આજરોજ દિલ્હી વિધાનસભા ચૂંટણીનાં પરિણામો જાહેર થયા છે. જેમાં 48 બેઠકો સાથે ભાજપે 27 વર્ષ બાદ ભવ્ય વિજય હાંસિલ કર્યો છે. જેને લઈને ભાજપ દ્વારા ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે રાજકોટનાં કિસાનપરા ચોકમાં પણ શહેર ભાજપ દ્વારા ફટાકડા ફોડી જીતની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે સ્થાનિક ભાજપનાં આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં. પ્રદેશ ભાજપનાં ઉપાધ્યક્ષ ભરત બોધરાએ આ અંગે જણાવ્યું કે, દિલ્હીની જનતા દ્વારા વિકાસની રાજનીતિને મહત્વ અપાયું છે. તેમજ દિલ્હીની જનતાનો આભાર તેમણે માન્યો હતો. ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરાએ જણાવ્યું હતું કે, દિલ્હીની જનતાનો હું આભાર માનું છું. સ્પષ્ટ વિકાસની રાજનીતિને દિલ્લીની જનતાએ મહત્વ આપ્યું છે. ભ્રષ્ટાચારથી ભરેલ ભરપૂર ચહેરો પરંતુ તેની જાતને અલગ ચિતરી સમગ્ર દેશની જનતાને ગેરમાર્ગે દોરતા હતા. એવી ખોટી રાજનીતિનો અંત આવ્યો છે. મોદી સાહેબએ 10 વર્ષમાં દેશમાં કરેલ કામો, મોદી સાહેબની ગેરેન્ટી જોઈ મોદી ગેરેન્ટી ઉપર દિલ્હીની જનતાએ ભરોસો મુક્યો છે. દિલ્હી દેશનો મુગટ છે વિકાસની મુખ્ય ધારામાં આવી નવું વિકસિત દિલ્હી બનશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, 27 વર્ષ પછી ભાજપની સરકાર રાજધાની દિલ્હીમાં બની છે. તેની પાછળ મુખ્ય બે કારણો છે. જે સરકાર છેલ્લા 10 વર્ષથી દિલ્હીની જનતાને મૂર્ખ બનાવતી હતી, ગેરમાર્ગે દોરી છેતરપિંડી કરી રહી હતી. તેમાંથી જનતાએ મુક્ત બની તેને જાકારો આપ્યો છે. મોદી સાહેબે 10 વર્ષમાં કરેલા કામો અને પોતાનું જીવનની એક એક ક્ષણ દેશને આપી દીધી છે. એ નેતૃત્વને દિલ્હીની જનતાએ માન આપ્યું છે. મોદી સાહેબે અને ભાજપ પક્ષે આપેલ ગેરેન્ટીના આધારે દિલ્હીની જનતાની જીવનધોરણ બદલી જશે. ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોની મદદ કેન્દ્ર સરકાર કરી રહી છે. અને હવે દિલ્હીની જનતાના સપના પણ ભાજપ સરકાર જરૂર પૂર્ણ કરશે.