સુરતમાં એક રેસ્ટોરાં-માલિકે તાપી નદીમાં કૂદીને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે, જોકે આ રેસ્ટોરાં-માલિકે આપઘાત કરતાં પહેલાં બનાવેલા વીડિયોમાં ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. એક મહિલા દ્વારા તેમને હનીટ્રેપમાં ફસાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સાથે આરોપીઓએ રૂપિયાની પણ માગણી કરી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બે મહિલા સહિત ચારનાં નામ પણ વીડિયોમાં બોલે છે. અત્રે ઉલ્લેખનીય છે કે રેસ્ટોરાં-માલિક છેલ્લા બે મહિનાથી મિસિંગ હતા અને તેમનો પરિવાર મિસિંગની ફરિયાદ નોંધાવવા માટે આમતેમ ધક્કા ખાઈ રહ્યો હતો. રેસ્ટોરાંમાં કામ કરતી મહિલાના સંપર્કમાં આવ્યા હતા
મળતી માહિતી પ્રમાણે, પાસોદરા વિસ્તારમાં 48 વર્ષીય યોગેશભાઈ જાવિયા પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં પત્ની અને એક પુત્ર છે. યોગેશભાઈ સુરતમાં વરાછા વિસ્તારમાં આવેલા મિની બજાર ખાતે રેસ્ટોરાં ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા. એ દરમિયાન તેમની રેસ્ટોરાંમાં એક મહિલા કામ કરતી હતી, જેના સંપર્કમાં તેઓ આવ્યા હતા. તે જ મહિલા દ્વારા યોગેશભાઈને ફસાવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. યુવકે અંતિમ વીડિયો બનાવી આપઘાત કરી લીધો
સુસાઈડ વીડિયોમાં યોગેશભાઈએ જણાવ્યું હતું કે નયના અનુ ઝાલા, નયના ભરત ઝાલાએ મને હનીટ્રેપમાં ફસાવ્યો હતો. મારી હોટલમાં નયના ભરત ઝાલા કામ કરતી હતી. તેની જેઠાણી નયના અનુ ઝાલા મેઈન માસ્ટરમાઈન્ડ છે. તેણે મને હનીટ્રેપમાં ફસાવ્યો છે. નયના ભરત ઝાલા મને ભગાડીને લઈ ગઈ હતી અને ચાર-પાંચ દિવસ પછી પરત લઇ આવી હતી અને કહ્યું કે ચલો… હવે જવું છે. આવ્યા પછી નયના અનુ ઝાલા, જે નયના ભરત ઝાલાની જેઠાણી તેણે મારી પાસે પાંચ લાખ રૂપિયાની માગ કરી હતી. ‘મને ધમકી આપી આ લોકોએ મરવા મજબૂર કર્યો’
મને ધમકી આપી મજબૂર કર્યો કે બધી બાજુ તને બદનામ કરી નાખીશું અને પૈસા આપ, નહીંતર અમે તને હેરાન કરીશું, તારી હોટલ બંધ કરાવી દઈશું, હોટલમાં આવી તોડફોડ કરીશું. આ બધી ધમકીઓથી હું કંટાળી ગયો હતો. મારું આપઘાત કરવાનું કારણ આ મહિલાઓ જ છે, જેમાં નયના અનુ ઝાલા માસ્ટરમાઈન્ડ અને નયના ભરત ઝાલા તથા ભરત ઝાલા તથા અનુ ઝાલા આ ચારેય વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ. હું આ ચાર લોકોના ત્રાસના કારણે જ આપઘાત કરું છું. ‘હવે મારાથી સહન નથી થતું એટલે હું આપઘાત કરું છું’
વધુમાં તેમણે જણાવ્યું હતું કે મારી પર ઘણું બધું દેવું થઈ ગયું હતું અને હું બધાના પૈસા ચૂકવી રહ્યો હતો અને હજુ પણ ચૂકવતો હતો. મારા સાળાએ લીધેલા પૈસા હું ભરતો હતો, મારો સાળો મોતને ભેટ્યા બાદ તેના પૈસા પણ હું ભરતો હતો, પરંતુ હવે મારાથી સહન થતું નથી. મારા પરિવારને નોધારા છોડી હું આપઘાત કરું છું અને વરાછા પોલીસ પાસે ન્યાયની માગ કરું છું. મહિલાની જેઠાણીએ 5 લાખ રૂપિયા માગ્યા
યોગેશભાઈ છેલ્લા બે મહિનાથી ઘરેથી નીકળી ગયા હતા અને રેસ્ટોરાંમાં કામ કરતી મહિલા સાથે બે મહિના પહેલાં ભાગી ગયા હતા. પાંચ દિવસ પછી મહિલા પરત પોતાના ઘરે પહોંચી ગઈ હતી, જ્યારે યોગેશભાઈ ઘરે પહોંચ્યા નહોતા. આ દરમિયાન મહિલાના જેઠાણી દ્વારા યોગેશભાઈ પાસે 5 લાખ રૂપિયા માગવામાં આવ્યા હોવાનો આક્ષેપ યોગેશભાઈએ તેમના અંતિમ વીડિયોમાં કર્યો છે. પોલીસ ફરિયાદ ન લેતી હોવાના પરિવારના આક્ષેપ
રેસ્ટોરાંમાં કામ કરતી પરિણીત મહિલા અને યોગેશભાઈ વચ્ચે સંબંધો હતા. પરિણીત મહિલાના જેઠાણી દ્વારા પૈસા માગવાનો આરોપ મૃતકનાં પરિવારજનોએ લગાવ્યો છે. યોગેશભાઈનો કોઈ સંપર્ક ન થતાં પરિવારજનો દ્વારા પોલીસ મથકમાં ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી, પરંતુ કામરેજ પોલીસ અને વરાછા પોલીસ ફરિયાદ ન લેતી હોવાનો અને ખોટા ધક્કા ખવડાવતી હોવાનો આરોપ પરિવારજનોએ લગાવ્યો છે. મહિલા ઘરે આવી ગઈ, પણ મારા પતિ ન આવ્યા
આ અંગે મૃતક યોગેશભાઈનાં પત્નીએ જણાવ્યું હતું કે અમે કામરેજ વિસ્તારમાં રહીએ છીએ અને મિની બજાર વિસ્તારમાં મારા પતિ રેસ્ટોરાં ચલાવે છે. મારા પતિ રેસ્ટોરાંમાં કામ કરતી મહિલા સાથે બહાર ગયા હતા અને પરત ફર્યા નહોતા. પાંચ દિવસ પછી મહિલા પોતાના ઘરે પરત ફરી ગઈ હતી, જ્યારે મારા પતિ પરત ન ફરતાં અમે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરી હતી. બંને પોલીસ સ્ટેશન વચ્ચે હું ધક્કાઓ ખાતી રહી હતી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે મારા પતિ ઘરે પરત ન ફર્યા ત્યારે હું કામરેજ પોલીસ સ્ટેશન ગઈ હતી, જોકે તેમણે મારી ફરિયાદ નોંધી ન હતી. ત્યાર બાદ વરાછા પોલીસ સ્ટેશન જતાં તેમણે પણ ફરિયાદ નોંધી ન હતી. આ બંને પોલીસ સ્ટેશન વચ્ચે હું ધક્કાઓ ખાતી રહી હતી. બે દિવસ પહેલાં જ્યારે મારા પતિએ આ સુસાઇડ કરતા હોવાનો વીડિયો મારા જીજાજીને મોકલ્યો ત્યારે પણ કામરેજ પોલીસ સ્ટેશન ગયાં હતાં. આ સાથે જ તેઓ જે પુલ પરથી કૂદી ગયા હતા એ પુલ પર પણ અમે ગયાં હતાં અને ત્યાં તેમનાં ચંપલને એવું પણ મળી આવ્યું હતું. મારા પતિ જે બ્રિજ પરથી કૂદ્યા ત્યાં પણ અમે ગયાં હતાં
તેમણે છેલ્લે જણાવ્યું હતું કે બ્રિજ પરથી યોગેશની આ વસ્તુઓ મળી આવ્યા બાદ 100 નંબરમાં કોલ કરીને પીસીઆર વાન બોલાવવામાં આવી હતી, જોકે તેમણે એવું કહ્યું હતું કે તમે તેમને કૂદતા જોયા છે એવું પૂછીને જતા રહ્યા હતા. આ સાથે જ કામરેજ પોલીસમાં આ બાબતે વાતચીત કરતાં તેમણે કહ્યું હતું કે તેમનું લોકેશન ગોધરા આવે છે, જે અમારા વિસ્તારમાં લાગતું નથી. આ બંને પોલીસ સ્ટેશનોએ મને ધક્કા ખવડાવ્યા છે. તેમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ. યુવકે વીડિયો બનાવી તેના જીજાજીને મોકલ્યો
આ દરમિયાન યોગેશભાઈ સાથે ગયેલી મહિલાની જેઠાણીએ યોગેશભાઈને ફોન કરી 5 લાખ રૂપિયા માગ્યા હોવાનો આરોપ અંતિમ વીડિયોમાં કર્યો હતો. યોગેશભાઈએ વીડિયો બનાવીને તેના જીજાજીને મોકલ્યો હતો અને ત્યાર બાદ આખો મામલો સામે આવ્યો હતો. ત્યારે આજે (7 ફેબ્રુઆરી)એ યોગેશભાઈની લાશ ઉતરાણ વિસ્તારમાં આવેલી તાપી નદી કાંઠેથી મળી આવી હતી. હાલ પરિવારજનો દ્વારા ન્યાયની માગ કરવામાં આવી છે.