હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના મધ્ય ભાગમાં કેટલાક જિલ્લાનું લઘુત્તમ તાપમાન અડધાથી એક ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટ્યું છે. જોકે, આ ઘટાડો ફક્ત એકાદ દિવસ માટેનો જ છે. ત્યારબાદ ફરી એક વખત તાપમાનમાં વધારો થશે અને તાપમાન યથાવત્ બનશે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી પાંચ દિવસ રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેવાની સાથે તાપમાનનો પારો યથાવત્ રહેશે. એટલે કે, એકથી બે ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાનમાં વધારો થઈ શકે છે. મે મહિનામાં અતિશય ગરમી પડશે
ગુજરાત ઉપર આવતા પવનો ઉત્તર પૂર્વ અને પૂર્વ દિશા તરફથી છે, જેને કારણે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યના તમામ જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન સામાન્ય કે સામાન્યથી વધુ નોંધાઈ રહ્યું છે. જો ફેબ્રુઆરી માસમાં જ મહત્તમ તાપમાનનો પારો 30 ડિગ્રી સેલ્સિયસને વટાવી જાય તો ઉનાળા દરમિયાન ગરમી વધુ રહેવાની શક્યતાઓ છે. એટલે કે, ગુજરાતવાસીઓ ફેબ્રુઆરી માસમાં જ ગરમી અનુભવી રહ્યા છે. તો એપ્રિલ કે મે મહિનામાં અતિશય ગરમી સહન કરવા તૈયાર રહેવું પડશે. હવામાન વિભાગની લોંગ રેન્જ ફોરકાસ્ટ મુજબ પણ ફેબ્રુઆરી માસમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેવાની શક્યતાઓ દર્શાવવામાં આવી હતી. જે મુજબ ગુજરાતમાં વાતાવરણમાં ગરમીનું પ્રમાણ યથાવત્ રહ્યું છે. આગામી પાંચ દિવસ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર થવાની શક્યતાઓ નહીવત છે. અમદાવાદમાં 14.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન
ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્યથી અડધાથી એક ડિગ્રી સેલ્સિયસ ઓછું નોંધાયું હતું. જ્યારે ગુજરાત પ્રદેશમાં સામાન્ય કે સામાન્યથી વધુ તાપમાન નોંધાયું હતું. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 10.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ ઉપરાંત રાજ્યના અન્ય શહેરોમાં તાપમાનનો પારો યથાવત્ રહ્યો હતો. જેમાં અમદાવાદમાં છેલ્લા 24 કલાક દરમિયાન 14.9 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 15.6 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 14.4 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં 18.6 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.