આજવા રોડ પર રહેતી હોમ સાયન્સની વિદ્યાર્થિનીએ પોતાના રૂમમાં આત્મહત્યા કરી લીધી હતી. બાપોદ પોલીસે તપાસ હાથ ધરી છે. આજવા રોડ પર આંબેડકર કોમ્પ્લેક્ષમાં રહેતી 19 વર્ષીય ઉમ્મેરાની કેમ્પવાલા મ.સ. યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ હોમ સાયન્સમાં અભ્યાસ કરતી હતી. ગુરુવારે મિત્ર સાથે બહાર ફરવા ગઈ હતી અને રાત્રે 12 વાગે ઘરે આવી હતી. શુક્રવારે સવારે તેણે પોતાની બહેનને પૂછ્યું કે, તું હોલમાં બેસે છે કે રૂમમાં? તેની બહેને જણાવ્યું હતું કે, તે અહીંયા જ હોલમાં બેસે છે.જેથી તે રૂમમાં જતી રહી હતી. 2 કલાક બાદ પણ રૂમમાંથી બહાર ન આવતા તેની માતાએ દરવાજો ખખડાવ્યો હતો. દરવાજો ન ખોલતા તેમણે પતિને ફોન કરીને જાણ કરી હતી. તેમણે વાતને ગણકારી નહોતી, કારણ કે ઉમ્મેરાનીની ઉંઘ વધારે હોવાથી તે લાંબો સમય સુધી સુતી રહેતી હતી.જે બાદ પણ તેની માતા દરવાજો ખખડાવ્યા કરતી હતી. તેની માતાએ ફરી ફોન કરતા તેના પિતા પણ ઘરે આવી ગયા હતા અને તેઓએ દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો. જોકે દરવાજો ન ખુલતા દરવાજો તોડીને દરવાજામાં નાનું કાણું પાડી જોતાં તેઓને દીકરી લટકેલી હાલતમાં દેખાઈ હતી. જેથી તેઓએ પોતાના ભાઈને બોલાવીને દરવાજો તોડીને તાત્કાલિક દિકરીને હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા બાપોદ પોલીસને આ બાબતે જાણ કરાઈ હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે, દીકરીના પરીવાર તરફથી કોઈ પણ પ્રકારનું દબાણ નહોતું. તે ભણવામાં પણ હોશિયાર હતી. ઉમ્મેરાનીએ પગલું કેમ ભર્યું તેની પરીવારને જાણ નથી.