મોચીબજાર ખાડામાં ચાલતા ગેરકાયદે કતલખાનાનો ગૌપ્રેમીએ ભાંડાફોડ કર્યો હતો, કતલખાનાનો સંચાલક ફારૂક મુસાણી ભાજપનો કાર્યકર હોવાથી ગુનો નોંધવામાં પોલીસને શરમ આવતી હતી, ગુરૂવારે રાત્રે ગુનો નોંધાયા બાદ અંતે ફારૂક સહિત બેની ધરપકડ કરવામાંઆવી હતી. મોરબી રોડ વિસ્તારમાં રહેતા જીવદયાપ્રેમી ભાવિન પટેલે તા.17 જાન્યુઆરીના એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી અને તેમાં જણાવ્યું હતું કે, આઇપી મિશન સ્કૂલ પાછળ મોચીબજાર ખાડામાં આવેલા બે માળના મકાનમાં ગેરકાયદે કતલખાનું ચાલે છે અને ત્યાંથી ગૌમાંસનું વેચાણ થાય છે, પોલીસે આ અરજીના આધારે છેક તા.30 જાન્યુઆરીના રોજ ઉપરોક્ત સ્થળે દરોડો પાડ્યો હતો, પોલીસ પહોંચી ત્યારે મકાનમાં મૃત પશુનું ચામડું ઊંધુ પડ્યું હતું, અને માંસના છુટાછવાયા ટુકડા પડ્યા હતા, કાળા કલરના શિંગડાવાળું માથું પણ મળ્યું હતું અને માંસ કાપવાના છરા પણ કબજે થયા હતા. પોલીસે સ્થળ પરથી કબજે કરેલા માંસમાંથી બે ડબ્બીમાં 50-50 ગ્રામ માંસના સેમ્પલ લઇને એફએસઅેલમાં મોકલ્યા હતા. સેમ્પલનું માંસ ગૌમાંસ હોવાનો ગત તા.3ના એફએસએલ રિપોર્ટ આવ્યો હતો, એફએસએલ રિપોર્ટ પરથી સ્પષ્ટ થઇ ગયુ હતું કે, ફારૂક મુસાણી પોતાના કબજાના મકાનમાં ગેરકાયદે ગૌવંશની કતલ કરી તેના માંસનું વેચાણ કરતો હતો, ફારૂક મુસાણી ભાજપનો કાર્યકર હોવાથી પોલીસે ત્રણ ત્રણ દિવસ સુધી ગુનો નોંધ્યો નહોતો, અંતે પોલીસે તા.6ની રાત્રીના ગુનો નોંધી ફારૂક મુસાણી અને તેના કતલખાનામાં ગૌવંશને કાપવાનું કામ કરતા જંગલેશ્વરના મનાના હારૂન લીંગડિયાની ધરપકડ કરી હતી. આ મામલાની તપાસ ચલાવી રહેલા પીએસઆઇ પરમારે કહ્યું હતું કે, બંનેની ધરપકડ કરાઈ છે, પરંતુ ગૌવંશ ક્યાંથી લઇ આવતા હતા તે બાબતે આરોપી કંઇ બોલતા નથી, ફારૂક મુસાણી ગેરકાયદે કતલખાનું ચલાવતો હતો, તેમાં ગૌવંશની કતલ કરતો હતો, પરંતુ તે ભાજપનો કાર્યકર હોવાથી પોલીસ તેની સામે કુણું વલણ દાખવી રહ્યાની ચર્ચા ગૌપ્રેમીઓમાં થઇ રહી છે. ગેરકાયદે કતલખાનાં મનપા સીલ કરી દેશે
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના પર્યાવરણ ઈજનેર પી.સી. સોલંકીએ આ મામલે જણાવ્યું હતું કે, 30 તારીખે ગાંધી નિર્વાણ દિન નિમિત્તે તમામ પ્રકારના કતલખાના બંધ રાખવા જાહેરનામું હતું. તે જ દિવસે માંસ પકડાયું છે જે જીપીએમસી એક્ટની જોગવાઈ મુજબ ભંગ થાય છે. આ કારણે હવે પોલીસ પાસેથી એફઆઈઆર સહિતનો રિપોર્ટ મેળવી લેવાશે અને બાદમાં તે વિસ્તારમાં જે જગ્યાએ ગેરકાયદે માંસ વેચાણની પ્રવૃત્તિ કરાઈ છે તેને સીલ કરવામાં આવશે.