વડોદરા નજીક આવેલી પારુલ યુનિવર્સિટીમાં ગુજરાતનો અગ્રણી ટેક ફેસ્ટ ટેક એક્સપો 2025 યોજવામાં આવ્યો છે, જેમાં ગુજરાત સહિત અન્ય રાજ્યની યુનિવર્સિટીઓ અને શાળાઓમાંથી 1500થી વધુ લોકોએ ભાગ લીધો હતો. આ બે દિવસીય અત્યાધુનિક ટેક્નોલોજી દ્વારા વાસ્તવિક દુનિયાના પડકારોનો સામનો કરવા માટે રચાયેલા 370 જેટલા પ્રોજેક્ટનું પ્રદર્શન કરવામાં આવ્યું છે, જોકે આ ટેક એક્સપોમાં ત્રણ મહત્ત્વના અને ઉપયોગી બને એવા પ્રોજેકટ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જુદા-જુદા પ્રોજેક્ટો દ્વારા આધુનિક ટેક્નોલોજીને વેગ મળે એવો પ્રયાસ
આ પ્રોજેકટ પ્રદર્શનમાં મુખ્યત્વે તાજેતરમાં જ સુરતમાં બનેલી ઘટનામાં માસૂમ બાળક ડ્રેનેજમાં પડી જવાથી ભારે શોધખોળ બાદ 24 કલાકે મૃત મળ્યું હતું. જો આ શોધખોળ માટે અહીંના વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલા એક બાયોમિમેટિક અન્ડરવોટર સ્નેકબોટ હોત તો કદાચ આ બાળકને શોધવામાં ગણતરીની મિનિટો કે કલાકોનો સમય લાગ્યો હોત. આ સાથે જ આ પ્રદર્શનમાં એક સ્વાયત્ત ઈલેક્ટ્રિક સેલ્ફ ટ્રેક્ટર બનાવવામાં આવ્યું છે, જેમાં ખેડૂતોને પડતી મુશ્કેલીઓ ને શરીરમાં થતા પ્રોબ્લેમ દૂર થાય તેમજ આધુનિક કૃષિને વેગ મળે એ માટે આ ટ્રેક્ટર બનાવવામાં આવ્યું છે. આ સાથે હાઇડ્રો બોટ અને ટૂ-વ્હીલર એન્ટી થેફ્ટ અને ક્રેશ રિસ્પોન્સ સિસ્ટમ આકર્ષણનું કેન્દ્ર બને છે, સાથે અનેક વિવિધ પ્રોજેક્ટો દ્વારા આધુનિક ટેક્નોલોજીને વેગ મળે એવો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો આ રોબોટ હોત તો બે કલાકમાં બાળક મળી ગયું હોત
પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા રોનિત પંચાલે જણાવ્યું હતું કે મેં સ્નેકબોટ બનાવ્યો છે એ પાણીની અંદર 10 મીટર સુધી અંદર જઈ શકે છે. આ સાથે જ એનો કંટ્રોલ પણ અહીંથી જ થઈ શકે છે. મારું માનવું છે કે ગત રોજ જે સુરતમાં ઘટના બની હતી એમાં જો આ રોબોટ હોત તો એક-બે કલાકમાં જ આ બાળક મળી ગયું હોત. આ રોબોટની અંદર અમે કેમેરો ફિટ કરેલો છે અને એ પાણીની અંદર સંપૂર્ણ કંટ્રોલ કરી શકે અને અમને દેખાય કે અંદર શું ચાલી રહ્યું છે. તેણે વધુમાં જણાવ્યું હતું કે હાલમાં ડ્રેનેજમાં વિવિધ મુશ્કેલીઓને લઈ અમે ભવિષ્યમાં આની અંદર એક રોબોટિક આર્મ જોડવાના છીએ. એનાથી ડ્રેનેજને લઈ કોઈ મુશ્કેલી આવે કે કોઈ પ્રોબ્લેમ હશે તો એનું કામ પોતે જ આ આર્મ કરી લેશે અને કોઈપણ વસ્તુ જો અડચણરૂપ હશે તો એને પણ હટાવી લેશે. જ્યાં માણસો ન જઈ શકે ત્યાં આ રોબોટ જઈ શકશે અને સમય પણ બચશે. મોડ્યુલર એક્વાટિક નેવિગેશન એન્ડ એનાલિસિસ સિસ્ટમ (M.A.N.A.S) દ્વારા અન્ડરવોટર સ્નેકબોટ દ્વારા પાણીની અંદર એક્સપ્લોરેશન, ઇન્ફેક્શન અને ડેટા કલેક્શન માટે ડિઝાઇન કરવામાં આવે છે. આ મોડ્યુલર વાયરલેસ કંટ્રોલર રોબોટ વિવિધ પાણીની અંદર સરળતાથી જઇ શકે છે તેમજ વિવિધ એપ્લિકેશનના માધ્યમથી તે કામગીરી કરે છે. આ રોબોટ મુખ્યત્વે વિવિધ સંશોધનો સાથે જ અન્ડરવોટર ઇન્ફાસ્ટ્રક્ચર, નિરીક્ષણ, બચાવ કામગીરી અને ઔદ્યોગિક હેરફેર માટે ઉપયોગી બને છે. આ સ્નેકબોટનો અંદાજિત ખર્ચ 80 હજાર આસપાસ થઈ શકે છે. આમાં અત્યાધુનિક કેમેરો હોવાથી અંદરની સ્થિતિ લાઈવ જોઈ શકાય છે. આધુનિક કૃષિમાં ક્રાંતિ લાવવા માટે પ્રોજેક્ટ તૈયાર કર્યો
આ પ્રોજેક્ટ દ્વારા આધુનિક કૃષિમાં ક્રાંતિ લાવવા માટે સ્વાયત્ત ઈલેક્ટ્રિક ટ્રેક્ટરની ડિઝાઇન વિકસાવવામાં આવી છે. આ ટ્રેક્ટર સ્વચ્છ, ટકાઉ, ઈલેક્ટ્રિક પાવર પર ચાલે છે અને શૂન્ય ઉત્સર્જન અને ઓછા સંચાલિત ખર્ચની ખાતરી કરીને અદ્યતન સેન્સર જીપીએસ ટેક્નોલોજી અને AI સંચાલિત નેવિગેશન દ્વારા સર્જ છે. આ માટે ખેડૂત દ્વારા કરવામાં આવતું ખેડાણ, વાવણી અને લણણી જેવાં કાર્ય માટે સરળતા સાથે જ વિવિધ ક્ષતિઓ ચોકસાઈ વધારે અને શ્રમ નિર્ભયતા ઘટાડે એ હેતુથી આ તૈયાર કરવામાં આવે છે. સ્માર્ટ અને ટકાઉ ખેતી માટે એક ખૂબ જ ઉપયોગી બને એવું આ ટ્રેક્ટર, જે સ્વયં સંચાલિત છે અને એની કોસ્ટ અંદાજિત બે લાખની આસપાસ થાય છે. આ ટ્રેક્ટર ખેડૂતોના વર્કલોડને ઘટાડશે
આ અંગે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા દર્શન ઠુંમરે જણાવ્યું હતું કે અમારા પ્રોજેક્ટનું નામ છે ઓટોનોમસ ઇલેક્ટ્રિક સેલ્ફલેસ ટ્રેક્ટર, જેમાં બે બાબત મહત્ત્વની છે ઓટોનોમસ અને ઇલેક્ટ્રિક. ઓટોનોમસ અને ઈલેક્ટ્રિક બનાવવા માટે ઘણાંબધાં કોમ્પોનન્ટ અને બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટ્રેક્ટરમાં GPS ડેટા સિસ્ટમથી ચાલશે અને જે કોઈ ખેડૂત હશે તે આને ડેટા આપશે અને તે ત્યાં જઈને પર્ફોર્મ કરશે. આ ઓટોનોમસ છે અને એને કામ કરવા માટે કોઇપણ વ્યક્તિની જરૂરી નથી પડતી. ખેડૂત 30થી 40 વર્ષ ખેતી માટે આપે છે, પરંતુ એમાં સૌથી વધુ સમય ટ્રેક્ટર ચલાવવામાં આપે છે. બોડી અને વિવિધ ફિઝિકલ ઇંજરીનો ભોગ બનતો હોય છે. અમારું આ ટ્રેકટર વ્યક્તિના વર્કલોડને ઘટાડશે. આ ટ્રેકટર એક હોર્સ પાવર ધરાવે છે જે સરળતાથી કામ કરે છે. આ ટ્રેક્ટર 1.5 ટન વજન લઈ શકે છે. તળાવો-સરોવરોમાં કચરાને દૂર કરી પર્યાવરણને સુરક્ષિત રાખવામાં મદદ કરશે
આ પ્રોજેક્ટ સાથે હાઈડ્રોબોટ પ્રોજેક્ટ, જે વોટર ક્લીનિંગ રોબોટ મશીન છે, જે તળાવો, સરોવરોમાં તરતા કચરાને દૂર કરી પર્યાવરણને સુરક્ષિત રાખવામાં મદદ કરશે. આ સાથે જ આ સોલર એનર્જી દ્વારા સંચાલિત હોવાથી એ પર્યાવરણ અને ઓછામાં ઓછી પ્રદૂષણની અસર કરશે. મશીન સરોવર પર તરે છે અને બેલ્ટરેકનો ઉપયોગ કરીને પાણીની સપાટી પરથી મોટો કચરો, લીલો અને અન્ય કચરો એકત્રિત કરે છે. આ રોબોટ AI રોબોટિક અને પર્યાવરણ ટેક્નોલોજીમાં ઉપયોગી સાબિત થઈ શકે છે.