18 જાન્યુઆરી 2024ના હરણી-મોટનાથ હોડી દુર્ઘટનામાં 12 બાળક અને 2 શિક્ષિકાનાં મોત થયાં હતાં, ત્યારે આ દુર્ઘટનાના મૃતકોને લઈ 1 વર્ષ અને 20 દિવસ બાદ વળતર જાહેર કરવામાં આવ્યું છે. વડોદરા સિટી નાયબ કલેક્ટર વી.કે. સાંભડ દ્વારા વળતરની જાહેરાત કરાઈ છે. 12 બાળકમાં પ્રત્યેક મૃતક બાળકના પરિવારને 31,75,700 રૂપિયાનું વળતર જાહેર કર્યું છે. જ્યારે મૃતક શિક્ષિકા છાયાબેન સુરતીના પરિવારને 11,21,900નું વળતર અને મૃતક ફાલ્ગુની પટેલના પરિવારને 16,68,029નું વળતર જાહેર કર્યું છે. ગુજરાત હાઈકોર્ટમાં હરણી બોટકાંડ મામલે સુનાવણી
ગુજરાત હાઈકોર્ટમાં ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેંચ સમક્ષ વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે સુઓમોટો પિટિશન પર સુનાવણી ચાલી રહી છે, જેમાં વર્તમાનમાં આ દુર્ઘટનામાં પીડિતોને વળતર ચૂકવવા પર ચર્ચા ચાલી રહી છે. છેલ્લે હાઈકોર્ટે MACPની જોગવાઈ મુજબ વડોદરા જિલ્લા કલેક્ટરને ગણતરી કરીને મૃતકો તેમજ ઈજાગ્રસ્તોના પરિવારને કોટિયા પ્રોજેક્ટ દ્વારા ચૂકવવાપાત્ર થતી રકમ નક્કી કરવા માટે હુકમ કર્યો હતો. વાર્ષિક 9 ટકા વ્યાજ સાથે વળતર આપવા આદેશ
એમાં આજે સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે પીડિતો અને કોટિયા પ્રોજેક્ટ એમ બંને પક્ષોને સાંભળ્યા બાદ વળતર નક્કી કરવામાં આવ્યું છે. મૃતકોમાં 12 બાળક અને 2 શિક્ષિકા છે. જ્યારે 2 ઘાયલોનો પણ સમાવેશ થાય છે. MACP મુજબ ગણતરી કરતાં મૃતક બાળકદીઠ 31,75,700 લાખ, બે શિક્ષિકામાંથી એક શિક્ષિકાના પરિવારને 11,21,900 લાખ, જ્યારે અન્ય શિક્ષિકાના પરિવારને 16,68,029 લાખ તેમજ બે ઘાયલને 50-50 હજાર રૂપિયા વળતર જિલ્લા કલેક્ટરે નક્કી કર્યું છે. આ વળતર કોટિયા પ્રોજેક્ટ દ્વારા ચૂકવવાપાત્ર છે, જેમાં જાહેરહિતની અરજી દાખલ થઈ ત્યારથી લઈને વળતર ચૂકવાય તેના સમયગાળામાં વાર્ષિક 9 ટકા વ્યાજ સાથે વળતર આપવા આદેશ કર્યો છે. આ મામલે વધુ સુનાવણી આગામી સમયમાં યોજાશે. ન્યૂ સનરાઇઝ સ્કૂલ પણ આટલું જ વળતર ચૂકવવાપાત્ર છે: ઉત્કર્ષ દવે
ઉલ્લેખનીય છે કે કોટિયા પ્રોજેક્ટ તરફથી રજૂઆત થઈ હતી કે તેમને કલેક્ટરની એફિડેવિટની કોપી મળી નથી. બીજી તરફ ગુજરાત હાઈકોર્ટમાં પીડિતો માટે જાહેરહિતની અરજીમાં વળતરની માગ કરનારા પીડિતોના વકીલ ઉત્કર્ષ દવેએ જણાવ્યું હતું કે આ વળતર માત્ર કોટિયા પ્રોજેક્ટ તરફથી ચૂકવવાપાત્ર છે. ન્યૂ સનરાઈઝ સ્કૂલ તરફથી પણ આટલું જ વળતર ચૂકવવા પાત્ર છે. આમ, મૃતકદીઠ કુલ 60 લાખ જેટલું વળતર મળવું જોઈએ. ઉલ્લેખનીય છે કે ઉત્કર્ષ દવે મોરબી બ્રિજ દુર્ઘટનામાં પણ પીડિતોના વકીલ છે. તેમના પ્રયાસોથી મોરબીના પીડિતોનું વળતર પણ નક્કી થઈ રહ્યું છે. ‘મોટર વ્હીકલ એક્ટ પ્રમાણે વળતર અમને મંજૂર નથી’
મૃતક બાળકની માતા સંધ્યા નિઝામાએ જણાવ્યું હતું કે મોટર વ્હીકલ એક્ટ પ્રમાણે વળતર અમને મંજૂર નથી. આ કાયદો બોટ દુર્ઘટનામાં લાગુ પડતો નથી. આ લોકો જનતાને ઉલ્લુ બનાવવા માગે છે. અમને આ વળતર મંજૂર નથી. અમને 5 કરોડ રૂપિયાનું વળતર જોઇએ છે. કોટિયા પ્રોજેક્ટ સિવાય કોર્પોરેશન અને સ્કૂલ-સંચાલકો પણ જવાબદાર છે. આ બધા પાસેથી વળતર લેવું જોઇએ. આ તમામ લોકોની બેદરકારી છે. ‘બાળકના જીવની રકમ કોઈ નક્કી ન કરી શકે’
મૃતક બાળકના પિતા કલ્પેશ નિઝામાએ જણાવ્યું હતું કે આ વળતરથી અમને સંતોષ નથી. બાળકના જીવની રકમ કોઇ નક્કી ન કરી શકે. અમે હાઈકોર્ટમાં 5 કરોડની માગણી કરી છે. અમને હાઈકોર્ટમાં ન્યાય નહીં મળે તો અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું. ‘કોર્પોરેશન, કોટિયા પ્રોજેક્ટ અને સ્કૂલ-સંચાલકોની બેદરકારી છે’
મૃતક શિક્ષિકા છાયાબેનના પુત્ર જિગર સુરતીએ જણાવ્યું હતું કે મોટર વ્હીકલ એક્ટ મુજબ વળતર અમને મંજૂર નથી. મોટર વ્હીકલ એક્ટ એક્સિડેન્ટમાં લાગે છે. આમાં અકસ્માત થયો નથી. આમાં તો બાળકો અને શિક્ષિકાઓ ભ્રષ્ટાચારનો ભોગ બન્યાં છે. આમાં કોર્પોરેશન, કોટિયા પ્રોજેક્ટ અને સ્કૂલ-સંચાલકોની બેદરકારી છે, જેથી તમામ પાસેથી વળતર લેવું જોઇએ. આ બધા લોકોએ અમારી મજાક કરી છે. આવી રીતે ન્યાય ન અપાય. અમારી સાથે અન્યાય થયો છે. સરકારના અધિકારી વિનોદ રાવ અને સ્કૂલને બચાવ્યા: હિતેશ ગુપ્તા
હરણી બોટકાંડના પીડિત પરિવારના એડવોકેટ હિતેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે એક વર્ષની લડાઈ બાદ મૃતકો માટે આજે વળતર જાહેર કરાયું છે. વળતરને અમે આવકારીએ છીએ. મૃતકદીઠ 5 કરોડ અને ઇજાગ્રસ્તદીઠ 50 લાખની માગ અમે કરી હતી. વળતરના ચુકાદામાં માત્ર કોટિયા પ્રોજેક્ટ્સને જવાબદાર માનવામાં આવ્યા એનાથી અમે નાખુશ છીએ. સરકારના અધિકારી વિનોદ રાવ, વીએમસીના અધિકારી અને સનરાઈસ સ્કૂલને બચાવી લેવામાં આવી છે. અમે હાઈકોર્ટમાં તમામ સામે કાર્યવાહી થાય એની લડત લડીશું. હજી વધુ વળતર મૃતકોને મળે એવી પણ માગણી કરીશું. જિલ્લા કલેક્ટરે પીડિત પરિવારોની માહિતી રજૂ કરી હતી
ગત સુનાવણીમાં કોટિયા પ્રોજેક્ટના કેટલાક ડિરેક્ટરો તરફથી હાઈકોર્ટમાં એડવોકેટ ઉપસ્થિત રહ્યા હતા. હાઈકોર્ટે સ્પષ્ટતા કરી હતી કે એગ્રિમેન્ટમાં સહી કરનાર કોટિયા પ્રોજેક્ટના તમામ ભાગીદારો વળતર ચૂકવવા માટે જવાબદાર છે. હાઈકોર્ટના અગાઉના આદેશ મુજબ વડોદરા જિલ્લા કલેક્ટરે પીડિત પરિવારોની માહિતી કોર્ટ સમક્ષ રજૂ કરી હતી, જેમાં પીડિતોના પરિવારના લોકોની સંખ્યા, તેમનાં નામ, ઉંમર, વ્યવસાય, વાર્ષિક આવક, સરનામું જેવી બાબતોનો સમાવેશ થતો હતો. આ દુર્ઘટનામાં મોટા ભાગના મૃતકો બાળકો છે: હાઈકોર્ટ
હાઇકોર્ટે પૂછ્યું હતું કે શું કોઈ પીડિતે કોન્ટ્રેક્ટર પાસેથી વળતર મેળવવા માટે કોઈ ઓથોરિટીનો સંપર્ક કર્યો છે કે કેમ? જેનો જવાબ નકારમાં આવ્યો હતો અને કોર્ટને જણાવ્યું હતું કે દુર્ઘટના બાદ સરકારે એક્સ ગ્રેશિયા પેમેન્ટ પીડિત પરિવારોને આપ્યું હતું. એડવોકેટ જનરલે મોરબી બ્રિજમાં જે પ્રમાણે વળતર ચૂકવવાની કાર્યવાહી હાઇકોર્ટમાં થઈ રહી છે એ પ્રમાણેની કાર્યવાહી કરવા પ્રસ્તાવ મૂક્યો હતો. હાઈકોર્ટે કહ્યું હતું કે આ દુર્ઘટનામાં મોટા ભાગના મૃતકો બાળકો છે, જેથી તેમને મોટર વેહિકલ એક્ટની જોગવાઈઓ મુજબ વળતર ચૂકવવું જોઈએ. વળતરની રકમ નક્કી કરવા વડોદરા જિલ્લા કલેક્ટર ઓફિસરની નિમણૂક કરશે. બાળકો મૃત્યુ પામ્યાં ત્યારે તેમની કેટલી ઉંમર હતી, તેમનું અનુમાનિત આયુષ્ય, ભવિષ્યની સંભાવનાઓ વગેરે બાબતો ધ્યાને લેવી જોઈએ. વળતર સાથે એક્ઝેમ્પ્લરી ડેમેજીસ ચૂકવવા માગ કરી હતી
કલેક્ટરે નીમેલા ઓફિસર પીડિતો અને કોટિયા પ્રોજેક્ટને સાંભળીને વળતરની રકમ નક્કી કરશે. મોટર વ્હીકલ એક્ટમાં પણ અકસ્માતના સંજોગોમાં આ પ્રમાણે ટ્રિબ્યુનલમાં દાવો સેટ કરાતો હોય છે. આ દરમિયાન પીડિતપક્ષ વતી ઉપસ્થિત થયેલા એડવોકેટે વળતરની સાથે એકઝેમ્પ્લરી ડેમેજીસ ચૂકવવાની પણ માગ કરી હતી. તેઓ આ માટે કેટલાક ચુકાદા કોર્ટ સમક્ષ મૂકવા માગતા હતા. એ સંદર્ભે કોર્ટે કહ્યું હતું કે બાળકો, શિક્ષકો સાથે પ્રવાસે ગયાં હતાં, જેમાં શિક્ષકોથી પણ કેટલીક ભૂલ રહી ગઈ હતી. ફક્ત કોઈ ચુકાદા પરથી આ બાબત નક્કી થઈ શકે નહીં, કારણ કે એક્ઝેમ્પ્લરી ડેમેજીસ માટે કોઈ નિયમ નથી કે કોઈ વૈધાનિક જોગવાઈ પણ નથી. કોર્ટે જાતે માઈન્ડ એપ્લાય કરીને આ વળતર નક્કી કરવું પડે. બંને પક્ષના પુરાવાઓ જોવા પડે. એના માટે હાઇકોર્ટ યોગ્ય ઓથોરિટી નથી. વડોદરા બોટ દુર્ઘટના એક વાહન અકસ્માત જેવો અકસ્માત છે. મોટર વ્હીકલ એક્ટના નિયમો પણ નુકસાન પર આધારિત છે. પીડિતોને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી મદદ કરશે
કોર્ટે મૌખિક આદેશ કર્યો હતો કે, કોટિયા પ્રોજેક્ટમાં આંતરિક વિવાદોને લઈને કોર્ટને કોઈ લેવાદેવા નથી. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બાળકો અને શિક્ષકો તેમજ ઘાયલોની માહિતી વડોદરા કલેકટરે તપાસ કરીને હાઇકોર્ટ સમક્ષ મૂકી હતી. જેમાં મૃતકોના પરિવારજનો અને ઘાયલોને મોટર વેહિકલ એક્ટના નિયમોની ગણતરી મુજબ વળતર ચુકવાશે. પીડિતોને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી વડોદરા મદદ કરશે, તેમને એડવોકેટ આપશે. જે વળતર નક્કી કરતા ઓફિસરને તેની કામગીરીમાં મદદરૂપ થશે. જ્યારે કોટિયા પ્રોજેક્ટ ખાનગી વકીલ રોકી શકશે. વળતર નક્કી કરવા માટે કલેક્ટર દ્વારા નિમાયેલા ઓફિસર ડેપ્યુટી કલેક્ટરથી નીચેની કક્ષાનો હોવો જોઈએ નહીં. 8 અઠવાડિયાની અંદર વળતરની રકમ નક્કી કરનાર ઓફિસર કોર્ટ સમક્ષ એફિડેવિટ મુકવાની રહેશે. જ્યારે વડોદરા બોટ દુર્ઘટના બાદ સરકારે વોટર સપોર્ટ એક્ટિવિટી સહિતની બાબતો માટે નિયમો બનાવ્યા હતા, જે નોટિફાઈ થઈ ચૂક્યા હોવાનું કોર્ટને જણાવાયુ હતું. કોર્ટ જાતે જ પીડિતો માટે વળતરની રકમ નક્કી કરશે
અગાઉની સુનાવણીમાં કોર્ટને જણાવાયું હતું કે, પીડિતોને વળતર ચૂકવવા કોટિયા પ્રોજેક્ટને નોટિસ આપવામાં આવી હતી. જોકે, તેના ડિરેક્ટર વિનીત કોટિયાનું ઘર બંધ હતું. ગત સુનાવણીમાં પીડિત પક્ષ કે કોન્ટ્રાક્ટર તરફથી વકીલો ઉપસ્થિત રહ્યા ન હતા. જેથી કોર્ટે કહ્યું હતું કે, આગામી સુનાવણીમાં જો કોન્ટ્રાક્ટર તરફે કોઈ એડવોકેટ ઉપસ્થિત નહીં થાય તો કોર્ટ જાતે જ પીડિતો માટે વળતરની રકમ નક્કી કરશે. વિનીત કોટિયા વતી ઉપસ્થિત થયેલા વકીલે જણાવ્યું હતું કે, વિનીત કોટિયા ક્યારના આ પાર્ટનરશિપ ફર્મમાંથી ડિરેક્ટરના પદ ઉપરથી રીટાયર્ડ થઈ ચૂક્યા છે. જેથી કોર્ટે કહ્યું હતું કે, અમે ડિરેક્ટરને વ્યક્તિગત કેપેસિટી ઉપર બોલાવ્યા નથી. જો તેઓ ફર્મ સાથે જોડાયેલા હોય તો રજૂઆત કરે અને તે પહેલાં રિટાયર્ડ થઈ ચૂક્યા હોય તો એફિડેવિટ ફાઇલ કરે. રિટાયરમેન્ટ અંગેનો કોઈ કાનૂની કાગળ કોર્ટ સમક્ષ મુકાયો નથી. એક મહિના પહેલા નોટિસ મળ્યા બાદ હવે સમય માગીને વળતરની પ્રક્રિયાને વિલંબિત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જે વળતર નક્કી કરવામાં આવે તે બધા ભેગા થઈને ચૂકવશે
કોર્ટને જણાવ્યું હતું કે, કોટિયા પ્રોજેક્ટમાં 13 પાર્ટનર હતા. કોર્ટે કહ્યું હતું કે, જે વળતર નક્કી કરવામાં આવે તે બધા ભેગા થઈને ચૂકવશે. આમ કોટિયા પ્રોજેક્ટ તરફથી કોઈ વકીલ હાજર ન રહેતા કોર્ટે વળતર આપવાની કાર્યવાહી આગળ ધપાવી હતી. પીડિતો વતી ઉપસ્થિત થયેલા વકીલે જણાવ્યું હતું કે, આ દુર્ઘટનામાં મૃતકના પરિવારજનોને રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી કુલ 6 લાખ રૂપિયા અને ઘાયલ થયેલા પીડિતોને રાજ્ય તથા કેન્દ્ર સરકાર તરફથી મળીને કુલ 1 લાખ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવ્યું છે. તમામ પીડિતો વડોદરાના રહેવાસી છે. કોર્ટે કોર્ટ મિત્ર પાસેથી પીડિતોને વળતર ચૂકવવા અંગે સૂચનો માંગ્યા હતા. પીડિતોના નામ, ઉંમર અને સરનામા માંગ્યા હતા. આ અંગે વડોદરા કલેક્ટર રિપોર્ટ ફાઇલ કરશે. ત્યાર બાદ બાળકોને પ્રવાસે લઈ જનાર ન્યુ સનરાઇઝ સ્કૂલ દ્વારા કેટલું વળતર પીડિતોને ચૂકવવામાં આવશે તેની ઉપર પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. શું હતો સમગ્ર મામલો
વડોદરા શહેર માટે કલંકરૂપ તારીખ 18 જાન્યુઆરી 2024ના રોજ બનેલી વડોદરા હરણી-મોટનાથ હોડી દુર્ઘટનામાં વાઘોડિયા રોડ ઉપર આવેલી ન્યૂ સનરાઇઝ સ્કૂલનાં 12 બાળકો અને 2 શિક્ષિકાઓના હોડી સહેલગાહ દરમિયાન હોડી પલટી મારી જવાથી ડૂબી જવાથી મોત નીપજ્યાં હતાં. 14 લોકોનો ભોગ લેનાર આ બનાવે વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવી મૂક્યો હતો. આ બનાવમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક પછી એક 18 જેટલા આરોપીઓની ધરપકડ કરીને જેલમાં ધકેલી આપ્યા છે. તો બીજી બાજુ વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ હોડી દુર્ઘટનામાં જવાબદાર અધિકારીઓ સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી હતી અને જવાબદાર મનાતા 6 અધિકારીઓને શોકોઝ નોટિસ આપવામાં આવી હતી. નોટિસમાં 7 દિવસમાં ખુલાસો કરવા માટે જણાવ્યું હતું.