે છે કેમ? શું ત્યાંથી કોઈ પદાર્થ પૃથ્વી પર લાઈવ શકીએ છીએ? એની ઈકોનોમિક વેલ્યૂ, સાયન્ટિફિક વેલ્યૂ, કોમર્શિયલ વેલ્યૂ, ટૂરિઝમ વેલ્યૂ કેટલી હોય. આવી બધી સંભાવનાઓના દરવાજા ખૂલ્યા છે. 2) ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક છે. ત્યાં અઠવાડિયામાં લેન્ડ કરી શકો અને પાછા પણ આવી શકો. એક અઠવાડિયા કે 10 દિવસ માટે કોઈ ટૂરિસ્ટ પ્લેસ પર જવા જેવુ છે. બીજા બધા ગ્રહો-ઉપગ્રહોની સરખામણીમાં ચંદ્રને જાણવાની ઘણી બહોળી તક છે. મંગળ પર આવવા કે જવામાં જ એક વર્ષ લાગે. માણસે ત્યાં પહોંચવા સતત એક વર્ષ મુસાફરી કરવી પડે. 3) ચંદ્રને બેઝ બનાવીને બીજા ગ્રહ પર ઘણી ઝડપી જઈ શકાય. પૃથ્વી પર ચંદ્રની સરખામણીએ છ ગણી વધારે ગ્રેવિટી છે. એટલે જ મોટા રોકેટ બનાવવા પડે છે. જ્યારે ચંદ્ર પર નાના રોકેટથી પણ લોન્ચિંગ કરી શકાય. ચંદ્ર પર ગુરુત્વાકર્ષણ બળ ઓછું હોવાથી અન્ય મિશન માટે તેનો બેઝ તરીકે ઉપયોગ થઈ શકે છે. રશિયાના મૂન મિશનમાં શું થયું હતું?
પહેલું રશિયન લુનર રોવરનું નામ લુનોખોદ 1 હતું, જે 1970માં લોન્ચ કરવામાં આવ્યું હતું. તે 6 પૈડાવાળું રોવર હતું, જેણે 10 મહિના સુધી ચંદ્રની સપાટીનું સંશોધન કર્યું હતું. લુનોખોદ 1 રોવર અંદાજે 2.3 મીટર લાંબું અને 1.5 મીટર ઊંચું હતું. તેમાં આઠ સ્વતંત્ર સંચાલિત વ્હીલ્સ, કેમેરા, સ્પેક્ટ્રોમીટર અને સિસ્મોમીટર હતા. રોવરમાં લેસર રિફ્લેક્ટર પણ હતું, જેનો ઉપયોગ પૃથ્વી પરના વૈજ્ઞાનિકોએ પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર માપવા માટે કર્યો હતો. રશિયાના આ રોવરે લગભગ 3 મહિના એટલે કે 11 ચંદ્ર દિવસ સુધી કર્યું. આ પછી તે પછી ફંક્શનલ રહ્યું નહી. આ રોવરના અવશેષો હજુ પણ ચંદ્રની સપાટી પર છે. આ રોવરે કુલ 10.54 કિલોમીટરનું અંતર કાપ્યું અને ચંદ્રની સપાટી પરથી 20,000થી વધુ તસવીરો મોકલી હતી.
.