દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની પ્રચંડ જીત થઈ રહી છે, જેની સકારાત્મક અસર વલસાડ નગરપાલિકાની ચૂંટણી પ્રચાર ઝુંબેશ પર જોવા મળી રહી છે. વલસાડમાં ચૂંટણી પ્રચાર દરમિયાન લોકસભાના દંડક ધવલ પટેલે ખાસ મુલાકાત લીધી હતી. દિલ્હીમાં આમ આદમી પાર્ટીને મળેલા કારમા પરાજયને કારણે વલસાડના ભાજપના કાર્યકરોમાં નવો જોશ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પાર્ટીના નેતાઓનું માનવું છે કે જે રીતે દિલ્હીની જનતાએ આમ આદમી પાર્ટીને નકારી છે, તે જ રીતે ગુજરાત વિધાનસભામાં પણ AAP ધારાસભ્યોને આવનારી ચૂંટણીમાં મતદારો નકારશે. ભાજપના નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં ચૈતર વસાવા સહિત આમ આદમી પાર્ટીના અન્ય ધારાસભ્યોની બેઠકો પણ ભાજપ જીતી લેશે. દિલ્હીના પરિણામોએ સ્થાનિક નેતૃત્વને વધુ મજબૂત બનાવ્યું છે અને આગામી ચૂંટણીઓ માટે પાર્ટીની રણનીતિને વેગ આપ્યો છે.