વૈશ્વિક તેમજ દેશમાં છેલ્લા બે માસથી મોંઘવારીમાં રાહત છે જેની પોઝિટીવ અસર આજે રજૂ થનારા ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજકાપમાં જોવા મળી શકે છે. લોકોની લોન સસ્તી બની શકે છે. આરબીઆઇ રેટકટ મુદ્દે સરપ્રાઇઝ આપી શકે છે જેમકે 0.25 અથવા તો 0.50 સુધીનો રેટકટ આપી લોન ધારકોને રાહત આપી શકે છે. એસબીઆઈ રિસર્ચનું અનુમાન છે કે જાન્યુઆરી-માર્ચમાં રિટેલ મોંઘવારી 4.5% અને વર્ષ 2025-26માં 4.2-4.5% રહી શકે છે. આ વચ્ચે ટ્રેડવૉર અને બજેટમાં વપરાશ વધારવાની નીતિઓને ધ્યાનમાં લેતા રિઝર્વ બેન્ક થોડા સમય માટે પણ રેટ કટમાં ઘટાડો કરી શકે છે. એસબીઆઇનો અંદાજ છે કે રિઝર્વ બેંક 5-7 ફેબ્રુઆરીની નાણાકીય નીતિ સમીક્ષામાં રેપો રેટમાં 0.25%નો ઘટાડો કરી શકે છે. એપ્રિલમાં યોજાનારી સમીક્ષા બેઠકમાં રેપો રેટ ફરી એકવાર 0.50% સુધી ઘટાડી શકાય છે. આ રીતે, બે સમીક્ષા બેઠકોમાં વ્યાજદરમાં 0.75% ઘટાડો કર્યા પછી સ્થિરતા જાળવશે. ઘટતો રૂપિયો, વૈશ્વિક અનિશ્ચિતતાના કારણે વેઇટ એન્ડ વોચ પણ સંભવ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ વોરની શરૂઆત કરવા સાથે ડોલર સામે વિશ્વના મોટાભાગના દેશોની કરન્સી સતત ઘટી રહી છે. ભારતીય રૂપિયો પણ સતત ઘટીને 87.50ની સપાટી કુદાવી ચૂક્યો છે ત્યારે આગળ જતા ફરી મોંઘવારીમાં વધારો થશે તેવા નિર્દેશો પણ મળી રહ્યાં છે જેના પરિણામે વ્યાજદરમાં ઘટાડા મુદ્દે વેઇટ એન્ડ વોચની નીતિ પણ અપનાવી શકે છે.