ગત 27 જાન્યુઆરી 2025ના રોજ રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓની હાજરી ડિજિટલ કરવાનો નિર્ણય લીધો હતો. કર્મચારીઓની સમયસર હાજરી માટે ‘ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમ’નો અમલ કર્યો છે. 1 ફેબ્રુઆરીથી આ પાયલોટ પ્રોજેક્ટ સચિવાલય સહિત ગાંધીનગરની કચેરીઓના 15 હજાર જેટલા કર્મચારીઓ માટે અમલી બનાવ્યો છે. ત્યાર બાદ સમગ્ર રાજ્યની સરકારી કચેરીઓમાં લાગુ થાય તો 4.50 લાખથી 5 લાખ જેટલા કર્મચારીએ ડિજિટલ એટેન્ડન્સ ભરવી પડશે. સરકારના આ નિર્ણયનો સચિવાલયના કર્મચારીઓએ વિરોધ શરૂ કર્યો છે. તેઓ કહે છે કે આધાર લિકિંગ અને લોકેશન એક્સેસ જેવી બાબતો પ્રાઇવસી ભંગ કરે છે તેમજ સરકારની ગુપ્ત માહિતી લીક થવાની પણ શક્યતા છે. સરકારના પરિપત્રમાં કહેવાયું હતું કે અધિકારી અને કર્મચારીઓની હાજરીનું સારી રીતે અને સરળતાથી નિયમન થાય તથા મોડા આવનારા અધિકારી-કર્મચારીઓ પર નિયત્રંણ રહે એ માટે ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પરિપત્ર જાહેર કરી 3 દિવસમાં અમલ કરવાની વાત કરાઈ તો સચિવાલય સહિતના તમામ કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો અને પરંપરાગત મસ્ટર પદ્ધતિ કે કાર્ડ સ્વાઈપથી જ હાજરી પૂરી રહ્યા છે. જોકે આ નિર્ણય એકતરફી લેવામાં આવ્યો હોવાનું કર્મચારી મંડળોનું માનવું છે. કર્મચારીઓનો વિરોધ જોઈને લોકોને એવું થયું કે કર્મચારીઓની લેટ લતીફી બંધ થઈ જશે અને પકડમાં આવી જશે, જેથી તેઓ વિરોધ કરી રહ્યા છે, પરંતુ હકીકત શું છે? કર્મચારીઓ ખરેખર મોડા આવવાથી પકડાઈ જવાની બીકે DAS સિસ્ટમનો વિરોધ કરી રહ્યા છે કે પછી બીજું કંઈ કારણ છે? આ સવાલોના જવાબ જાણવા ભાસ્કરની ટીમ ગાંધીનગર સચિવાલય પહોંચી હતી, જ્યાં કર્મચારીઓ અને તેમના એસોસિયેશન સાથે વાતચીત કરી અને સરકારનો પક્ષ પણ જાણ્યો કે ખરેખર આ ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમ(DAS) શું છે? અને કર્મચારીઓ એનો કેમ વિરોધ કરી રહ્યા છે.? ‘અમારો પ્રશ્ન ટેક્નિકલ આસ્પેક્ટને લઈને છે’
ધી ગુજરાત સચિવાલય સેક્શન અધિકારી એસોસિયેશનના ઉપ પ્રમુખ હિમાંશુ રાઠોડે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે સચિવાલયમાં હાજરી અંગે કર્મચારીઓને કોઈ જ પ્રશ્ન નથી, હાજરી તો અમારી ફરજનો એક ભાગ જ છે. નિયત સમયે આવવું એ માટે તો અમે તમામ કર્મચારીઓ બંધાયેલા છીએ. અમારો પ્રશ્ન બાયોમેટ્રિક ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમમાં રહેલી ટેક્નિકલ આસ્પેક્ટને લઈને છે. ‘આ સિસ્ટમથી કર્મચારીઓનું લાઇવ લોકેશન સતત ટ્રેસ થશે’
તેઓ આગળ કહે છે કે વહીવટી વિભાગે 27 જાન્યુઆરી 2025ના રોજ પરિપત્ર કર્યો અને 1 ફેબ્રુઆરીથી અમલ કરવા આદેશ કરી દીધો. પરિપત્ર બહાર પાડ્યાના માત્ર 3 દિવસમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરી દીધો, જેથી અમને લાગે છે કે આ એકતરફી નિર્ણય છે. આ બાયોમેટ્રિક ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમમાં કર્મચારીએ તેના ફોનમાં એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. બાદમાં હાજરી માટે લોકેશન ઓન રાખીને માઈક સાથે કેમેરા ચાલુ કરીને ફેસ એટેન્ડન્સ સિસ્ટમમાં હાજરી પુરાવાની છે, એટલે એક પ્રકારે આ સિસ્ટમ સર્વેલન્સ સિસ્ટમ બની રહેશે. આનાથી દરેક કર્મચારીઓનું લાઈવ લોકેશન સતત ટ્રેસ થતું રહેશે. ‘ડેટા સિક્યોરિટીની શું ખાતરી છે?’
‘સરકાર તરફથી ટેક્નિકલ આસ્પેક્ટ ક્લિયર નથી, કોઈ સ્પષ્ટતા નથી કે આ ડેટાનું મોનિટરિંગ કેવી રીતે થશે. એપ્લિકેશનમાં થર્ડ પાર્ટી ડેટાનું મોનિટરિંગ કરશે તો આમાં ડેટા સિક્યોરિટીની શું ખાતરી છે.? આ સિવાય લાંબા ગાળે આ ડેટા RTI એક્ટ હેઠળ આવશે કે કેમ એવા અનેક પ્રશ્નો કર્મચારીના મનમાં છે.’ ‘સતત લેટ આવતા કર્મચારીઓ માટે પ્રોવિઝન્સ છે’
‘કોવિડ કે ફ્લડ જેવી પરિસ્થિતિમાં દિવસ-રાત જોયા વગર કર્મચારીઓ ક્ષમતા કરતાં પણ વધારે કામ કરતા હોય છે. કોઈ કર્મચારી સતત લેટ આવતા હોય તેના માટે પ્રોવિઝન્સ છે, નિયંત્રણ અધિકારી છે, મહેકમના ઉપ સચિવ અને નાયબ સચિવ કક્ષાના અધિકારી મોનિટર કરતા જ હોય છે. કોઈ કર્મચારી ફિલ્ડમાં જાય કે પછી પોતાના અંગત કામથી બહાર જાય તો તે તેના ઉપરી અધિકારીને જાણ કરીને જ જાય છે, જેથી કર્મચારીઓને હાજરી બાબતે કોઈ જ પ્રશ્ન નથી. આ બાબતે અમે મુખ્યમંત્રી કાર્યાલય, સામાન્ય વહીવટી વિભાગ, સાયન્સ અને ટેક્નોલોજી વિભાગમાં રજૂઆત કરી છે, જેમાં અમે અમારા વાંધા સૂચનો રજૂ કર્યાં છે. અમને આશા છે કે સંવાદ થકી અમારી સમસ્યાનું સમાધાન આવશે.’ ‘રાજ્ય સરકારે જ એપ બનાવી હોવાથી ડેટા લીક થવાનો ડર નથી’
આ બાબતે જાણવા ભાસ્કરની ટીમ સામાન્ય વહીવટી વિભાગમાં ગઈ, પરંતુ કોઈ કેમેરા સમક્ષ બોલવા તૈયાર નહોતું. એક ઉચ્ચ અધિકારીએ કહ્યું, ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમનો નિર્ણય વ્યવસ્થાને સુદૃઢ બનાવવા લેવાયો છે અને હાલ પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગાંધીનગરમાં અમલ કરાયો છે. અધિકારી અને કર્મચારીઓની હાજરી માટે જે Geo Attendance system એપ્લિકેશન બનાવવામાં આવી છે, એ રાજ્ય સરકારના સાયન્સ અને ટેક્નોલોજી વિભાગે જ બનાવી છે. જેથી કોઈ થર્ડ પાર્ટી પાસે કર્મચારી કે અધિકારીનો ડેટા લીક થવાનો ડર જ નથી. ‘લોકેશન ટ્રેસ કરવાનો કોઈ જ પ્રશ્ન નથી’
આ એટેન્ડન્સ સિસ્ટમ સુદૃઢ બને એ માટે ફેસ દ્વારા કર્મચારીઓએ હાજરી પૂરવાની હોય છે અને જે ઓફિસમાં કામ કરતા હોય એ જ ઓફિસમાં આવીને હાજરી પૂરવાની છે. હાલ અમે પણ આ જ એપ્લિકેશનમાં હાજરી પૂરીએ છીએ, એમાં લોકેશનની કોઈ જ સમસ્યા નથી. દરેક મોબાઈલ ફોનના સેટિંગમાં લોકેશન કઈ એપ્લિકેશનમાં કેટલી વાર માટે ચાલુ કરવું એના ઓપ્શન આપેલા જ હોય છે. જેથી લોકેશન ટ્રેસ કરવાનો કોઈ જ પ્રશ્ન નથી. આ એપ્લિકેશનમાં માઈક ચાલુ રાખવાની કોઈ જ વાત નથી. અમે અધિકારીઓએ આ એપ્લિકેશનમાં હાજરી પૂરવાનું શરૂ કરી દીધું છે અને આ બાબતે જે કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે તેમની સાથે પરામર્શ કરીને સમાધાન લાવવા પ્રયાસ કરાશે. આધાર લિંકિંગ પ્રાઇવસીને અસર કરે છે: રાજ્ય કર્મચારી મહામંડળ
આ અંગે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના મહામંત્રી ભરતભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારે હાલમાં કર્મચારીઓની હાજરી પૂરવા માટે ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જેને સચિવાલય, ઉદ્યોગ ભવન, ગાંધીનગરની કલેક્ટર અને DDO કચેરીમાં લાગુ કરાયો છે. નવી સિસ્ટમમાં કર્મચારીઓના અંગત મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરીને હાજરી પૂરવાની હોય છે, જેમાં આધાર લિંકિંગ અને લોકેશન એક્સેસ જેવી માગણીઓ કર્મચારીઓની પ્રાઈવસીને અસર કરે છે. એ બાબતે કર્મચારી મહામંડળ અને અન્ય એસોસિયેશને આ બાબતે વિરોધ નોંધાવ્યો છે. અમારી માગ છે સરકાર આ સિસ્ટમમાં સુધારો કરી કોઈ નવી સિસ્ટમ લાવે અથવા હાજરી પૂરવાની જે જૂની પ્રણાલી છે કાર્ડ સ્વાઈપ કે મસ્ટર પદ્ધતિ એ ચાલુ રાખે. ‘અમને લોકેશન ટ્રેસ થવાનો ડર છે’
આ બાબતે કૃષિ વિભાગમાં સેક્શન અધિકારી તરીકે ફરજ બજાવતાં હેતલ ગોહિલે જણાવ્યું હતું કે સામાન્ય વહીવટી વિભાગ દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, એમાં ઘણી બધી અસ્પષ્ટતાઓ છે. આ સિવાય ઘણી વસ્તુઓ એવી છે કે ઘણા કર્મચારીઓને કોઈ જ ખ્યાલ નથી આવતો. આમાં અમને એવો ડર છે કે આ એપ્લિકેશન થકી કર્મચારીઓનું લોકેશન ટ્રેસ થઈ શકે છે. જો આવી રીતે અમારું લોકેશન ટ્રેસ થાય અને પર્સનલ ડેટા લીક થાય તો? સચિવાલયમાં કામ કરતી તમામ મહિલાઓ થકી એટલું કહીશ કે આ બાબતે જ્યાં સુધી સરકાર તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં ન આવે ત્યાં સુધી આ એપ્લિકેશન ડાઉનલોડ ન કરવી જોઈએ. ‘આ સિસ્ટમની એક પ્રકારે સર્વેલન્સ સિસ્ટમ જેવી વ્યવસ્થા’
માર્ગ અને મકાન વિભાગના સેક્શન અધિકારી બિન્દેશ ગોસાઈએ જણાવ્યું, DAS (ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમ)માં કર્મચારી એપ્લિકેશન ડાઉનલોડ કરીને એના એટેન્ડન્સ માટે ઓડિયો અને વીડિયોનું એક્સેસ આપવાનું છે. આ સિસ્ટમ એક પ્રકારે સર્વેલન્સ સિસ્ટમ જેવી વ્યવસ્થા છે. હાલમાં જે હાજરી માટેની સિસ્ટમ છે, જે યોગ્ય અને સુચારુ છે, ત્યારે આ પ્રકારે ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમ ઊભી કરતાં પહેલાં સચિવાલયના કર્મચારીઓની રજૂઆતો ધ્યાનમાં લે તો એ નિર્ણય સકારાત્મક નિર્ણય રહેશે. મસ્ટર પદ્ધતિ અને બાયોમેટ્રિક હાજરી સિસ્ટમમાં શું ફરક છે?
મસ્ટર પદ્ધતિમાં કર્મચારી જે-તે સમયે આવીને પોતાની સહી કરીને હાજરી પૂરે છે. સચિવાલયમાં હાલ કાર્ડ પદ્ધતિ અમલી છે. કર્મચારી પોતે આવીને કાર્ડ સ્વાઈપ કરે છે, જેનો ડિજિટલ ડેટા સ્ટોર થાય છે અને સિસ્ટમમાં દેખાય છે કે કર્મચારી કેટલા વાગ્યે આવ્યા અને કેટલા વાગ્યે ગયા. બાયોમેટ્રિક હાજરી સિસ્ટમમાં જિયો એટેન્ડન્સ સિસ્ટમ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરીને એમાં લોગ-ઈન કરીને પંચ કરવાનો છે, એની સાથે જ ફોનમાં કેમેરા ઓન કરીને ફેસ એટેન્ડન્સ સિસ્ટમમાં હાજરી પુરાવવાની છે. ધી ગુજરાત સચિવાલય ફેડરેશન સચિવાલય કેડરના કુલ સાત એસોસિયેશનનું બનેલું ફેડરેશન છે. આ ફેડરેશન હેઠળ સચિવાલય કેડરના વર્ગ-1 અધિકારીઓનું એસોસિયેશન, સેક્શન અધિકારી એસોસિયેશન, સચિવાલય સ્ટાફ એસોસિયેશન, સચિવાલયના સ્ટેનોગ્રાફરનું એસોસિયેશન, વર્ગ-4ના કર્મચારીઓનું એસોસિયેશન, ડ્રાઈવર એસોસિયેશન અને વિધાનસભામાં ફરજ બજાવતા કર્મચારીઓનું એસોસિએશન, આ પ્રકારે સાત એસોસિએશનનું એક સંયુક્ત ફેડરેશન બનેલું છે. આ દરેક એસોસિયેશન પોતાની કેડરના કર્મચારીઓના પ્રશ્નોનું સરકાર સાથે વાટાઘાટો અને રજૂઆતો કરી સમસ્યાઓનું નિકાલ લાવવાનું એક માધ્યમ તરીકે કામ કરતા હોય છે. આ ફેડરેશન ગુજરાત રાજ્યનું સંયુક્ત કર્મચારી મોરચાની સાથે પણ જોડાયેલું છે, જેથી રાજ્ય સરકારના તમામ કર્મચારીઓની સમસ્યાનું નિરાકરણ લાવી શકાય.