પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલે પાટીદાર આંદોલન સંબંધિત કેસો પરત ખેંચવાના મુદ્દે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે સરકારે કેસો પરત ખેંચવાની જાહેરાત 2015માં કરી હતી, પરંતુ તે સમયે જ આ કાર્યવાહી થવી જોઈતી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે પાટીદાર આંદોલનને હવે 10 વર્ષ પૂરા થવા આવ્યા છે. આ સમયગાળા દરમિયાન મોટાભાગના કેસો પૂરા થઈ ગયા છે અને ઘણા પાટીદારો નિર્દોષ છૂટી ગયા છે. પાટણમાં જ ત્રણ કેસોમાં 60થી 70 આરોપીઓ નિર્દોષ સાબિત થયા છે. કિરીટભાઈએ સરકાર પાસે માહિતીની પારદર્શિતાની માંગ કરી છે. તેમના મતે, સરકારના મંત્રીઓએ સ્પષ્ટ જાહેરાત કરવી જોઈએ કે દરેક જિલ્લામાં કેટલા કેસ હતા, કેટલા પૂરા થયા અને કેટલા કેસ પરત ખેંચવામાં આવ્યા છે. પાટીદાર આંદોલન દરમિયાન કેસો પરત ખેંચવા, શહીદ થયેલા લોકોના પરિવારને 35 લાખનું વળતર આપવું અને તેમના પરિવારના એક સભ્યને સહકારી સંસ્થાઓમાં નોકરી આપવી તેવી માગણી કરી હતી પરંતુ સરકારે હજુ સુધી પૂરી કરી નથી તેમણે આક્ષેપ કર્યો કે સરકારે આ ત્રણેય વચનોમાંથી એક પણ પૂરું કર્યું નથી. અંતમાં, તેમણે દિનેશ બાભણીયા અને હાર્દિક પટેલના ટ્વીટ અંગે સરકાર પાસેથી સ્પષ્ટતા માંગી છે અને કહ્યું કે સરકારે આ બાબતે કોઈ સત્તાવાર જાહેરાત ન કરી હોવાથી તેની પ્રામાણિકતા સ્પષ્ટ થવી જોઈએ.