ડોલરના પ્રેમમાં વતનને બદનામ કરવામાં પણ કેટલાક લોકો ખચકાતા નથી! આ આઘાતજનક હકીકતના પુરાવા ‘દિવ્ય ભાસ્કર’ના હાથે લાગ્યા છે. હકીકતમાં વિદેશમાં કાયમી શરણાર્થી તરીકે સ્થાયી થવા માટે ત્યાં ગેરકાયદે પહોંચેલા કેટલાક લોકો એવી એફિડેવિટ પરિવાર પાસે કરાવીને મંગાવે છે કે તેમને ગુજરાતમાં રાજકીય પાર્ટી કે રાજકીય વગદાર વ્યક્તિથી જીવનું જોખમ હોય. ‘પોતે એક પાર્ટીને સમર્થન આપતા હોઈ સત્તાપક્ષથી તેમને જીવનું જોખમ છે અને અવારનવાર ધમકીઓ પણ મળી છે’. આવા બહાનાં હેઠળ વિદેશમાં કાયમી શરણાર્થી બનીને રહેવાના અભરખામાં ગુજરાત જેવા રાજ્યને વિદેશની ધરતી પર બદનામી વહોરવી પડે છે. અમેરિકન કોર્ટમાં આવા સંખ્યાબંધ કેસ પેન્ડિંગ છે, જેમને તાત્કાલિક આટોપવા કે ફગાવી દેવા પણ ત્યાંની સરકારે હુકમ કર્યો હોવાનું અમેરિકન મીડિયા દ્વારા જાણવા મળ્યું છે. ‘ડંકી રૂટ’થી વિદેશ મોકલનારા એક એજન્ટે નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતુ કે આવી એફિડેવિટથી ત્યાં શરણાર્થી તરીકેનો કેસ કરીને આશ્રય લેવામાં આવે છે. જેમાં મોટા ભાગે એજન્ટ જ પરિવારના સભ્યોના નામે એફિડેવિટ કરીને મોકલી દેતા હોય છે. જોકે, ટ્રમ્પ સરકારે સત્તામાં આવતાં જ અમેરિકન કોર્ટમાં ચાલતા શરણાર્થીઓના આવા કેસ કે જેમાં અધૂરી માહિતી કે શંકાસ્પદ કેસ હોય તેને તાત્કાલિક ફગાવી કેસ બંધ કરવા આદેશ કર્યાનું પણ હાલ જાણવા મળી રહ્યું છે. ‘અસાઈલમ’ માટે થતી એફિડેવિટમાં મુખ્યત્વે આ જ બહાનાં હોય છે! હું ભાજપ કે કોંગ્રેસનો કાર્યકર છું અને વિરોધી પાર્ટીના કાર્યકરો મને અને મારા પરિવારને મારી નાખવા ફરી રહ્યા છે. સ્થાનિક પોલીસ ફરિયાદ પણ નોંધતી નથી માટે દેશ છોડી ભાગવું પડ્યું. હું હિન્દુ કે મુસ્લિમ વિસ્તાર નજીક રહેતો હતો, ત્યાં અન્ય ધર્મના લોકોની બહુમતી હોઈ એવા વિસ્તારના છોકરા કે છોકરી સાથે પ્રેમ થઈ ગયો અને તેના પરિવારના સભ્યો મારી નાંખવા ફરી રહ્યા છે. મારી પત્નીની અન્ય સમુદાયના લોકો છેડતી કરતા હોવાથી હુમલો કર્યો અને ફરાર થવું પડ્યું અથવા હવે તે હુમલો કરવા ફરી રહ્યા છે માટે જીવ બચાવવા દેશ છોડ્યો છે. ગામમાં બે કોમ વચ્ચે બબાલ થઈ છે જેમાં મારા પરિવારના કોઈ એક સભ્ય કે પિતાજી આગેવાન હોઈ બીજી કોમ કે સમાજના લોકો હવે મને મારી નાખવા ફરી રહ્યા છે, પોલીસ પણ કશું કરતી નથી. કોરોનોમાં બધું પાયમાલ થઈ ગયું છે, સરકારથી કોઈ સહાય નથી મળી, દેવું થઈ ગયું અને ઉઘરાણીવાળા હવે મારી નાખવા ફરે છે. પોલીસ મદદ નથી કરી રહી માટે પરિવાર સાથે દેશ છોડ્યો. એફિડેવિટથી અસાઈલમ લીધા પછી ભારતનો રસ્તો કાયમ બંધ
જાણકારોનું કહેવું છે કે અમેરિકાની કોર્ટ એફિડેવિટના આધારે એકવાર ચુકાદો આપીને શરણાર્થી તરીકે સ્વીકારી લે પછી તે વ્યક્તિ ક્યારેય પોતાના વતન પરત ફરી શકતો નથી. તેને જે તે દેશમાં પરત ફરવા પર ત્યાંની સરકાર જ મનાઈ ફરમાવે છે. આમ તેના વતન પરત ફરવાના રસ્તા કાયમ બંધ થઈ જાય છે. ખાલિસ્તાનથી જોખમ હોવાની સૌથી વધુ એફિડેવિટ થાય છે
ડંકી રૂટથી જ વર્ષો પહેલાં અમેરિકા સ્થાયી થયેલા એક યુવકે નામ ગુપ્ત રાખવાની શરતે જણાવ્યું હતું કે ગુજરાતીઓ કરતાં વધુ એફિડેવિટ પંજાબથી આવતા લોકો કરે છે. જેમાં અહીંની સરકાર પણ માને છે કે પંજાબમાં ખાલિસ્તાનીઓનો આંતક છે. માટે તે લોકોની એફિડેવિટ ગંભીરતાથી લેવાય છે. અમેરિકામાં TAX-ID અત્યારના સમયનું નવું કવચ છે: સ્થાનિક
થોડા સમય પહેલાં ગુજરાતથી કબૂતરબાજીમાં અમેરિકા પહોંચેલા યુવકે કહ્યું હતું કે એફિડેવિટ ઉપરાંત અહીંયા ટેક્સ-આઈડી લેવાનું એક નવું કવચ અહીંના કાયદા નિષ્ણાંતો આપી રહ્યા છે. એજન્ટ રેન્ટ એગ્રિમેન્ટ કે જોબકાર્ડ પરથી બીજા ડોક્યુમેન્ટ બનાવી આપે છે અને 500 ડોલર ફી વસૂલી ટેક્સ આઈડી કઢાવી આપે છે. ટેક્સ આઈડી બન્યા પછી તમે એક રીતે કાયદેસર જ ગણાવ છો, પછી કોઈ પરેશાન નથી કરતું. એફિડેવિટ કર્યા બાદ જેતે વ્યક્તિને તે વાંચી સંભળાવવામાં આવે છે
કોઈ પણ વ્યક્તિ સોગંદનામું કરવા આવે ત્યારે તે જે રજૂઆત કરે તેને ટાઈપ કરીને ફરી નોટરી કે એફિડેવિટ કરી આપનાર સત્તાધારી વ્યક્તિ તેમને વાંચી સંભળાવે છે અને પૂછે છે કે, ભગવાન માથે રાખી વાંચી ખરાઈ કરો કે તમે જે રજૂઆત કરી છે તે સાચી છે? આમ આવા ઓથ (સોગંદ) લેવડાવીને વ્યક્તિની રજૂઆતને આઈડેન્ટિફાય કરી આપે છે. -ગુલાબખાન પઠાણ, મેમ્બર, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત