સિરામિક ઉદ્યોગ અને વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળા માટે પ્રચલિત સુરેન્દ્રરનગરના થનાગઢ નગરપાલિકામાં છેલ્લી છ ટર્મથી ભારતીય જનતા પાર્ટીનું એકચક્રીય શાસન ચાલ્યું આવે છે. આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ હોવાના કારણે ચૂંટણીમાં ભારે રસાકસી રહેવાની પૂરેપૂરી શક્યતા છે. થાનગઢમાં 300થી પણ વધારે સિરામિક ઉદ્યોગ અને 500થી વધારે ગૃહઉદ્યોગ આવેલા છે. સિરામિક ઉદ્યોગના કારણે સરકારને દર વર્ષે રૂ. 1000 કરોડથી પણ વધુ દર વર્ષે ટેક્સ ચૂકવવામાં આવે છે. જોકે થાનગઢને સુવિધા માત્ર ગ્રામપંચાયત જેવી મળે છે એ વરવી વાસ્તવિકતા છે. થાનગઢ પાલિકાની ચૂંટણીમાં સાત વોર્ડની 28 બેઠક માટે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષના મળીને કુલ 107 ઉમેદવારો મેદાને છે. જેમાં વોર્ડ નંબર ચારમાં સોથી વધુ 27 અપક્ષ ઉમેદવાર છે. ત્રિપાખિયા જંગમાં આપ ભાજપના મત કાપે છે કે કોંગ્રેસના તેના પર હાર જીતનો ફેસલો થવાનો છે. ત્યારે દિવ્ય ભાસ્કર ડિજિટલની ટીમે થાનગઢ નગરપાલિકાએ કરેલો વિકાસ અને જનતાનો મત જાણવાનો પ્રયત્ન કર્યો છે. જેમાં અમને પાલિકાના સાત વોર્ડમાંથી મોટાભાગના વોર્ડમાં ગટરના પાણી ઉભરાવવાની સાથે રોડ રસ્તા ચિથરેહાલ અને ચારેબાજુ પારાવાર ગંદકીના ઢગ જોવા મળ્યા હતા. અમે લોકો સાથે વાચચીત કરી તો સૌથી વધારે વિકટ પ્રશ્નો ભૂગર્ભ ગટર, ઓવરબ્રિજ, લાઈટ પાણી અને સફાઈના હોવાનું લોકોએ આક્રોશ સાથે જણાવ્યું હતું. ‘…નહીં તો આ ગંદું પાણી તમારા પર જ ઉડાડીશું’
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં વોર્ડ નંબર ચારમાં રહેતા દયાબેન જેન્તીભાઇ ખીમસુરિયાએ આક્રોશ સાથે જણાવ્યું કે, આ ગંદકીમાં નાના બાળકો પડી જાય છે. સરકાર શું કરે છે અમે ઈ જોવા માંગીએ છીએ, અમારી કોઈ કિંમત છે કે નથી? નેતાઓ મત લેવા આવે છે અને અમે મત દઈએ છીએ.. શું આવી ગંદકી માટે અમે મત દઇએ? તમે જોઈલો અહીં કેટલું પાણી છે. આ તરણેતરનો બાયપાસ રસ્તો છે. અહીં બાળકો ભણવા માટે જાય છે. અમારી વ્યવસ્થા તમે ના કરો તો મત લેવા કેમ આવો છો? તમે એક વખત આ ગંદકીમાં ચાલીને બતાવો તો તમને ખબર પડે કે શું થાય. આ ગંદકીમાં અમે બીમાર થઈએ છીએ એનો ખર્ચો કોણ આપશે? અમે મજૂરીયા માણસો છીએ, અમે કામ કરીને અમારું પેટ ભરીએ છીએ. મત લેવા આવો ત્યારે અમને મત આપો…અમને મત આપો… શું અમે ખાલી મત આપવા જ છીએ? હવે પહેલાં અમને સુવિધાઓ આપો પછી મત લેવા આવજો નહીં તો આ ગંદુ પાણી અમે તમારા પર જ ઉડાડીશું.. ‘કામ દેખાતું નથી, માત્ર પૈસામાં જ રસ છે’
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં ભીમજીભાઈ પુંજાભાઈ વાણીયાએ પણ આક્રોશ સાથે જણાવ્યું કે, હું વોર્ડ નંબર ચારમાં રહુ છું. થાનગઢ નગરપાલિકાને ઓવરબ્રિજ બનાવવામાં જ રસ છે કારણ કે, એમાં પૈસા મળવાના છ. ઓવરબ્રિજનુ કામ સાત વર્ષથી ટલ્લે ચઢાવેલું છે અને હજી કામ પુરુ થયુ નથી. જેનાથી મેઇન રસ્તા પર ગટરનું પાણી રોજ જોવા મળે છે. આ ભાજપના વિકાસનો રોડ ઉભરાયો છે, અમારે જવું ક્યાં? અમારે ચાલવું ક્યાં? આ લોકોને આ કામ કેમ દેખાતું નથી કે ખાલી એમને પૈસામાં જ રસ છે? અમે સાત વર્ષથી ભૂગર્ભ ગટરના પાણીની રજૂઆત કરીએ છીએ પણ કંઇ નિવેડો આવતો નથી. તો શું તમારે ફક્ત મત લેવા માટે જ આવવું છે? મહેરબાની કરીને તમે હવે વોર્ડની અંદર આવશો નહી. અમારા વિસ્તારમાં તમે કામ નહી કરો તો અમે મત આપવાના નથી. અને તમારો બહિષ્કાર કરવાનાં છીએ. અમારા નાના અને ગરીબ માણસોના કામ કરવામાં તમને કેમ રસ નથી? શું તમને મોટા કામોમાં જ રસ છે, શું એમાં તમને વધારે પૈસા મળવાના છે? તમે ગામને જંગલ બનાવી દીધું છે, બધા જ ગામોનો વિકાસ થાય છે, પણ અમારા થાનનો વિકાસ કેમ થતો નથી? શું તમને એની ગ્રાન્ટ નથી મળતી..? જે મળે છે એ ક્યાં વાપરો છો…? ‘શું મામલતદાર કચેરીએ જઈને મંડપ નાખીએ?’
માયાબેન આક્રોશ સાથે જણાવે છે કે, આ વિસ્તારમાં કોઈ ધ્યાન દેતું નથી. અમે આ બાબતે વારંવાર રજૂઆત કરી છે પણ કોઇ જ નિવેડો નથી. અમારા ઘરે પ્રસંગ છે અમારે મંડપ ક્યાં નાખવા? શું અમે મામલતદાર કચેરીએ જઈને મંડપ નાખીએ? જમણવાર ક્યાં રાખવો, મહેમાન કંઇ રીતે સાચવવા? મત લેવાના હોય ત્યારે નેતાઓ હાલ્યા આવે છે, અમારે તકલીફ હોય ત્યારે કેમ કોઇ દેખાતું નથી. ગંદકીના કારણે મારી બેબીને ડેન્ગ્યુ થઇ ગયો છે. અગાઉ એક બે જણાના તો મોત થઇ ગયા છે. ગંદકીના કારણે બીમાર થઇએ અને ડોક્ટર પાસે જઈએ તો રૂ. પાંચ-પાંચ હાજર ફી થાય છે, અમે ક્યાંથી દવા કરાવી શકીએ..? ‘તમે અમારાં કામ ન કરો તો બીજું કોઈ કરે?’
જશુબેન નામના વૃદ્ધાએ પણ આક્રોશ ઠાલવતાં જણાવ્યું હતું કે, અહીં પાણીની અને રોડની તકલીફ છે. અહીં હું પડી ગઈ હત, અને મારે પગમાં બે ઓપેરશન કરાવવા પડ્યા. મારા છોકરાએ મને 80 હજારની દવા કરાવી આપી એનું શું ? અમે મજૂરીયા માણસો છીએ, તમે અમારા કામ ન કરો તો બીજુ કોઇ કરે? અન્ય એક વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે, અહીંથી ચાલતા અમે સ્કૂલે જઈએ છીએ ત્યારે અમને અહીં ગંદકી બહુ જ નડે છે, અમે ચાલતા જતા હોંઈએ છીએ ત્યારે બાઇકવાળા પાણી ઉડાડતા જાય છે અને અમારા કપડા ખરાબ થાય છે. આથી આ બધું વ્યવસ્થિત સાફ થઇ જાય એની સુવિધા કરાવો. ‘કોઈપણ જાતની સુવિધાઓ નથી અપાતી’
આ બાદ અમે થાનગઢવાસિનિયર પત્રકાર ભરત દવે સાથે વાતચીત કરી તો એમણે જણાવ્યું કે, થાનમાં અત્યાર સુધીમાં છ વખત નગરપાલિકાની ચૂંટણીઓ થઇ, જે તમાત ચૂંટણીઓમાં ભાજપનો દબદબો રહ્યો છે. આ વખતે અહીં ત્રિપાંખીઓ જંગ છે, ખાસ કરીને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ઝંપલાવ્યું છે, આથી આ વખતે કાંઈક નવું જ પરિણામ આવવાની પુરેપુરી શક્યતા છે. અહીં 300થી વધારે સિરામિકના કારખાનાઓ છે. 1000થી પણ વધારે કરોડ જીએસટી ભરે છે છતાં થાનગઢને કોઈપણ જાતની સુવિધાઓ આપવામાં આવતી નથી. થાનગઢ માટે એક સીરામિક ઉદ્યોગ માટે એક સારો બાયપાસ રોડની જરૂર છે, ઓવરબ્રિજ છેલ્લા સાત આઠ વર્ષથી ગોકળ ગતિએ ચાલી રહ્યો છે. થાનગઢમાં ભૂગર્ભ ગટર સાવ ખાડે ગઈ છે. સફાઈ કર્મચારી છેલ્લા બે વર્ષથી વહીવટી શાસનમા થાનની પરિસ્થિતિ એટલી હદે બગાડી નાખી છે કે આ વખતે મતદારો મતદાન માટે જતા પહેલા અનેકો વખત વિચારો કરવાનાં છે. થાનગઢની અંદર સરકારી દવાખાનું છે, પણ અહીં એક સીએચસી હોસ્પિટલ હોવી જોઈએ. ટુંકમાં થાનમાં કોઈ જ જાતની સુવિધાઓ નથી. થાન પાલિકાની ચૂંટણીમાં કયા વોર્ડમાં કેટલા મતદારો (સ્ત્રી-પુરૂષ)