ઉત્તર ગુજરાતના પાલનપુર શહેરમાં માત્ર પાંચ દુકાનોમાં ચાલતી કંપનીનો આઇપીઓ 738 ગણો છલકાયો છે. ચામુંડા ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ નામની આ કંપનીએ આઇપીઓ દ્વારા માર્કેટ પાસેથી 14 કરોડ રૂપિયા એકત્ર કરવાની અપેક્ષા રાખી હતી. જો કે આઇપીઓ અનેકગણો છલકાતા હવે 14 કરોડ નહીં પણ 7100 કરોડ રૂપિયા માર્કેટમાંથી મળ્યા છે. આ કંપનીના સ્થાપક એન.કે.રાઠોડ છે. હાલ 75 વર્ષની વયના એન.કે.રાઠોડ જેટકો કંપનીના ભૂતપૂર્વ અધિકારી છે. 2008માં આ કંપનીમાંથી નિવૃત્ત થયા બાદ તેમણે વર્ષ 2013માં ચામુંડા ઇલેક્ટ્રિકલ્સની સ્થાપના કરી હતી. જીઇબીના લાંબા કાર્યકાળના અનુભવ તેમની પોતાની કંપનીની મોટી મૂડી હતી. હાલ ચામુંડા ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડમાં 800 કર્મચારીઓ કામ કરી રહ્યાં છે. એન કે રાઠોડના બે પુત્રો છે જેમાં એક પુત્ર પાલનપુરમાં તેમની કંપનીમાં જોડાયેલા છે જ્યારે બીજો પુત્ર ટાઉન પ્લાનર પદે ફરજ બજાવે છે. નિવૃત્તિ પછી કારકિર્દી શરૂ કરી: જાણો કંપનીની રચના કેવી રીતે કરાઈ
પાલનપુરમાં 5 દુકાનમાં કંપનીના માલિક સહિતનો વહીવટી સ્ટાફ બેસે છે. કંપનીના ફાઉન્ડર એન. કે. રાઠોડે જણાવ્યું કે ‘વર્ષ 2008 સુધી જીઇબીમાં કામ કર્યું. નિવૃત થયાનાં પાંચ વર્ષે 2013માં ચામુંડા ઈલેક્ટ્રિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપની શરૂ કરી. મુખ્ય ઉદ્દેશ એ હતો કે મારો જે અનુભવ છે એ આ કંપનીમાં કામે લગાડું. એ પછી પાલનપુરથી સેલવાસ સુધીના જેટકોના સબ સ્ટેશનના મેન્ટેનન્સ ઓપરેશનનું કામ શરૂ કર્યું. હવે બીજા નંબરની સૌથી મોટી લેબ બનાવવાની તૈયારી ચાલી રહી છે.
એન.કે. રાઠોડે જણાવ્યું હતું કે હાલ 4 મેગાવોટનો સોલાર પ્લાન્ટ કાર્યરત છે અને વધુ બીજો 10 મેગાવટના સોલાર પ્લાન્ટ માટેની તૈયારી કરી લીધી છે. ઇલેક્ટ્રિસિટીમાં હજુ ઘણું આગળ કામ કરવું છે. જેને લઇ ગુજરાતમાં બીજા નંબરની સૌથી મોટી લેબ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. અમને માત્ર 14.60 કરોડની જરૂર હતી તેની સામે 7100 કરોડ આવ્યા છે જે લોકોનો પ્રેમ અને કંપની માટેનો વિશ્વાસ દર્શાવે છે.