અમરેલી જિલ્લામાં લેટરકાંડ મામલે નવો વળાંક આવ્યો છે. સામાજિક અગ્રણી નાથાલાલ સુખડિયાએ પૂર્વ સાંસદ નારણ કાછડિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવા જિલ્લા પોલીસ વડા સમક્ષ અરજી કરી છે. આ કેસમાં નવો ખુલાસો થયો છે કે નારણ કાછડિયાએ પોતે જ મીડિયા સમક્ષ સ્વીકાર્યું હતું કે તેમને 28 તારીખે વોટ્સએપ પર લેટર મળ્યો હતો, જેને તેમણે અર્ધો વાંચીને મુખ્યમંત્રી, સી.આર. પાટીલ અને રત્નાકરને મોકલ્યો હતો. નાથાલાલ સુખડિયાએ આરોપ મૂક્યો છે કે મુખ્ય આરોપી મનીષ વઘાસિયા અને અન્ય આરોપીઓએ નાયબ દંડક કૌશિક વેકરિયાને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે જ્યારે લેટર મોકલનારા બે આરોપીઓને જેલમાં ધકેલી દેવાયા છે, ત્યારે નારણ કાછડિયા કે જેમણે જાણીજોઈને લેટર ફોરવર્ડ કર્યો, તેમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ. પોલીસને આપેલી અરજીમાં માંગ કરવામાં આવી છે કે નારણ કાછડિયાને પણ આ કેસમાં આરોપી તરીકે ઉમેરવામાં આવે, કારણ કે તેમણે જાણીજોઈને આ બનાવટી લેટરને આગળ મોકલ્યો હતો. આ સમગ્ર પ્રકરણે ભાજપના નેતાઓ વચ્ચેની આંતરિક રાજકીય ખેંચતાણને ઉજાગર કરી છે.