હાઇકોર્ટમાં ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ વૈભવી નાણાવટીની બેંચ સમક્ષ સાબરમતી નદી પ્રદૂષણ સુઓમોટો અરજી ઉપર સુનવણી હાથ ધરાઇ હતી. જેમાં કોર્ટ મિત્ર દ્વારા જોઇન્ટ ટાસ્ક ફોર્સનો 12મો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જોઇન્ટ ટાસ્ક ફોર્સ દ્વારા 07 CTP ચકાસણી કરવામાં આવી હતી અને એની ચકાસણીથી જાણ થઇ હતી કે ટ્રીટેડ પાણીમાં TDS નું પ્રમાણ વધ્યું છે. તે સિવાય ટ્રીટેડ પાણીમાં કલર પણ છે. આ પાણી મેગા પાઇપલાઇનમાં ઠાલવવામાં આવે છે અને ત્યાંથી એ સાબરમતી નદીમાં જાય છે. ટાસ્કફોર્સને દર ત્રણ મહિને ચકાસણી કરી રિપોર્ટ સોંપવા આદેશ
હાઇકોર્ટે જોઇન્ટ ટાસ્ક ફોર્સના રિપોર્ટનો જવાબ આપવા માટેનો આદેશ કરતાં નોંધ્યું હતું કે હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશોનો અમલ ઓથોરિટી દ્વારા કરવામાં આવી રહ્યો છે. GPCB દરેક મહિને ચકાસણી કરે છે અને એનો રિપોર્ટ રજૂ કરે છે. જ્યારે ટાસ્ક ફોર્સને હવે દર ત્રણ મહિને ચકાસણી કરીને રિપોર્ટ રજૂ કરવાનો રહેશે. હાઇકોર્ટે આ કેસની વધુ સુનાવણી માર્ચ મહિનામાં મુકરર કરી છે. આ મામલે અગાઉ હાઇકોર્ટે વ્યવસ્થાતંત્રને તાકીદ કરી હતી કે આવી બાબતોના કાયમી સમાધાન માટે અભ્યાસ કરાવો જોઈએ. કોર્ટ મિત્રે જણાવ્યું હતું કે જોઇન્ટ ટાસ્ક ફોર્સ દ્વારા રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે અને એમાં એવું અવલોકન કરવામાં આવ્યું છે કે સાબરમતી નદીના પાણીમાં TDS નું સ્તર વધ્યું છે અને એનો રંગ પણ બદલાઇ ગયો હોઇ પ્રદૂષણ થઇ રહ્યું છે. નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થવાની ભીતિ
આ પાણીનો ઉપયોગ ખેતી માટે પણ થાય છે, જેથી નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં પણ થઇ શકે એમ છે. જેથી હાઇકોર્ટે સવાલ કર્યો હતો કે TDS અને કલરનો જે મુદ્દો છે એનો નિકાલ કોણ કરશે? CTP માથી જે પાણી નીકળે છે એના TDS સ્તર અને પાણીનો રંગ પ્રદૂષણ સૂચવે છે. પાણીમાં જો TDS નું સ્તર વધી જાય તો તેના કારણે નાગરિકોના સ્વાસ્થ્યને નુકસાન થઇ શકે છે. વધુ TDS ના જોખમી પરિણામો હોય છે. તેથી આપણે બધું કુદરત ઉપર છોડી શકીએ નહીં. આપણે કુદરત જોડેથી પાણી લઇને જો એને પાછું કરતાં હોઇએ તો એ શુદ્ધ હોવું જોઇએ. હાયર લેવલનું TDS કોઇ પણ રીતે સાબરમતી નદીમાં જવું જોઇએ નહીં.