દેશના જાણીતા ઉદ્યોગપતિ અને અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણી અને દિવા શાહ લગ્નગ્રંથિથી જોડાઈ ગયા છે. પિતા ગૌતમ અદાણીએ લગ્નના ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. જીત અદાણીએ અમદાવાદના અદાણી શાંતિગ્રામ ટાઉનશીપ શાંતિગ્રામ ખાતે ગુજરાતી પરંપરાઓ અનુસાર હીરા ઉદ્યોગપતિ જૈમિન શાહની પુત્રી દિવા સાથે લગ્ન કર્યા. પરિવારના સૂત્રોના જણાવ્યા અનુસાર, લગ્ન એક સાદગીપૂર્ણ પ્રસંગ હતો, જેમાં સામાન્ય ધાર્મિક વિધિઓ અને ત્યારબાદ પરંપરાગત ગુજરાતી સમારોહ યોજાયો હતો જેમાં ફક્ત નજીકના સંબંધીઓ અને મિત્રો જ હાજર રહ્યા હતા. ગૌતમ અદાણીએ જીત અને દિવાને અભિનંદન આપ્યા
ગૌતમ અદાણીએ તેમના નાના પુત્રના લગ્નની તસવીરો શેર કરી અને સોશિયલ મીડિયા પર લખ્યું, સર્વશક્તિમાન ભગવાનના આશીર્વાદથી, જીત અને દિવા આજે લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા. આજે અમદાવાદમાં પરંપરાગત વિધિઓ અને પ્રિયજનો વચ્ચે શુભ મંગલ ભાવ સાથે લગ્ન યોજાયા. આ એક નાનો અને અત્યંત ખાનગી કાર્યક્રમ હતો, તેથી અમે ઈચ્છતા હોવા છતાં બધા શુભેચ્છકોને આમંત્રણ આપી શક્યા નહીં, જેના માટે હું માફી માગુ છું. હું મારી દીકરી દિવા અને જીત માટે તમારા બધા પાસેથી મારા હૃદયપૂર્વકના પ્રેમ અને આશીર્વાદની માગ કરું છું. સમાજ-સેવા માટે 10,000 કરોડનું દાન આપ્યું
મહાકુંભ મેળાની મુલાકાત દરમિયાન, ગૌતમ અદાણીએ કહ્યું હતું કે તેમના પુત્રના લગ્ન “સાદગી અને પરંપરાગત રીતે” થશે. ગૌતમ અદાણીએ લગ્ન ફક્ત સાદગીથી જ કર્યા નહીં પરંતુ સમાજ સેવા માટે 10,000 કરોડ રૂપિયાનું દાન પણ આપ્યું. તેમના પુત્રના લગ્ન પ્રસંગે, તેમણે સમાજના કલ્યાણ માટે આ અનોખી ભેટ આપી છે. તેમના દાનનો મોટો હિસ્સો આરોગ્ય, શિક્ષણ અને કૌશલ્ય વિકાસમાં માળખાગત વિકાસ પર ખર્ચવામાં આવશે. આ પહેલ સમાજના તમામ વર્ગોને ખાતરીપૂર્વક રોજગારક્ષમતા સાથે સસ્તા વિશ્વ-સ્તરીય હોસ્પિટલો, મેડિકલ કોલેજો, ઉચ્ચ-સ્તરીય K-12 શાળાઓ અને ગ્લોબલ સ્કીલ્સ એકેડેમીના નેટવર્કની ઍક્સેસ પ્રદાન કરશે. દિવ્યાંગોને આર્થિક સહાય પૂરી પાડવા માટે અનોખી પહેલ
લગ્નના બે દિવસ પહેલા જ ગૌતમ અદાણીએ અપંગ નવપરિણીત મહિલાઓને મદદ કરવા માટે ‘મંગલ સેવા’ કાર્યક્રમની જાહેરાત કરી. જીત અને દિવાએ ‘મંગલ સેવા’ નામની પહેલ હેઠળ દર વર્ષે 500 નવપરિણીત અપંગ મહિલાઓને 10-10 લાખ રૂપિયાની નાણાકીય સહાય આપવાનું વચન આપ્યું. આ પહેલ શરૂ કરવા માટે જીત અદાણીએ 21 નવપરિણીત વિકલાંગ મહિલાઓ અને તેમના પતિઓને મળ્યા. જે બાદ અદાણી ગ્રૂપના ચેરમેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની ખુશી વ્યક્ત કરી હતી. જીત અદાણી ગ્રૂપની મહત્વપૂર્ણ જવાબદારી સંભાળી રહ્યા છે
જૂન 2020માં, જીતે દેશની સૌથી મોટી એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની અદાણી ગ્રૂપની કંપની, અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સના ડિરેક્ટર પદની જવાબદારી સંભાળી. એરપોર્ટ બિઝનેસ ઉપરાંત, તેઓ અદાણી ગ્રૂપના સંરક્ષણ, પેટ્રોકેમિકલ્સ અને કોપર બિઝનેસનું પણ સંચાલન કરે છે. જીત અદાણી ગ્રૂપના ડિજિટલ પરિવર્તનનું પણ નેતૃત્વ કરી રહ્યા છે. જીત અદાણી પાસે યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના સ્કૂલ ઑફ એન્જિનિયરિંગ એન્ડ એપ્લાઇડ સાયન્સમાંથી સ્નાતકની ડિગ્રી છે. તેમની માતા ડૉ. પ્રીતિ અદાણીથી પ્રેરિત થઈને, જીતે સામાજિક સેવાના કાર્યમાં પણ ભાગ લીધો અને અપંગોને મદદ કરવા માગે છે. હકીકતમાં, જીતની માતાએ અદાણી ફાઉન્ડેશનને એક નાના ગ્રામીણ પ્રોજેક્ટમાંથી વૈશ્વિક સામાજિક પરિવર્તન સંગઠનમાં પરિવર્તિત કર્યું છે. જીત અદાણી અમદાવાદમાં રહે છે, જ્યાં અદાણી ગ્રૂપનું મુખ્ય મથક આવેલું છે. વર્ષ 2023માં, તેમણે અદાણી ગ્રુપના ગ્રીનએક્સ ટોક્સ શરૂ કર્યા, જ્યાં દિવ્યાંગજનો તેમની પ્રેરણાદાયી વાર્તાઓ વિશ્વ સમક્ષ રજૂ કરે છે.