ભુજ તાલુકાના માનકુવા હાઈવે પર શુક્રવારે સવારે 10 વાગ્યાના સુમારે ત્રિપલ અકસ્માતની હૃદયદ્રાવક ઘટના સર્જાઈ હતી. ભુજ તરફ જતી છકડા રિક્ષાને સામેથી રોંગ સાઈડમાં આવતી ટ્રકે ટક્કર મારતા રિક્ષા પલટી ગઈ હતી. આ દરમિયાન એક બોલેરો જીપ પણ અકસ્માતનો ભોગ બની હતી. અકસ્માતમાં છકડા રિક્ષામાં સવાર કુલ 8 લોકોને ઈજાઓ પહોંચી હતી, જેમાં એક અજાણ્યા પુરુષની હાલત ગંભીર છે. ઘાયલોમાં સીમા રવિ ગોરસિયા (40), હવાબાઈ રહીમ ગજણ (42), આમિર સકીલ ગજણ (5), રાઈકબાઈ મામદ પઢીયાર (56), આદ્રિયાબેન જુણસ ભૂરેયા (20), લાલજી ભગુ જોગી (35) અને જશુબેન દેવજી વરશાણીનો સમાવેશ થાય છે. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા અને તાત્કાલિક એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી હતી. તમામ ઘાયલોને સારવાર માટે જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. માનકુવા પોલીસે ઘટનાની નોંધ લઈ આગળની તપાસ હાથ ધરી છે.