અમદાવાદના સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશનના કન્સ્ટ્રક્શન સાઇટ પર આજે વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. કન્સ્ટ્રક્શન સાઇટ ભીષણ આગ લાગતા મજૂરોમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની 14 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. બે કલાકની જેહમત બાદ આગ કાબૂમાં લેવામાં આવી છે. ફાયર બ્રિગેડને સ્થાનિક મજૂરોના જણાવ્યા મુજબ વેલ્ડીંગ કામ ચાલી રહ્યું હતું, તે દરમિયાન લાકડામાં આગ લાગી હતી. જે બાદ પવન ફૂંકાવવાના કારણે આગ વધુ ફેલાઈ ગઈ હતી. બુલેટ ટ્રેન સ્ટેશનના કન્સ્ટ્રકશન સાઈટ પર આગ લાગતા પ્રોજેક્ટના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયર વિભાગે સક્રિયપણે આગને કાબૂમાં લીધી
બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીના જણાવ્યા મુજબ સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશનના કન્સ્ટ્રક્શન સાઈટના એક ભાગની છત પર આજે સવારે લગભગ 6.30 વાગ્યે આગ લાગવાની ઘટના સામે આવી છે. કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર નથી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ, પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે કામચલાઉ શટરિંગના કામને કારણે વેલ્ડિંગમાંથી નીકળેલી સ્પાર્કને કારણે આગ લાગી હશે. ફાયર વિભાગે સક્રિયપણે આગને કાબૂમાં લીધી છે અને પરિસ્થિતિ હવે કાબૂમાં છે. NHSRCLના અધિકારીઓ સ્થળ પર હાજર છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યાં છે. વેલ્ડીંગનો તણખો ઉડતા આગ ભભૂકી ઊઠી હતી
અમદાવાદ ફાયર બ્રિગેડના ડિવિઝનલ ફાયર ઓફિસર ઇનાયત શેખે જણાવ્યું હતું કે, સાબરમતી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કન્સ્ટ્રક્શન સાઈટ પર વહેલી સવારે 6:30 વાગ્યાની આસપાસ આગ લાગી હોવાનો મેસેજ મળ્યો હતો. જેના પગલે સૌપ્રથમ સાબરમતી અને ચાંદખેડા ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારબાદ શાહપુર, નવરંગપુરા, મણીનગર, જમાલપુર સહિતની ગાડીઓ મળી કુલ 14 ફાયર બ્રિગેડની ગાડીઓ અને અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. કન્સ્ટ્રક્શન સાઈટ પર ધાબાનું સેન્ટિંગ ભરાવવાનું કામ ચાલતું હતું. લાકડાની સીટ મૂકી ટેકા રાખી અને બાંધકામ ચાલી રહ્યું હતું, તે દરમિયાનમાં વેલ્ડીંગનો તણખો ઉડતા આગ લાગી હતી. પાણીનો મારો ચલાવી બે કલાકમાં આગને કાબૂમાં લીધી
ખુલ્લો ભાગ અને લાકડું હોવાના કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી બે કલાકમાં આગને કાબૂમાં લઈ લીધી હતી. આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી ગઈ છે. સાવચેતીના ભાગરૂપે હાલ બે ગાડીઓ ઘટના સ્થળે રાખવામાં આવેલી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે.