થરાદ નગરપાલિકા વિસ્તારમાં 16 કલાકના ગાળામાં ચાર મોટી આગની ઘટનાઓએ થરાદ ફાયર બ્રિગેડને દોડતું કરી દીધું હતું. થરાદ નગરમાં પ્રથમ ઘટના નગરપાલિકાના ડમ્પિગ સાઇડમાં આગ લાગી હતી, જેમાં નગરપાલિકાના ફાયર ટીમ આગ પર કાબૂ મેળવ્યો હતો. બીજી ઘટનામાં થરાદમાં જ મોડીરાત્રે 11:15 કલાકે ડિસ્કવરી કમ્પ્યુટર અને ઇલેક્ટ્રિક શોરૂમમાં બની, જ્યાં ફાયર બ્રિગેડની ત્વરિત કાર્યવાહીથી 90 ટકા માલસામાન બચાવી લેવાયો હતો. બીજી ઘટના વહેલી સવારે 3:55 કલાકે ભારતમાળા બ્રિજ નીચે બિકાનેરથી મોરબી જતા માટી ભરેલા ટ્રેલરમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડે તાત્કાલિક પહોંચી પાછળના ટાયર સિવાયનો સમગ્ર ટ્રેલર અને માલસામાન બચાવી લીધો હતો. સૌથી ગંભીર ઘટના સવારે 4:34 કલાકે નવા બની રહેલા ફોરલેન હાઈવે પર બની, જ્યાં એક ટ્રેલર અને એડિબલ ઓઇલ ભરેલા ટેન્કરમાં આગ લાગી હતી. ઓઇલ રોડ પર ફેલાતા આગે 500 મીટર સુધીનો વિસ્તાર આવરી લીધો હતો. દોઢ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો, પરંતુ ટેન્કરનું કેબિન અને ટાયર બળીને ખાક થઇ ગયા હતા. આ ઘટનામાં ડ્રાઇવર 30 ટકા દાઝી જતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. થરાદ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમે મિની ફાયર ટેન્ડર અને વૉટર બ્રાઉઝર સાથે તમામ ઘટનાઓમાં ત્વરિત કાર્યવાહી કરી મોટી જાનહાનિ થતી અટકાવી હતી.
થરાદ ફાયર ઓફિસર વિરમજી રાઠોડે જણાવ્યું હતું કે, સોળ કલાક અમારી ફાયર ટીમ દોડતી રહી હતી. જેમાં અલગ-અલગ જગ્યાએ આગના બનાવો બન્યાં હતાં. જેમાં આખી રાત ફાયર ટીમ દોડતી રહી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.